નવજીવન ન્યૂઝ, હિંમતનગર : સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધના બનાવો બાદ હવે નકલી ઘી બનાવવાનો કૌભાંડ સામે આવ્યું છે. હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે ફૂડ સેફ્ટી વિભાગે દરોડો પાડીને 208 કિલો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે એક શખસને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રહેણાંક મકાનમાં ચાલતું હતું ભેળસેળનું કામ
ફૂડ સેફ્ટી વિભાગની ટીમે બાતમીના આધારે ફૂડ બિઝનેસ ઓપરેટર ખુબીરામ શિવચરણ શર્માના રાયગઢ સ્થિત રહેણાંક મકાન પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ઘરમાંથી સોયાબીન તેલ, વનસ્પતિ ઘી અને શંકાસ્પદ સફેદ પાવડરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ શખસ તેલ અને વનસ્પતિ ઘીમાં સફેદ પાવડર ભેળવી તેને શુદ્ધ ઘી જેવું બનાવી બજારમાં વેચતો હતો.

208 કિલો શંકાસ્પદ જથ્થો કબજે
ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પરથી સફેદ પાવડર સહિત આશરે 208 કિલો શંકાસ્પદ સામાન કબજે કર્યો છે. આ જથ્થાની અંદાજિત બજાર કિંમત ₹50 હજારથી વધુ હોવાનું માનવામાં આવે છે.
જપ્ત કરાયેલા પાવડર અને તેલના નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ
ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકારનો પાવડર માનવ આરોગ્ય માટે અત્યંત જોખમી હોઈ શકે છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આરોપી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લામાં ભેળસેળના બનાવો વધ્યા
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધ અને હવે નકલી ઘી જેવા બનાવો વધતા લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી રહી છે. નફો કમાવાની લાલચમાં ભેળસેળિયા તત્ત્વો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હોવાનો આરોપ ઉઠી રહ્યો છે.








