નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં કઈ રીતે દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે અને પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતો કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. દિવાળી જેવા તહેવારો નજીક આવતા તહેવારની ઉજવણી માટે બુટલેગર દ્વારા મોટી સંખ્યામાં શહેરમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. જોકે પોલીસ સાથે જુગલબંધી અને પૈસાના પાવરે બુટલેગર શહેરમાં દારૂ ઘુસાડવામાં સફળ થતાં હોય છે. આજે અમદાવાદમાં દારૂ ભરેલી રીક્ષા પોલીસે પકડી પાડતા કેસ કરવાના બદલે વહીવટ કરવા જતાં ACBના હાથે પોલીસ કોન્સટેબલ રંગેહાથ ઝડપાઈ ચુક્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદીએ અસારવા શાહીબાગ ખાતેથી તેમના કાકાને પાર્સલ લેવા માટે મોકલ્યા હતા. જે પાર્સલમાં દારૂની બે પેટી હોવાનું ફરિયાદીએ તેમના કાકાને જણાવીને રીક્ષામાં લેવા માટે મોકલ્યા હતા. આ દરમિયાન શાહિબાગ ખાતેથી રિક્ષામાં પાર્સલ લઈને તેઓના કાકા જઈ રહ્યા હતા શાસ્ત્રીનગર ખાતે પોલીસ કર્મીઓએ રિક્ષાને રોકીને રીક્ષાને શાસ્ત્રીનગરના ફૂટબોલ ગ્રાઉન્ડમાં મૂકી દીધી હતી.
રીક્ષામાં રહેલી બે પેટી દારૂનો કેસ નહીં કરવા માટે નારણપુરા પોલીસ સ્ટેશનના કોન્સટેબલ પ્રકાશ અમૃતભાઈ રબારીએ 5 લાખની માગણી કરી હતી. રકઝકના અંતે આખરે 2.25 લાખમાં ડિલ નક્કી કરવામાં આવી હતી. આ પૈકીના 1 લાખ ગઈકાલે અને 1.25 લાખ બે દિવસ પછી આપવાનું જણાવ્યું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાના કારણે ACBનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સપેક્ટર કે.પી.તરેટીયા દ્વારા અંકુર રોડ પાસે આવેલા શિવ કોમ્યુનિકેશન દુકાનની સામે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન પોલીસ કોન્સટેબલે લાંચની 1 લાખ રકમ સ્વીકારીને આ પૈસા ગુજરાત હાઉસિંગ બોર્ડ કોમ્પલેક્ષમાં રહેલી એપેક્ષ પાન પાર્લરના માલિક ભરત ચંપકલાલ પટેલને આપ્યા હતા. જેમણે આ પૈસા દુકાનના ડ્રોવરમાં મુકી દીધા હતા. ACBએ બંને સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








