તુષાર બસિયા/દેવલ જાદવ(નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજ્યમાં ઓનલાઈન જુગારની બદી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટ પોલીસ પણ આ બદી વિરૂધ્ધ લડવા માટે કાર્યવાહી કરી રહી છે. પરંતુ ઓનલાઈન જુગારની બદી ડામવા માટે પુરતા પગલા લેવાતા જણાતા નથી. કારણ કે આ જુગારના રમનારા તો ક્યારેક-ક્યારેક ઝડપાય જાય છે, પરંતુ તેના આકાઓ સુધી પોલીસ પહોંચતી નથી કે પહોંચવા પ્રયાસ કરતી નથી.
ડિજિટલ ભારતમાં સટ્ટોડિયાઓ પણ ડિજિટલ થતા જાય છે. પરંતુ તેની સામે લડવા પોલીસ ડિજિટલ થઈ શકી નથી તેવું જણાય છે. ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે અને ભક્તિનગર પોલીસે 1-1 ઓનલાઈન જુગારના ગુના દાખલ કર્યા છે. જેમાં રમનારો આરોપી ઝપાયો છે પરંતુ તેની પાસે ઓનલાઈન આ.ડી. કેમ આવ્યું અને તેના નાણાકીય વ્યહારો કેમ થાય છે તેની ઊંડાણ પુર્વકની તપાસ થઈ નથી તેવું એફ.આઈ.આર. પરથી સમજી શકાય છે.
લગભગ દરેક ઓનલાઈન સટ્ટા, જુગાર રમતા આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારની કલમો લગાવી કેસ પુર્ણ થતો જોઈ શકાય છે. જ્યારે રાજ્યમાં ઓનલાઈન જુગારની બદી એટલી વ્યાપક ફેલાઈ છે કે તેને નાથવી ખુબ જરૂરી બની ગઈ છે. સાથે જ આ ઓનલાઈન જુગારના નાણાના સ્ત્રોત ઝડપવા કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ નાણઆ દેશ વિરોધી તત્વોના હાથમાં જાય તેની શક્યતા નકારી શકાય નહીં. વળી દરેક બુકીઓ વિદેશ કે અન્ય રાજ્યોથી સામ્રાજ્ય ઓપરેટ નથી કરતા હોતા કેટલાક ‘સ્થાનિક બુકીઓ’ પણ હોય છે. પરંતુ કોઈ કારણોસર તેમના સુધી ‘સ્થાનીક પોલીસ’ પહોંચતી નથી હોતી.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ થયેલા ગુનામાં આરોપીએ એપ્લીકેશન બ્લૂટુથ દ્વારા લીધી હતી તેવું FIRમાં જણાવવામાં આવ્યું છે. આ બ્લૂતુથથી એપ્લીકેશન આપનારી વ્યક્તિ કોણ છે અને તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં તે જાણવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.વી.ધોળા સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પીઆઇ ધોળા કોઈ કારણોસર વ્યસ્ત હોય આ મામલે વધુ ચર્ચા થઈ શકી નહતી.
ગઈકાલે તારીખ 6 ના રોજ ઓનલાઈન આઈ.ડી. પર જુગાર રમતા ઝડપાયેલા કેસ મામલે વાત કરતા રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કામલીયા જણાવે છે કે, આ કેસમાં આરોપીએ ઓનલાઈન સોશિયલ મીડિયા પરથી માહિતી મળતા આઈ.ડી. ખરીદ્યુ હતું. બાદમાં તેમાં ઓનલાઈન માધ્યમોથી બેલેન્સ કરાવ્યું હતું. તો આ ઓનલાઈન માધ્યમથી બેલેન્સ કેવી રીતે અને કોણે લીધું તેની તપાસ કરવી ખુબ જરૂરી છે. અન્યથા ઓનલાઈન મારફતે આ જુગાર રોજ વધતો રહેશે અને યુવાધન ધોવાતું રહેશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.