પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): હાર્દિક પટેલના ભાજપમાં પ્રવેશોત્સવ પછી ભાજપમાં નિર્માણ થયેલી આંતરિક સ્થિતિને ધ્યાનમાં લેતા જાહેરમાં તો હાર્દિક પટેલનો વિરોધ ન કરી શકાય પરંતુ નરેન્દ્ર મોદીના ફોટો સહિતના નેતાઓ સાથેના હાર્દિક પટેલનું સહર્ષ સ્વાગત છે તેની ઉપર કોઈ કુચડો મારે નહીં તેવી દહેશતને પગલે ભાજપ દ્વારા વિવિધ કોર્પોરેશન સત્તાવાળાઓને હાર્દિકના હોર્ડિંગ તાત્કાલીક ધોરણે ઉતારી લેવાની સૂચનાઓ આપી હોવાની જાણકારીઓ મળી રહી છે.
હાર્દિકને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં પ્રવેશ આપવાનો નિર્ણય ભાજપ હાઈકમાન્ડનો છે, હાર્દિકના પ્રવેશોત્સવ વખતે જ મંચસ્થ નેતાઓ જ હાર્દિકના ભાજપ પ્રવેશથી રાજી ન્હોતા તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો તેની સામે ભાજપનો એક મોટો વર્ગ નારાજ છે, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગણિત તો કાંઈક જુદા જ હોય છે. હાર્દિકના પ્રવેશના મુદ્દે પ્રદેશ નેતાગીરી સંપૂર્ણ અજાણ હતી, પણ હાઈકમાન્ડનો આદેશ થતાં હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો. નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આનંદીબહેનની સામે બેફામ ભાષામાં વાત કરનાર હાર્દિકને સત્કારવો એ પ્રદેશ નેતાઓ માટે મુશ્કેલ કામ હતું. જોકે ભાજપમાં પ્રવેશ મેળવતા પહેલા જ ખુદ હાર્દિકે પોતાના પેજ પર રહેલી એન્ટી બીજેપી અને એન્ટી મોદી પોસ્ટ્સ ડીલીટ કરવાની શરૂઆત કરી હતી. જોકે સોશિયલ મીડિયામાં હજારોની સંખ્યામાં રહેલી આ પોસ્ટ ડીલીટ કરવા માટે કોઈ એજન્સીને કામ આપવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
પ્રદેશની નારાજગી વચ્ચે હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવાનો નિર્ણય થયો અને હાર્દિકના હોર્ડીંગ લાગ્યા, ભાજપના પાયાના કાર્યકર અને પાટીદાર આંદોલનમાં જોડાયેલા લોકો માટે આ બહુ કફોડી સ્થિતિ હતી. આમ ભાજપની અંદર અને ભાજપની બહાર બંને સ્થળે નારાજગીનો સૂર હતો, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નિર્ણયને પડકારી શકે તેવો કોઈ નેતા અત્યારે પ્રદેશમાં નથી. હાર્દિક સહિત નરેન્દ્ર મોદી, જે પી નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ અને સીઆર પાટીલનાના ફોટોની સાથે હાર્દિક પટેલનો ફોટો હોય, હાર્દિક પટેલનું સહર્ષ સ્વાગત છે તેવા મથાળા હેઠળ આવા પોસ્ટર્સ લાગ્યા હતા. ભાજપી નેતાઓની હાલત તો કાપો તો લોહી ન નીકળે તેવી હતી.
હાર્દિકનો પ્રવેશોત્સવ થયો અને ખુદ હાર્દિકને પણ સમજાઈ ગયું કે નેતાઓમાં ઉમળકાનો અભાવ છે અને તેની સ્થિતિ ભાગીને લગ્ન કરનાર કન્યા જેવી છે. આમ નારાજગીઓ વચ્ચે આવેલા હાર્દિક પટેલના હોર્ડિંગ્સ પર કોઈ કુચડો મારી દે તો હાર્દિકનું તો ઠીક પણ નરેન્દ્ર મોદીનું અપમાન થાય તેવા ડરે રાજ્યમાં લાગેલા હાર્દિક પટેલના સ્વાગતના હોર્ડિંગ્સ તાત્કાલીક ઉતારી લેવા કોર્પોરેશન સહિત સંબંધિત સત્તાવાળાઓને સૂચનાઓ આપવામાં આવી હોવાની વિગતો મળી છે.

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ.અમદાવાદ):પ્રિય દોસ્ત હાર્દિક
કોઈ પણ માણસ વ્યવસ્થા સામે લડે ત્યારે મારે મન તે પ્રિય રહ્યો છે, તારી અનેક મર્યાદાઓ વચ્ચે પણ કયાંક કયાંક મને તુ ગમતો રહ્યો છે, પણ ગમતો માણસ જયારે આગ સાથે રમે ત્યારે બીક પણ લાગે છે, 2015થી હું તને જોઈ રહ્યો છે,પાટીદાર અનામત આંદોલનથી લઈ કોંગ્રેસમાં ગયો અને હવે તુ ભાજપમાં જઈ રહ્યો છે ત્યારે મને લાગે છે કે તારી સાથે વાત કરવી જોઈએ, ઘણા માણસો ઉમંર વધે તો પણ મોટા થતાં નથી પણ તુ નાની ઉમંરમાં ઘણો મોટો થઈ ગયો છે. 2015થી 2022 સુધીનો હાર્દિક વ્યવસ્થા સામે લડતો હતો પણ હવે તુ વ્યવસ્થાનો હિસ્સો બની રહ્યો છે, વ્યવસ્થાનો હિસ્સો થવાનો નિર્ણય પણ ખોટો છે તેવુ પણ કહેવા માગતો નથી કારણ આપણે વ્યવસ્થાની સાથે હોઈએ અથવા વ્યવસ્થાની સામે હોઈએ ત્યારે આપણુ મન તો લોકોના જીવનમાં કેવી રીતે સારૂ થાય તેવુ જ ઈચ્છતુ હોય છે, જેઓ વ્યવસ્થામાં છે તે આપણને દુશ્મન માની લે તે તેમની સમસ્યા છે, વ્યવસ્થાનું સુકાન પણ બદલાતુ રહે છે એટલે તુ ભાજપમાં કેમ તેવો પ્રશ્ન એટલા માટે કોઈએ પુછવો જોઈએ નહીં કારણ તો પછી તુ કોંગ્રેસમાં ગયો ત્યારે પણ આ પ્રશ્ન પુછાવો જોઈતો હતો.
જયાં સુધી તુ પાટીદાર આંદોલનનો નેતા હતો અને ત્યાર પછી તુ કોંગ્રેસી થયો ત્યારે તે તારા મનની ભડાશ ખુબ કાઢી તેનો પણ વાંધો નથી, પણ તે નરેન્દ્ર મોદીથી લઈ અમીત શાહ સહિત આનંદીબહેન પટેલ માટે પણ નહીં બોલવાના શબ્દનો પ્રયોગ કર્યો હતો, તુ વીસ વર્ષ પહેલા જો રાજકારણમાં આવ્યો હોત તો વાંધો ન્હોતો પણ તારો જન્મ અને તારી ઉન્નતી સોશીયલ મિડીયા યુગમાં થઈ છે, હવે સારી નરસી બધી જ બાબતો હેન્ડી છે, એટલે તે ભાજપ અને ભાજપના નેતાઓ માટે જે કઈ કહ્યુ હતું તે બધુ કર્મના સિધ્ધાંતની જેમ પાછુ ફરી લોકો તારી સામે મુકી રહ્યા છે. તુ તો સોશીયલ મિડીયાનો જ માણસ છે, એટલે રોજે રોજ તુ મોનીટર તો કરતો હોઈશ, મને કોઈ ફેર પડતો નથી તેવો તારો દેખાવ છે પણ તે તારો સાચો ચહેરો નથી તને પ્રેમ કરનારો તારી ટીકા કરે તેનો તને રંજ છે, લોકો તને સ્વાર્થી માની રહ્યા છે, પણ તુ ભાજપમાં જવાનું સાચુ કારણ આપવાને બદલે કોંગ્રેસને ભાંડે છે અને રાષ્ટ્ર પ્રેમની વાત કરે છે તે વાત હજમ નથી કરી શકતા તારા લોકો,
સ્વાર્થી હોવું અને ડર લાગવો તે સ્વભાવીક ઘટના છે, પણ આપણને નાનપણથી લડવાનું અને ડરવાનું નહી તેવુ જ શિક્ષણ આપવામાં આવે છે, પણ અયોગ્ય શિક્ષણ છે દરેક માણસને કોઈને કોઈ બાબતનો ડર લાગતો હોય છે, તારી ઉમંર નાની છે, તારે રાજકારણમાં આગળ વધવાની ઈચ્છા છે તેમાં ખોટુ કઈ નથી, પણ તારા મનમાં જે ડર છે અને ડર વાસ્તવીક પણ છે કે જો તુ કોંગ્રેસ છોડે નહીં અને ભાજપમાં જાય નહીં તો ભાજપની નેતાગીરી તને કોઈને કોઈ કેસમાં અવશ્ય સજા કરાવી જેલમાં મોકલી દેશે. તો મને લાગે છે આ વાતનો એકરાર તુ જાહેરમાં ના કરી શકે તો વાંધો નહીં પણ તારા નજીકના લોકોને તારા ડર અંતે તારે કહેવુ જોઈએ, આજે એવી સ્થિતિ નિર્માણ થઈ છે બધા તને દગાખોર માની રહ્યા છે, પણ તારી અંદર ચાલી રહેલી ગડમથલનો કોઈને અંદાજ નથી, તુ જયારે કોંગ્રેસમાં હતો અને જેઓ તારી પીઠ થાબડતા હતા, હવે તેમનું નારાજ થવુ સ્વભાવીક છે, પણ પ્રશ્ન તેમની નારાજગીનો નથી, અહિયા સવાલ જયારે તને પોતાની જાત પુછશે તેનો છે.
તે 2015થી હમણાં સુધી ભાજપ અને ભાજપના નેતાઓ માટે એટલી કડવાશની વાવણી કરી છે કે હવે તને નરેન્દ્ર મોદી-અમીત શાહ અને ભાજપ માટે સારૂ બોલતા બહુ તકલીફ પડવાની છે તેની મને ખબર છે કારણ હવે તારુ મન અને તારી જીભ વચ્ચે સંકલન રહેશે નહીં, તને એવુ લાગતુ હશે કે ભાજપમાં જવાથી તારી સમસ્યાનો અંત આવશે અને તારી રાજકિય કારર્કિદીને સોનાના નળીયા લાગી જશે તેવુ પણ નથી કારણ તારુ અલગ રીતે ભવ્ય સ્વાગત કરવા એક મોટો વર્ગ ઉભો છે યાદ રાખજે તારી ઉપર કોઈને પ્રેમ નથી હમણાં તુ તેમની રાજકિય જરૂરીયાત છે, જુતા ગમે એટલા મોંઘા હોય પણ કોઈ માથા ઉપર જુતા મુકતા નથી તે વાસ્વીકતા તારે જલદી સમજી લેવાની જરૂર છે. તારી વિરૂધ્ધ હવે બહારથી અને ભાજપની અંદરથી મોટો પ્રચાર થશે પણ તે તારે એકલા હાથે ખાળવો પડશે કારણ દરેક માણસ પોતાના નિર્ણય માટે પોતે જ જવાબદાર હોય છે તારૂ ભાજપમાં જવુ ત્યારે જ સાર્થક ગણાશે જયારે તુ ભાજપમાં હોય અને કોઈ ભલુ થવામાં નિમિત્ત બને,
બસ અહિયા વિરમુ છે.
પ્રશાંત દયાળ
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











