નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતીઓમાં વિદેશ જવાની અને તેમાં પણ સૌથી વધારે અમેરિકા જવાની ઘેલછા હવે સૌ જાણે છે. જેના કારણે હવે ગુજરાતીઓ ગેરકાયદેસર રસ્તાઓ પણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં આવી રીતે ગેરકાયદેસર અમેરિકા જતાં જ એક ગુજરાતી દંપતીને ઇરાનમાં બંધક બનાવીને ખંડણી માગવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે. ગેરકાયદેસર રીતે ખોટા દંપતી બનીને જતાં એક યુવક અને યુવતીની દિલ્હી ખાતે અટકાયત કરવામાં આવી છે. આ બંને યુવક અને યુવતી ગુજરાતનાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પ્રાથમિક જાણકારી મુજબ, મહેસાણાનો હાર્દિક પ્રજાપતિ નામનો યુવક અને અમદાવાદનાં ગોતા વિસ્તારમાં રહેતી હિરલ પટેલ નામની યુવતી પોતાના પાસપોર્ટમાં ચેડાં કરીને નકલી દંપતી બનીને ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યા હતા. આ બંને યુવક-યુવતી ચેન્નઈથી દિલ્હી થઈને કેનેડાના ટોરેન્ટો જવાના હતા અને ત્યાંથી પછી ગેરકાયદેસર રીતે સરહદ ક્રોસ કરીને અમેરિકા જવાના હતા. આ બંને વ્યક્તિઓએ ચેન્નઈથી ટોરેન્ટો સુધીની ફ્લાઇટ માટે ચેક ઇન પણ કરી લીધું હતું.
ચેન્નઈથી તેમની ફ્લાઇટ ટેક ઓફ થયા બાદ દિલ્હી લેન્ડ થઈ હતી, જ્યાં એરપોર્ટના અધિકારીઓને શંકા જતાં તેમણે સ્થાનિક પોલીસને આ યુવક અને યુવતી અંગે જાણ કરી હતી. પોલીસે પૂછપરછ કરતાં આ હિરલ અને હાર્દિકે સ્વીકાર્યું હતું કે, તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા. તેમણે જણાવ્યું હતું કે, પંજાબનું એક દંપતી જે હાલ કેનેડા રહે છે તે અમારા એજન્ટ હતા અને તેમના જ કોન્ટેક્ટથી અમે કેનેડા અને ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા. તેમની સાથે એક અમેરિકનો એજન્ટ પણ સંકળાયેલો છે.
હાલ આ યુવક અને યુવતીની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે હાલ તેમણે આ કામ માટે કેટલા રૂપિયા આપ્યા હતા અને કોને આપ્યા હતા તે અંગે કોઈ ખુલાસા કરવામાં આવ્યા નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








