ગુજરાતના પાટીદરાની દીકરીએ વિદેશમાં પોતાની કાર્યદક્ષતાનો પરિચય બતાવ્યો છે. મૂળ ગુજરાતના બોચાસણના વતની એવા અંજના પટેલનો પરિવાર છેલ્લા 50 વર્ષથી ઇંગ્લેન્ડમાં સ્થાયી થયો છે. આ પહેલા તેઓ આફ્રિકાના તાન્ઝાનિયામાં રહેતા હતા. અંજના પટેલનો જન્મ પણ તાન્ઝાનિયાના દારે સલામમાં થયો હતો. તેના પિતા આફ્રિકામાં શિક્ષક હતા. વહેલા નિવૃત્તિ બાદ પિતા ફરી એકવાર 1970માં ગુજરાત આવ્યા અને ખેતી કરવા લાગ્યા. 1975માં ફરી તેના પિતા યુકે ગયા અને એક જ અઠવાડિયામાં હાર્ટ એટેકે આવ્યો અને તેમનું નિધન થયું. ત્યારે અંજનાના પરિવારની સ્થિતિ એવી હતી કે તેમની પાસે માત્ર 15 પાઉન્ડ એટલે કે 282 રુપિયા જ હતા.
અંજનાએ પરિવારને આર્થિક રીતે મદદરુપ થવા એક ગુજરાતીની દુકાનમાં કામ શરુ કર્યું. જ્યાં કચરા પોતા કરતી અને નોનવેજ રોલ સેન્ડવિચ પણ બનાવતી. અંજના અને તેની બહેન કામ કરતી અને નાનો ભાઇ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. સાથે જ અંજનાએ બેંકિંગને લગતો કોર્સ કરી બેંકમાં નોકરી મેળવી અને ત્યાર બાદ તો પ્રગતિ કરીને બેંક મેનેજર બની. ત્યાર બાદ વર્ષ 2002માં હેરો શહેરમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી અને જીતી. આ બેઠક પ્રતિસ્પર્ધી લેબર પાર્ટી જીતતી હતી પરંતુ આ વખતે અંજના પટેલ કન્ઝર્વેટિવ પાર્ટીની ટિકિટ પરથી જીત મેળવી હતી. ત્યાર બાદ અંજાના હેરો શહેરની પ્રથમ મહિલા ચીફ વ્હિપ બની.
અંજના પોતાની કાર્યદક્ષતા દેખાતા ફરી એકવાર વર્ષ 2006માં જીત મેળવી. પરંતુ 2010 અને 2014માં ચૂંટણી હારી ગઇ. 2018ના ઇલેક્શનમાં બીજી સીટ બેલમોન્ટ પરથી ટિકિટ આપવામાં આવી અને ત્યાં વિજય થયો. 2022માં ફરી આ જ સીટ પરથી જીતી ને કન્ઝર્વેટિવ પાર્ટી સત્તા પર આવતા એન્વાયરમેન્ટ અને કમ્યુનિટી સેફ્ટીનો પોર્ટફોલિયો મળ્યો. અંજના વર્ષ 2024માં ડેપ્યુટી મેયર અને તાજેતરમાં જ 2025માં મેયર તરીકે નિમણૂક પામ્યા છે. તેઓ દર વર્ષે ગુજરાતમાં પોતાના વતનની પણ મુલાકાત લે છે.











