Friday, May 1, 2026
HomeNationalજગતમાં ભૂખમરી વધી: ૮૨.૮ કરોડ લોકોને ખોરાકની અછતનો સામનો કરવાનો આવ્યો

જગતમાં ભૂખમરી વધી: ૮૨.૮ કરોડ લોકોને ખોરાકની અછતનો સામનો કરવાનો આવ્યો

- Advertisement -

વૈશ્વિક ઘઉ, ચોખા અને અન્ય અનાજોનું ઉત્પાદન ૧૬૦ લાખ ટન ઘટી ૨.૭૮ અબજ ટન થશે

૬૨ દેશોનું અનાજ આયાત બિલ ૨૦૨૨માં અત્યાર સુધીમાં ૨૪.૬ અબજ ડોલર વધી ગયું

- Advertisement -

આપણે વૈશ્વિક અનાજ સલામતીના પડકારોને નજરઅંદાજ કરી રહ્યા છીએ

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): જગતમાં ભૂખમરી વધી રહી છે ત્યારે ૨૦૨૦ની તુલનાએ ૨૦૨૧માં ૮૨.૮ કરોડ લોકોને ખોરાકની અછતનો સામનો કરવાનો આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (ફાઓ)ના ડિરેકટર જનરલ કયુયુ દોંગુંએ કહું કે આપણે વૈશ્વિક અનાજ સલામતીના પડકારોને નજરઅંદાજ કરી રહ્યા છીએ. તેમણે સુજાવ આપ્યો કે કૃષિ ઉત્પાદનની વર્તમાન પધ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવા આપણે ખોરાક ઉત્પાદન ક્ષેત્રે મૂડીરોકાણ વધારવાની જરૂર છે, નીતિવિષયક બદલાવ અને વધુ સારા સ્ત્રોતોનો ઉપયોગ જરૂરી બની ગયો છે.

પડકારજનક સ્થિતિને યુક્રેન યુધ્ધે વધુ વકરાવી દીધી, પરિણામે ફાઓના અનુમાન મુજબ ૨૦૨૨માં ૧૩૦ લાખ અને ૨૦૨૩માં ૧૭૦ લાખ નવા અને વધુ લોકોની ખોરાક સમસ્યાને ગંભીર બનાવી દેશે. અસંખ્ય કારણોસર ૨૦૨૦ના મધ્યથી જગાણામાં ખોરાકના ભાવો સતત વધ્યા છે, એક પડકાર ફુગાવો પણ છે. યુધ્ધે ઘઉના ભાવને સૌથી વધુ ગંભીર અસર પહોંચાડી છે. શુક્રવારે (આજે) અમેરિકન ઘઉ વાયદાના ભાવ ઘટીને ઇન્ટ્રાડેમાં ૭.૯૩ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) થયા હતા, જે ૧૩ ફેબ્રુઆરી પછીના સૌથી નીચા હતા. જો ૮ જુલાઇ ૨૦૨૦ની ૫.૩૪ ડોલરની બોટમને ધ્યાનમાં લઇએ તો વર્તમાન ભાવ હજુ ઘણા ઊંચા છે.

- Advertisement -

ફાઓની ગણતરી છે કે વિશ્વના સૌથી ખરાબ અનાજ સ્થિતનો સામનો કરતાં ૬૨ દેશોનું ૨૦૨૨માં અનાજ આયાત બિલ અત્યાર સુધીમાં ૨૪.૬ અબજ ડોલર વધી ગયું અને તેની અસર ૧.૭૯ અબજ લોકોને સહન કરવી પડી છે. મધ્ય ૨૦૨૧થી ખાતરના ભાવમાં જબ્બર વૃધ્ધિ ૩૦૦ ટકા સાથે જ ઊર્જાના ભાવમાં વધારો પણ એક નવા પડકારમાં સમાવેશ થાય છે. વાહનવ્યવહાર અને વેપારના માર્ગો બદલાઈ જવા સાથે ઉદ્ભવેલી અન્ય સમસ્યાઓને લીધે પણ ખાતરના જાગતિક ભાવમાં વૃધ્ધિ થઈ છે.

વર્તમાન અને આવનારી વાવણી મોસમમાં ચોખા જેવા અનાજની મોટાપાયે ઉત્પાદન કરતાં દેશો પૂરતું રાશાયણીક ખાતર મેળવવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે, આને લીધે પણ વૈશ્વિક અનાજ સપ્લાયમાં ખાંચરો પડવાની સંભાવના છે. મે ૨૦૨૨ના અંત સુધીમાં ૨૨ દેશોએ નિકાસ જકાત અને અન્ય ૩૯ જેટલા નિયંત્રણો લાદતા, કિલોગ્રામ કેલેરી આધારે લગભગ ૧૬ ટકા કૃષિ નિકાસોને વ્યાપક અસર થઈ હતી.

ફાઓના અનુમાન પ્રમાણે ૨૦૨૨માં વૈશ્વિક ઘઉ, ચોખા અને અન્ય અનાજોનું ઉત્પાદન ૨.૭૮ અબજ ટન થશે, જે ૨૦૨૧ની તુલનાએ ૧૬૦ લાખ ટન ઓછું હશે. છેલ્લા ચાર વર્ષમાં આ પહેલો ઉત્પાદન ઘટાડો હશે. ફાઓ વ્હીટ પ્રાઇસ ઇંડેક્સ મુજબ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં ઘઉના ભાવ, ગતવર્ષના સમાનગાળા કરતાં ૪૫ ટકા વધ્યા હતા. બ્રાઝિલમાં દુષ્કાળગ્રસ્ત સ્થિતિ તેમજ અમેરિકા, કેનેડા, અને કેટલાંક આફ્રિકન દેશોમાં લણણી ઓછી થવાને પગલે ઘઉની સપ્લાય, ૨૦૨૧ની તુલનાએ ઘટી છે. ભારતમાં માર્ચમાં સખત તડકાને લીધે ઘઉના ઉતારા (યીલ્ડ)માં ઘટાડો થયો હતો.

- Advertisement -

યુક્રેન યુદ્ધ અગાઉથી, ક્રૂડ ઓઇલના ભાવ સતત વધતાં ઉત્પાદન ખર્ચ અને વાહનવ્યવહાર મોંઘા થતાં દૂર ડિલિવરીના જહાજી કાર્યક્રમો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જ્યારથી યુદ્ધ મંડાયું છે ત્યારથી યુક્રેન સરેરાશ માસિક માત્ર ૧૫થી ૨૦ લાખ ટન ઘઉની નિકાસ કરી શકયું છે, જે અગાઉ માસિક ૬૦ લાખ ટન કરતું હતું. અમેરિકન પ્રધાન એન્થની બલિંકન દ્વારા એવી હવા ફેલાવવામાં આવી છે કે બ્લેક સી પોર્ટ ઓડેસાની બહાર ૨૦૦ લાખ ટન યુક્રેનિયન ઘઉ સિલોસ (ગોડાઉન) સ્ટોરમાં પડ્યા છે. યુક્રેનના અન્ય વ્યૂહાત્મક પોર્ટ પર પણ રવાનગી માટે વધુ ઘઉ રાહ જોઈને પડ્યા છે. યુક્રેન ગ્રેન એસોસિયેશનના નવા અંદાજ મુજબ ઘઉનો નવો પાક ૬૯૪ લાખ ટન અપેક્ષિત છે અને તેમાંથી ૩૧૫ લાખ ટન નિકાસ અનુમાનિત છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular