નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં નાની નાની વાતમાં હત્યા થઈ જતી હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે રાજકોટમાં માત્ર 4 હજાર રૂપિયાની ઉઘરાણી માટે બે વ્યક્તિઓએ એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારથી ઘા કરીને હત્યા કરી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ રાજકોટમાં અક્ષર માર્ગ ઉપર ગત 13 જુલાઇ બુધવારના રોજ બે વ્યક્તિઓએ મૌલિક કાકડીયા નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કર્યો હતો. ત્યાર બાદ મૌલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. માત્ર 4 હજાર રૂપિયાની ઉઘરાણી માટે આ યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા જ માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે બંને આરોપીને પકડીને કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ હવે આ ઘટના હત્યામાં ફેરવાતા હવે પોલીસે બંને આરોપી પર હત્યાની કલમ ઉમેરી કાર્યવાહી આગળ શરૂ કરી છે. મલવીયનગર પોલીસ દ્વારા પહેલા આરોપી હાર્દિકસિંહ જાડેજા અને દિપ લાઠીયા વિરૂધ્ધ IPC કલમ 307, 326, 324, 323, 504, 118, 114 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી, પરંતુ હવે બનાવ હત્યામાં બદલાતા પોલીસે હત્યાની કલમ ઉમેરી કાર્યવાહી શરૂ કરી છે.








