નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પક્ષો દ્વારા આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ થઈ ગયા છે. થોડા દિવસ અગાઉ PM મોદીએ એ નિવેદન આપ્યું હતું કે જનતાને કેટલાક લોકો ફ્રીમાં સગવડો આપવાના નામે રેવડી વેચી રહ્યા છે. PM મોદીના આ નિવેદનને લઈને ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગઈકાલે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલે એક નિવેદન આપ્યું હતું. આજે AAP ગુજરાતનાં નેતા ઈશુદાન ગઢવીએ તેની પ્રતિક્રિયા આપતા એક ટ્વિટ કર્યું છે.
ગઇકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના સુરતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે સી.આર.પાટિલે એક નિવેદન આપ્યું હતું કે, “અરવિંદ કેજરીવાલની કામ કરવાની પદ્ધતિ રેવડી વેચવાની છે. આમ રેવડી વેચીને અમે ગુજરાતની સ્થિતિ શ્રીલંકા જેવી થવા નહીં દઈએ.” સી.આર.પાટિલના આ નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા ઈશુદાન ગઢવીએ ટ્વિટ કરીને સી.આર.પાટિલ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
ઈશુદાન ગઢવીએ ટ્વિટ કર્યું હતું કે, “પહેલા તો તમે ગુજરાત વિરોધી માનસિકતા બંધ કરો! મહારાષ્ટ્રથી આવીને ભોળા ગુજરાતીઓ પર એક તો ભાજપના નામે અધવચ્ચેથી ઘોડા પર ચડીને રાજ કરો છો અને હવે તેમને મળતાં લાભો પણ તમારે આપવા નથી દેવા એનો શું મતલબ? તમને મળતી ફ્રી વીજળીનો લાભ છોડો પહેલા! અને ગુજરાતી વિરોધી કોઈ નિવેદન નહીં ચલાવી લેવાય !”
આમ આદમી પાર્ટીના મીડિયા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે ઈશુદાન ગઢવી આગળ જણાવે છે કે, “મારી સી.આર.પાટીલને અપીલ છે કે જો તમને મફત સુવિધાઓથી એટલી જ તકલીફ હોય તો પહેલા પોતે સરકાર તરફથી મળતી મફત સુવિધાઓનો લાભ લેવાનું બંધ કરો. તમને જે 4000 યુનિટ મફત વીજળી, સબસીડી, બંગલા, મોબાઈલ બિલની સુવિધા મફત મળે છે એ છોડી દો. આ બધી મફતની સુવિધાઓ તમે છોડવા નથી માગતા, પરંતુ તમે એવું ઈચ્છો છો કે ભાજપના જે પેજ પ્રમુખો છે, ગુજરાતની ઈમાનદારીથી ટેક્સ ભરતી જે આમ જનતા છે તેમને મફત સુવિધા રૂપે જે વળતર મળી શકે છે, એ તમારાથી જોવાતું નથી.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે, ભાજપના સી.આર.પાટીલ તમને ભ્રમિત કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે, પણ તમે કોઈની વાતોમાં આવશો નહિ, સત્ય શું છે તે જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરજો. સાથે જ મારી ભાજપના પેજ પ્રમુખોને વિનંતી છે કે તેઓ આમ આદમી પાર્ટી માટે મત અપાવશે તો જે આજ સુધી છેલ્લા 27 વર્ષથી ભાજપે જનતાને નથી આપ્યું એના કરતા ઘણું, તમારા હકનું, તમારા પોતાના ટેક્સના પૈસાનું જ આમ આદમી પાર્ટી ફક્ત 5 વર્ષમાં આપશે અને જો આમ આદમી પાર્ટી પોતાની ગેરેંટી પુરી પાડવામાં સફળ થાય તો જ તમે બીજી વાર આમ આદમી પાર્ટીને મત આપજો અને જે લોકો ભ્રમ ફેલાવવાનું કામ કરી રહ્યા છે તેનાથી ચેતીને રહેજો.”








