પ્રિય ભગવાન,
અમે તેને મંદિરમાં શોધતા હતા, પણ તું પણ કમાલની ચીજ છે, સરનામુ કયાંનું આપે છે રહે છે બીજે કયાંક, આમ તો અમે તને રૂબરૂ જોયો નથી તેવો અમારો દાવો છે, પણ જુઠ્ઠું બોલવાની હવે અમને આદત થઈ ગઈ છે. અમે તને અનેક વખત મળ્યા છીએ, છેલ્લાં બે વર્ષમાં તું સાક્ષાત અમારી સામે હાજરા હજુર હાજર હતો. તે રાત દિવસ જોયા વગર અમને મદદ કરી અને મારી પડખે ઊભો રહ્યો હતો. કોઈને તું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મળ્યો તો કોઈને એસવીપી હોસ્પિટલમાં મળ્યો, કોઈને તું ગુજરાતના ગામડામાં મળ્યો તો કોઈને દુર્ગમ પહાડી વિસ્તારમાં મળ્યો. અમને તે પહેલી વખત સમજાવ્યું કે તારા રહેવાના ઠેકાણા માટે અમારે મંદિર, દેરાસર, ચર્ચ અને મસ્જીદ બનાવવાની જરૂર નથી, તું તો દરીદ્ર નારાયણ છે, જયાં દરીદ્ર છે ત્યાં તારી હાજરી છે.
પણ આજે ભગવાન તારી હોસ્પિટલ્સ ભેંકાર બની ગઈ છે, ત્યાં તારા ભકતોના ટોળા તો છે, કોઈના માથામાંથી લોહી વહે છે, કોઈનો પગ તુટી ગયો છે, કોઈ માતા પોતાના બાળકને ઉંચકી અહિયા ત્યાં ભટકી રહી છે, કોઈ પોતાની વૃધ્ધ માંને લઈ આવ્યો છે. ભગવાન બધાની સ્થિતિ સરખી છે, ખરેખર આ તમામ એક જ હરોળમાં ઊભા છે કારણ તેમના ખીસ્સામાં પૈસા નથી. જો તેમના ખીસ્સામાં પૈસા હોત તો કદાચ કોઈ તીરુપતિ બાલાજી મંદિર જેવી સેવા આપતી હોસ્પિટલમાં ગયા હોત, તારે દ્વારા ભગવાન જે આવે છે તે માત્ર ખીસ્સાથી નહીં સ્વભાવથી પણ ગરીબ છે. તેને કોઈ નેતા ઓળખતો નથી તેને કોઈ રાજનેતા ઓળખતો નથી, દરેકે તારામાં એક આશા જોઈ છે કારણ તેમના દુઃખ-દર્દ દુર કરનારો તું જ છે. પણ ભગવાન તારી ગેરહાજરીમાં બધુ ખોરવાઈ ગયું છે.
ભગવાન તું નારાજ છે, તને નારાજ થવાનો અધિકાર નથી તેવું પણ કહેવું નથી, કારણ તારે મંદિર દેરાસર-ચર્ચ અને મસ્જીદ કરતા મહાન હોસ્પિટલ સુધી પહોંચવા માટે અનેક કષ્ટો સહન કર્યા છે તે જ નહીં તારા માતા પિતાએ પણ પેટે બાંધ્યા હતા. તેની અમને ખબર છે, ભગવાન અમારી કમનસીબી છે સરકાર જ તારી પ્રાર્થના સાંભળતી નથી. તું નારાજ કેમ થયો તેવું અમે તને પુછતાં નથી અમને જેમ માઠું લાગે તેમ તને પણ લાગી શકે છે કયારેક અમે પણ તારી ઉપર ગુસ્સે થઈ જઈએ છીએ, પણ અમને લાગે છે હજારો લોકોની વેદના જોતા જોતા કદાચ તું પણ નીષ્ઠુર થઈ જતો હોઈશ. ખેર તું તારા પ્રશ્ને નારાજ થાય તેનો વાંધો નથી કારણ તે જે રસ્તો અખત્યાર કર્યો છે તે જ ભાષાની સરકારને ખબર પડે છે. તારી નારાજ થવાની રીત ખોટી હોવાને કારણે તને ભગવાન માનતા લોકો દુખી છે જરાક તેમની સામે પણ જો.
કુષ્ણએ કહ્યું તું મને હાંક માર હું તને ઉત્તર આપીશ, અમારે મન તું જ અમારો કુષ્ણ છે. હોસ્પિટલમાં તને હાંક મારનાર કોઈક તારી મા છે કોઈ તારો દિકરો છે, કોઈ તારી બહેન છે કોઈ તારો પિતા છે. ભગવાન બસ કર કારણ આપણા બંન્નેનું અસતીત્વ એકબીજામાં સમાયેલુ છે. મોડું કરીશ નહીં કારણ જીવનની ભીખ માંગનારો દરીદ્ર નારાયણ તારી કતારમાં ઊભો છે તું તારી જાતને જ માફ કરી શકે નહીં એટલો પણ વિલંબ કરીશ નહીં.
તારો
પ્રશાંત દયાળ
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.