નવજીવન ન્યૂઝ. છોટા ઉદેપુર: ગુજરાતને વિકાસ મોડલ તરીકે રાજકીય નેતાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે, અલગ અલગ પ્રકારના સૂત્રો આપીને રાજકીય નેતાઓ ગુજરાતનાં વિકાસની વાતો કરતાં જોવા મળે છે. પરંતુ શું ખરેખર ગુજરાતનાં અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ પહોંચ્યો છે ? આ વાતનો જવાબ આજની એક ઘટનાથી મળે છે. આ ઘટના એવી છે કે, છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવીના એક ગામમાં રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ ગામમાં ન આવી શકતા મહિલાને પ્રસૂતિ માટે ખાટલા પર બે કિલોમીટર સુધી લઈ જવા પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટા આમદર ગામમાં એક સર્ગભા મહિલા ખાટલા પર લઈ જતાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો ગતિશીલ ગુજરાતની વાતો કરતા નેતાઓને શરમમાં મૂકે તેવો છે. જેતપુર પાવીના મોટા અમાદર ગામે એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. જેના કારણે પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને સંપર્ક કરીને બોલાવી હતી, પરંતુ એમ્બ્યુલન્સ ગામમાં આવી શકે તે માટે ગામમાં રોડ જ ન હતા. જેથી મહિલાને મુખ્ય રોડ સુધી પરિવારજનો અને ગ્રામજનો એક ખાટલા પર લઈને આવ્યા હતા. હાલ આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો ગુજરાતનાં વિકાસની સાક્ષી પુરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના કેટલાક કિસ્સાઓમાં મહિલાને સમયસર સારવાર ન મળતા જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હજી પણ આદિવાસી વિસ્તારોમાં વિકાસ બાબતે સરકાર પક્ષપાત કરતી હોય તેવું ત્યાંની જનતા અનુભવી રહી છે. શિક્ષણ બાબતે તો દૂર પણ ગામમાં સારવાર માટે હોસ્પિટલ પણ નથી. જેને લઈ ત્યાંના લોકોને પંચમહાલ સુધી સારવાર માટે જવું પડતું હોય છે. જેને લઈ સરકાર તેમની સમસ્યા પર ધ્યાન આપે અને હોસ્પિટલ તેમજ પાક્કા રસ્તાની સુવિધા આપે તેવી ગ્રામજનોની માગણી છે.








