પ્રશાંત દયાળ (નવજીવન.કચ્છ): બે દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો જેમાં ગુજરાત પોલીસના ચાર જવાનો કારની મ્યુઝીક સિસ્ટમ ઉપર વાગી રહેલા ગીત ઉપર જુમી રહ્યા હતા, આ બહુ સ્વાભાવિક ઘટના છે, ખરેખર આ વીડિયો કયારનો છે તેનો આધાર મળતો નથી, એક પોલીસ જવાને આ સ્ટોરી ઉપર કરેલી કોમેન્ટમાં લખ્યું કે બે વર્ષ જુનો વીડિયો છે, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કચ્છ પોલીસ દ્વારા ચાર પૈકી ત્રણ જવાનોને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવામાં આવ્યા છે જ્યારે એક પોલીસ જવાન બનાસકાંઠાનો હોવાને કારણે તેની સામે કાર્યવાહી કરવા બનાસકાંઠા પોલીસ વડાને લખવામાં આવ્યું છે.
આ પોલીસ જવાનો ફરજ મોકુફી ઉપર ઉતારી દેવા માટે એવું કારણ આપવામાં આવ્યું છે કે પોલીસની છબી બગડે તેવો વ્યવહાર કરવામાં આવ્યો છે. આ પોલીસ જવાનો પોલીસ યુનિર્ફોમમાં હોવાને કારણે તેમની સામે શિસ્તભંગના પગલાં ભરવામાં આવ્યા છે પરંતુ ભારતીય સેનાના જવાનો અને અધિકારીઓ વિવિધ પ્રસંગે લશ્કરી ગણવેશમાં નાચ ગાન કરે છે પરંતુ જો પોલીસ જવાન યુનિર્ફોમમાં નાચે તો તેને ગેરશિસ્ત ગણવામાં આવે છે. મહારાષ્ટ્ર પોલીસ છેલ્લાં કેટલાય વર્ષોથી વર્ષમાં એક પ્રોગ્રામ રાખે છે, આ પ્રોગ્રામમાં અનેક સેલિબ્રિટી પણ હાજર રહે છે, ગીત સંગીતના આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી-ગૃહમંત્રીથી લઈ ડીજીપી પણ હાજર હોય છે આ કાર્યક્રમ અનેક પોલીસ જવાનો યુનિફોર્મમાં નાચે છે છતાં મહારાષ્ટ્ર સરકાર કે મહારાષ્ટ્ર પોલીસ તેને શિસ્તભંગ ગણતી નથી.
સવાલ એવો છે કે સોશિયલ મીડિયામાં પોલીસની ટીકા થાય એટલે સિનિયર પોલીસ અધિકારીઓ એલર્ટ છે તેવું બતાડવા તરત એકશનમાં આવી જાય છે અને નાના પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરે છે તે પણ વાજબી નથી, તેનો અર્થ એવો થયો કે સિનિયર પોલીસ અધિકારીઓ ઘટનાને નિયમોની જોગવાઈ અનુસાર જોવાને બદલે મીડિયાના પરિપ્રેક્ષ્યમાં ઘટનાને જુવે છે, પોલીસ પણ આખરે માણસ છે સતત તનાવપૂર્ણ નોકરીને કારણે થાક લાગવો સ્વાભાવિક છે પરંતુ પોલીસ કયારેક ખુશ જોવા મળે તો ખુશ થવું ગુનો છે તેવો અર્થ નીકળે છે. ગુજરાત પોલીસમાં તનાવમાં કામ કરતી પોલીસના મનોરંજન માટે મહારાષ્ટ્રની જેમ કોઈ જોગવાઈ નથી.
ગુજરાત પોલીસ પાસે પોતાનું પોલીસ બેન્ડ પણ છે, આ પોલીસ બેન્ડ સરકારી કાર્યક્રમ ઉપરાંત લગ્ન પ્રસંગે પણ જાય છે. આમ ગુજરાત પોલીસની પણ સંગીતની એક પરંપરા છે જો આપણે સંગીતના પરંપરાને સમજતા હોઈએ તો પોતાની ખાનગી કારમાં કોઈને તકલીફમાં મુક્યા વગર કોઈ પોલીસ જવાનો આનંદ કરે તો રાજ્યના માથે કયો પહાડ તૂટી પડ્યો તે સમજાતુ નથી, જેમણે ખાખી પહેરી છે તેમના મૃત્યુ સુધી તેમનું વ્યક્તિગત જીવન નથી તેવું જ માનવું રહ્યું. આ અગાઉ પણ આ રીતે અનેક પોલીસ જવાનોને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા, પણ શિસ્તબદ્ધ દળના નામે તેમને તેમનો મત રજુ કરવાનો અધિકારી નથી, આ ખાતાકીય તપાસમાં તેમને તપાસ કરનાર અમલદાર જે સજા કરે તે તેમના માટે શીરોમાન્ય હોય છે.
ગુજરાતઃ ચાર પોલીસને યુનિફોર્મમાં ગીત ઉપર ઝુમવુ મોંધુ પડયુ, Video વાયરલ થયો પછી શુ થયુ જાણો અને વિડીયો જુઓ
.@dgpgujarat @GujaratPolice @sanghaviharsh pic.twitter.com/ahQxstmCqt— Navajivan News (@NavajivanNews) January 19, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












