નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં હત્યા તો જાણે સામાન્ય જ થઈ ગઈ હોય તેમ રોજ કોઈને કોઈ વિસ્તારમાં એક કે તેથી વધુ હત્યાના બનાવ બનતા હોય છે, પરંતુ આજે વડોદરામાં જે ઘટના બની તે આશ્ચર્યચકિત કરીદે તેવી છે. એક પ્રેમીએ પોતાની પ્રેમિકાના ઘરમાં ધોળા દિવસે જઈને પ્રેમિકાના સાસુની હત્યા કરી દીધી હતી. આરોપી હત્યા કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ વડોદરા પોલીસ દ્વારા આરોપીની ગણતરીના કલાકમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, વડોદરાના વડસર બ્રીજ નજીક આવેલા અંબે એન્કલેવમાં રહેતા દક્ષાબેનના પુત્રના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. જોકે તેમની પુત્રવધુ અને નવાયાર્ડ ખાતે રહેતા શાહરૂખ વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો. જેથી શાહરૂખ તેના લગ્ન બાદ પણ દક્ષાબેનની પુત્રવધુને હેરાન કરતો હોવાની ફરીયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

ત્યારે આજે શાહરૂખ ફરી એક વખત દક્ષાબેનના ઘરે આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે કોઈ પ્રકારના તિક્ષણ હથિયાર વડે પ્રેમીકાની સાસુ દક્ષાબેન ઉપર હુમલો કરી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી શાહરૂખ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે બનાવની જાણ માંજલપુર પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેના અનુસંધાને પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.








