નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરની સમસ્યાનો સામનો સામાન્ય નાગરિકોને કરવો પડી રહ્યો છે, ત્યારે ગઈકાલે ગુજરાત હાઈ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રખડતાં ઢોરની સમસ્યાનું નિરાકરણ કરવા માટે નિર્ણય લીધો હતો અને સ્થાનિક સંસ્થાઓને આ સમસ્યા દૂર કરવા માટે સૂચનો કર્યા હતા, જેના કારણે વડોદરા પાલિકાના કર્મચારીઓ રખડતાં ઢોર પકડવા ગયા હતા તે સમયે કેટલીક મહિલાઓએ લાકડી અને દાતરડું લઈને કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો.
ગુજરાત હાઈ કોર્ટ તરફથી આદેશ કરવામાં આવ્યો હતો કે હવે રસ્તા ઉપર રખડતાં ઢોરના કારણે કોઈનો જીવ ન જવો જોઈએ. જેને અનુસંધાનમાં વડોદરા પાલિકા દ્વારા રખડતાં ઢોરને પકડવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી, પરંતુ આ ટીમ પર કેટલીક મહિલાઓએ લાકડી અને દાતરડા જેવા હથિયાર લઈને હુમલો કર્યો હતો અને પોતાના ઢોર છોડાવીને લઈ ગઈ હતી. પાલિકાના કર્મચારી બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કર્મચારીઓએ કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, વડોદરા કોર્પોરેશનની ઢોર પકડવાનું કામ કરતી ટીમ ગઇકાલે બપોરે આજવા રોડ પુનમનગર નજીક પહોંચી હતી. જ્યાં કૃષ્ણનગર પાસે એક ગાય રોડ પર હતી. ત્યારે આ ગાયને પકડવાની કામગીરી કરવામાં આવતા હાથમાં દાતરડું લઇને આવેલી એક મહિલા તેમજ લાકડી લઇને આવેલી મહિલા સહિત ત્રણથી ચાર મહિલાઓ પાલિકાની ટીમ સાથે ઘર્ષણ પર ઉતરી આવી હતી.
આ મહિલાઓએ કર્મચારીઓને અપશબ્દો બોલીને તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ ઉપરાંત બધી મહિલાઓએ ભેગી થઈને દાદાગીરી કરીને કર્મચારીઓ પાસેથી પોતાની ગાય છોડાવી લીધી હતી. આ સમગ્ર ઘટનાને લઈને ત્રણથી ચાર મહિલાઓ સામે કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી છે.








