Gujarat Tourism Year celebrated on World Tourism Day : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ની અધ્યક્ષતામાં ‘વિશ્વ પ્રવાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત (Jayram Gamit) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીના હસ્તે ‘ગુજરાત પ્રવાસન વર્ષ’નો અધિકૃત લોગો જાહેર (Official logo for Gujarat Tourism Year unveiled) કર્યો હતો. આ ઉપરાંત ‘ગુજરાત ફિલ્મ શૂટિંગ પરમિશન પોર્ટલ’નું સંઘવીએ અનાવરણ કર્યું હતું. ગાંધીનગર ખાતે ‘હાયરોક્સ’ તથા અમદાવાદ ખાતે ‘આયર્નમેન/હાફ-આયર્નમેન’ જેવી વૈશ્વિક ફિટનેસ સ્પર્ધા યોજવાની હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે.
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ અને યાદગાર અનુભવ પૂરો પાડવા માટે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ ભાગીદારોએ સામૂહિક ભાગીદારીથી કાર્ય કરવું પડશે. હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ટૂર ઓપરેટર્સ તેમજ ટેક્સી-રિક્ષા ચાલકો સહિતના તમામ સ્ટેકહોલ્ડર્સ જો ‘સ્વચ્છતા’, ‘સ્વાસ્થ્ય’ અને ‘સોફ્ટ સ્પોકન સ્કિલ’ એમ ત્રણ બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે, તો ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર બુલેટ ટ્રેન કરતાં પણ વધુ ઝડપે પ્રગતિ કરશે અને સરકાર આ માટે પૂરતો સહયોગ પૂરો પાડશે.
આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ વૈશ્વિક રમતગમત અને પ્રવાસનને જોડતી મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી સ્પોર્ટ્સ ઇવેન્ટ ‘હાયરોક્સ’નું આયોજન આગામી તા. 26 થી 28 નવેમ્બર દરમિયાન ગાંધીનગરમાં થશે. જેમાં એક હજારથી વધુ વિદેશી એથલીટ્સ સહિત કુલ 10 હજાર જેટલા પ્રવાસીઓ ભાગ લે તેવી શક્યતાઓ છે. આ ઇવેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે સાંજે વિશેષ ‘ભજન ક્લબિંગ’નું આયોજન પ્રવાસન નિગમ દ્વારા કરાશે. તે જ રીતે આગામી તા. 14 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આયર્નમેન/હાફ-આયર્નમેન ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. જે ગુજરાતના સ્પોર્ટ્સ ટૂરિઝમને વૈશ્વિક નકશા પર નવું સ્થાન અપાવશે.








