નવજીવન ન્યૂઝ. ઉના: ઉનામાં એક માસ પૂર્વે વિધવા સહાયની ઉચાપત કરનારા મામલતદાર કચેરીના વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બે કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં વિધવા સહાયની રકમ જમા કરનારા વ્યક્તિઓએ ૭ હજારથી વધુ મહિલાઓ સહાયનો લાભ લેતા હોય ત્યારે બંને વ્યક્તિઓ દ્વારા0 ૨.૩૩ લાખ જેટલી રકમ પોતાના જાણીતા ૯ જેટલા મહિલાઓના ખાતામાં જમા કરી દેવામાં આવી હતી. જેની તપાસ હજુ એક માસથી વધુ સમય વિતવા છતાં ઉના મામલતદાર દ્વારા ચાલી રહી છે, જેમાં વધુ ૪ મહિલાઓના ખાતામાં રકમ જમા કરી દેવામાં આવતા કુલ મળી ૧૩ જેટલા મહિલાઓના ખાતામાં વિધવા સહાયની રકમ જમા કરી દેવામાં આવી હતી.
ઉના તાલુકામાં ૭૮૦૦ જેટલા વિધવા સહાયના લાભાર્થીઓ છે અને ૧ માસથી વધુ સમય વિતવા છતાં ૧૮૦૦ જેટલા લાભાર્થીઓની બેંક ખાતા સહિતની તપાસ બાકી છે, જેમાં હજુ પણ ઘણું બધું કૌભાંડ બહાર આવે તેમ છે, ત્યારે ઉના ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિતનાઓ સૂત્રોચાર સાથે ઉના મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે જઈ વહેલી તકે તપાસ કરી સહાયથી વંચિત વિધવા લાભાર્થીઓના ખાતામાં રકમ જમા કરાવવાનું જણાવ્યુ હતું. ત્યાર બાદ ઉના મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉચ્ચ કક્ષાએથી વિધવા સહાય ચૂકવવા માટે ગ્રાન્ટની માગણી કરવામાં આવી છે અને હજુ ૧૮૦૦ જેટલા લાભાર્થીઓની તપાસ બાકી છે, જેનો ૭ દિવસ જેટલો સમય લાગે તેમ છે. ત્યારે પુંજા વંશ દ્વારા જણાવાયું હતુ કે થયેલા કૌભાંડની ૭ દિવસમાં તપાસ કરવામાં નહીં આવે તો કચેરીના કમ્પાઉન્ડમાં બેસવાની ચિમકી અપાઈ હતી.
જ્યારે ઉના મામલતદારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, વિધવા સહાયની ઉચાપતનું ધ્યાને આવતા તપાસ કરવામાં આવી હતી, જેમાં ૯ મહિલાઓના ખાતામાં રકમ જમા થઈ હતી અને વધુ તપાસ કરતા ૪ જેટલા મહિલાઓના ખાતામાં જમા થતા કુલ મળી ૧૩ જેટલા મહિલાઓના નામો ધ્યાને આવ્યા છે અને હજુ તમામ બાકી રહેતા લાભાર્થીની વ્યક્તિગત ખરાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કુલ ૭૮૦૦ જેટલા લાભાર્થીઓ છે અને ૬ હજાર જેટલા લાભાર્થીઓની ખરાઈ થઈ ચૂકી છે અને હજુ પણ તપાસ બાદ નવા કિસ્સાઓ પ્રકાશિત થશે તો રિકવરી સહિતની કામગીરી કરી કાયદેસરના પગલાં ભરવામાં આવશે.








