સલીમ બરફવાળા (નવજીવન.બોટાદ): ખાખી વર્દી પર સ્ટાર હોય, અશોક સ્તંભ હોય, આઈપીએસ પણ લખેલું હોય તે બધું જ શોભે છે પરંતુ જ્યારે તે ખાખી પર માનવતાનો રંગ ચઢે ત્યારે ખાખી અને માનવતા કેવી શોભે છે અને કેવા તેના માન હોય છે તે આ ઘટનામાં જોવા મળે છે. બોટાદમાં એવું બ્યું છે કે ત્યાં બપોરના સમયે બાળકીનો રડવાનો અવાજ ભાદર નદીના પટમાં ગુંજવા લાગ્યો જે બાળકી કોઈએ ત્યજી દીધી હતી. આ બાળકીના ઉછેરની જવાબદારે ખુદ બોટાદ એસપી હર્ષદ મહેતાએ લીધી છે અને તેને દત્તક લઈ નામ આપ્યું છે ખુશી. સમગ્ર વાત જાણીને આપને પણ થશે કે અરે આ જ તો માનવતા છે, આ જ તો આપણો ધર્મ છે, આ જ તો આપણો સમાજ છે. આવો જાણીએ સમગ્ર બાબત…
પોલીસ ખાતાના ઈતિહાસમાં ઘણા પોલીસકર્મી અને અધિકારીઓએ પોતાની માનવતાની મહેકથી ખાતાની જાહેરમાં સરાહના થાય તેવા ઘણા કામો પણ કર્યા જ છે. બોટાદ જિલ્લામાં એક આવી જ એક ઘટના સર્જાઈ જેમાં લોકોને ખાખી વર્દી પાછળનો માણસ પણ જોવા મળ્યો, રાણપુર નદીના પટમાંથી મળેલી બાળકીના પાલક પિતા જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા બન્યા છે. બે વર્ષ પહેલાં રાજકોટથી મળેલી અંબા, હજુ ગઇકાલે જ તે અંબાને દત્તક લેવા માટે ઈટાલીનો પરિવાર રાજકોટ આવ્યો હતો. અંબા હજુ ઇટાલી પહોંચી પણ નહીં હોય ત્યાં આજે બપોરના સમયે બોટાદના રાણપૂરથી ત્યજી દીધેલી ખુશી મળી આવી છે. બીજી તરફ મળેલી ખુશીના નિષ્ઠુર માં-બાપના અમાનવીય કૃત્ય સામે લોકોમાં ભારે આક્રોશ છવાયો છે. બોટાદના રાણપુર ભાદર નદીના પટમાં આજે બપોરના સમયે ત્યજી દીધેલ નવજાત બાળકી મળી આવતા હાહાકર મચી ગઈ, નિષ્ઠુર માતા-પિતા તેની નવજાતને આવી ઠંડીમાં મરવા માટે છોડી ગયા હતા, પરંતુ કુદરતની ગતિ ન્યારી છે, રડતી બાળકીનો અવાજ સાંભળતાની સાથે જ સ્થાનિકો ત્યાં દોડી ગયા. લોકોએ જોયું કે ફૂલ જેવી નવજાત બાળકીને કોઈએ અગમ્ય કારણોસર તરછોડી દીધી છે. જોકે આવું આપણા ત્યાં ઘણી વખત બનતું આવ્યું છે પરંતુ અહીંથી એક અલગ કહાની શરૂ થાય છે.

સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા રાણપુર પોલીસ અધિકારી અને ૧૦૮ તાબડતોબ પહોંચી જઈ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હાલ તરછોડાયેલી બાળકીની હાલત સ્વસ્થ છે. પોલીસે બાળકીને કોણ તરછોડી ગયું તે દિશામાં તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી હાથધરી હતી. સમગ્ર મામલે બોટાદ જિલ્લા પોલીસવડાને જાણ કરાતા હર્ષદ મહેતા ઘટના સ્થળે દોડી જઈને તબીબી ટિમ સાથે પરામર્શ કરી બાળકીના ઉછેરની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી હતી. બાળકીનું નામ પણ ખુશી રાખી દેવામાં આવ્યું છે, બાળકીના પાલક પિતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા બન્યા છે, એટલે કહી શકાય કે બાળકીનું નામ ખુશી અને તેના પાલક પિતા બોટાદ જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા છે જેથી ખાખીની છત્રછાયામાં હવે ખુશીનો ઉછેર થશે.
કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે… એમ આ બાળકીના ભાગ્યમાં કંઈ બીજુ જ લખાયેલું હશે કે આ બાળકીને નદીના પટમાંથી જંગલી જાનવર કે કુતરા ન લઈ ગયા અને સારવાર મળતા બાળકી બચી ગઈ છે આપણે ત્યાં હજુ પણ આવી ઘટનાઓ ઘણી ઘટે છે. જેમાં બાળકોના આટલા સારા નસીબ નથી હોતા, જે લોકોને ત્યાં સંતાન નથી હોતું તે લોકો રડી-રડીને, તબીબોને ત્યાં લાઈનોમાં લાગીને, મંદીરો-મસ્જીદો-ગુરુદ્વારાઓમાં માથા ટેકવીને પ્રભુને બાળક આપવા માટે આજીજી કરતા હોય છે ત્યારે ઘણા એવા પણ છે જેમને સંતાન મળ્યાની કદર પણ નથી. ભગવાને તેમના ખોળામાં જતન માટે આપેલાએ ફુલને તેઓ તરછોડી ન જાણે કયા દુઃખથી પીછો છોડાવતા હશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












