મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ. ગાંધીનગર) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષ જનમત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. લોકોને શું ગમશે, કયો ચહેરો રજૂ કરવાથી લોકો આપણને વોટ આપશે? એવા અનેક પ્રશ્નો પર ભાજપ સહિત તમામ પક્ષ કામ કરી રહ્યા છે. ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટિલ જેઓ રાજકીય સમીકરણોના માહિર ગણાય છે. તેઓએ આજે ભાજપાનાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એવા કેટલાક લોકપ્રીય ચહેરાઓને ભાજપનો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યાં.

જેમાં ગુજરાતી સિનેમા અને ટેલીવિઝન જગતના લોકપ્રીય કલાકારો મમતા સોની (અભિનેત્રી), જ્યોતિ શર્મા (અભિનેત્રી), કામિની પટેલ (અભિનેત્રી), ભક્તિ કુબાવત (અભિનેત્રી), ફાલ્ગુની રાવલ (અભિનેત્રી), જાગૃતિ શાહ (કચ્છ જિલ્લાપંચાયતના પૂર્વપ્રમુખ), પ્રશાંત બારોટ (અભિનેતા), સની કુમાર (દિગ્દર્શક) નો સમાવેશ થાય છે.

ફિલ્મી કલાકારો, સાહિત્યકારો, નાટ્યકારો રાજકારણમાં જોડાય એ કોઈ નવી વાત નથી. પરંતુ તેઓની એક કલાકાર તરીકેની આવડત અને કારકિર્દી તો તેમની વ્યક્તિગત બાબત છે. પણ અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકારણમાં આવ્યા પછી તેઓની રાજકીય ક્ષેત્રે કારકિર્દી કેવી રહેશે? અને તેઓની રાજકારણમાં એન્ટ્રી જે તે રાજકીય પક્ષ માટે કેવી સાબિત થશે એનો જવાબ તો સમય જ આપશે.

જોકે ગુજરાતના રાજકારણની હાલની પરિસ્થિતિ જોતાં તરત જ સમજાઈ જાય કે, ભાજપા તેમ જ અન્ય પક્ષો પણ વિવિધ જ્ઞાતિ, સમાજ અને સમુદાયના સમીકરણોને ધ્યાને લઈને પોતપોતાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. એ જ રણનીતિના ભાગરૂપે અન્ય રાજકીય પક્ષના નેતાઓ અને આગેવાનો ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. અને આજે ગુજરાતી કલાકારોએ પણ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હાથે કેસરીયો પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેમાંથી કેટલાકના પરિવારના ભૂતકાળના કોંગ્રેસ કનેક્શન પણ છે.




![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












