નવજીવન ન્યૂઝ. વલસાડ: ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે, તેમ છતાં ગુજરાતમાં દારૂ તો ઠીક પણ અન્ય નશાયુક્ત પદાર્થો મોટા પ્રમાણમાં મળી આવે છે. ગુજરાતમાં આસપાસના રાજ્યોમાંથી ગુજરાતમાં આવા પદાર્થો લાવવામાં આવે છે. તાજેતરમાં વલસાડ પોલીસ દ્વારા મોટી સંખ્યામાં અફીણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો મધ્યપ્રદેશનો સરહદમાંથી આવીને સેલવાસ લઈ જવામાં આવી રહ્યો હતો.
વલસાડ SOGને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશની સરહદમાંથી એક ટ્રક આવી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં અફીણનો જથ્થો છે. આ બાતમીના આધારે વલસ SOG દ્વારા વોચ ગોઠવાવમાં આવી હતી અને તે દરમિયાન બાતમી મુજબનો ટ્રક નીકળતા પોલીસે તેને ઊભો રાખીને તપાસ કરતાં ટ્રકમાંથી 1500 કિલો અફીણના પોષ ડોડા મળી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે અફીણનો જથ્થો કબ્જે કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે વલસાડ પોલીસ દ્વારા અગાઈ પણ બે આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ગાંજાનો જથ્થો ઝડપી પડ્યો હતો અને ત્યાર બાદ હવે મોટા પ્રમાણમાં અફીણનો જથ્થો પકડવામાં આવ્યો છે. આમ પોલીસની સતર્કતાના કારણે મોટી સંખ્યામાં વલસાડમાં નશીલા પદાર્થોને આવતા રોકવામાં સફળતા મળી છે. ગુજરાતમાં નજીકના રાજ્યોમાંથી આવતા નશીલા પદાર્થો ગુજરાતનાં માર્ગે સેલવાસ લઈ જવામાં આવે છે, જેની સામે હવે વલસાડ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.








