Monday, June 22, 2026
HomeGeneralબ્લાસ્ટ કરનાર સુધી પહોચનાર આ 10 અધિકારીઓની ખાસ વાત શુ હતી

બ્લાસ્ટ કરનાર સુધી પહોચનાર આ 10 અધિકારીઓની ખાસ વાત શુ હતી

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): તા 26 જુલાઈ 2008 દેશભરની વિવિધ ચેનલોને લાંબો લચક 14 પાનાનો એક મેઈલ મળ્યો હતો જેમાં મેઈલ કરનારે પોતાની ઓળખ ઈન્ડીયન મુઝાહીદ તરીકે આપી હતી તેમણે ચેતવણી આપી હતી કે તેઓ અમદાવાદમાં બ્લાસ્ટ કરી રહ્યા છે, જેમાં લખ્યુ હતું રોક સકો તો રોક લો અને દસ મિનીટ પછી અમદાવાદ શહેરમાં એક પછી એક વિસ્તારમાં બોમ્બ ફુટવા લાગ્યા હતા, ગુજરાત, સરકાર અને ગુજરાત પોલીસ માટે આ મોટો પડકાર હતો કારણ દેશભરમાં વિવિધ શહેરોને નિશાન બનાવી રહેલા આરોપીને દેશની કોઈ પણ પોલીસ શોધી શકી ન્હોતી આ આરોપીને પકડી જેલમાં મોકલી તેમને સજા થાય ત્યાં સુધી આ દસ પોલીસ અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે.



- Advertisement -

આશીષ ભાટીયા

ગુજરાતના મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારી આશીષ ભાટીયા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ટેરેરીઝમ અને ઓર્ગેનાઈઝ ક્રાઈમના મામલે તેમની માસ્ટરી માનવામાં આવે છે, ગુનેગાર સંબંધી બારીકમાં બારીક માહિતી પોતાની ડાયરીમાં નોધી રાખવાની તેમની ટેવ છે, માત્ર ભારતના જ ટેરેરીઝમની નહીં પણ વિદેશમાં વિવિધ ભાગમાં ચાલી રહેલી ટેરેરીઝમ એકટીવી ઉપર તેમની નજર હોય છે, હવે તેમને બ્લાસ્ટ મામલે પોતાની ટીમ બનાવવાની હતી જે ટીમનું નેતૃત્વ તેમના હાથમાં હતુ.

અભય ચુડાસમા

- Advertisement -

ગુજરાત પોલીસમા ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે જોડાયેલા અભય ચુડાસમા ત્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર ક્રાઈમ તરીકે ફરજ બજાવતા હતા, તેમની માસ્ટરી હ્યુમન ઈન્ટેલીઝન્સમાં આજે પણ ગણાય છે, તેમના જેટલુ બાતમીદારનું નેટવર્ક આજે પણ કોઈને પાસે નથી, નવી ટેકનોલોઝી આવતા પોલીસ અધિકારીઓ હવે ટેકનોલોઝી નિર્ભર થઈ ગયા છે પણ અભય ચુડાસમાને હવે પોતાના બાતમીદારોનો ઉપયોગ કરવાનો હતો, તેની સાથે તેમણે પણ પોતાની એક ટીમ તૈયાર કરવાની હતી જેમાં ઓપરેશન ટીમ- ઈટ્રોગેશન અને ઈન્વેસ્ટીશન તેમજ ટેકનીકલ ટીમ માટે અધિકારીઓ પસંદ કરવાના હતા. જે કામ તેમણે બહુ સારી રીતે પાર પાડયુ



હિમાંશુ શુકલ

- Advertisement -

2005 બેંચના આઈપીએસ એકદમ યંગ ઓફિસર ગુજરાત પોલીસનો હિસ્સો બની હજી તેમને ત્રણ વર્ષ થયા હતા, હિંમતનગરમાં એએસપી તરીકે ફરજ બજાવતા હતા, આશીષ ભાટીયા દ્વારા તેમની પણ પોતાની ટીમમાં પસંદગી કરવામાં આવી, ગુજરાત અને ગુજરાતના ક્રીમીનલ સંદર્ભમાં એકદમ કોરી સ્લેટ પરંતુ કામની સમજ અને ઘગશની સાથે કામ પ્રત્યે પોતાની પ્રમાણિકતા તેમની તાકાત હતી, એટલે જ એક ફ્રેશ અને યંગ ઓફિસરને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા

ગીરીશ સિંઘલ

મુળ અમદાવાદના વતની ઈન્કમટેકસ વિભાગમાં કામ કર્યા પછી ગુજરાત પોલીસનો હિસ્સો બન્યા, અમદાવાદની ભુગોળ અને ગુનેગારોની મોડસ ઓપરેન્ડીથી સારી રીતે વાકેફ, કોઈ પણ સ્થિતિમાં હિમંતપુર્વક લડી લેવાની તૈયારી તેમની ઓળખ છે, 2008માં તેઓ સિનિયર ડીવાયએસપી હતા, અભય ચુડાસમા દ્વારા પોતાની ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી કારણ ઓપરેશન યુનિટમાં ગીરીશ સિંઘલ હોવાનું અનિવાર્ય હતું.



રાજેન્દ્ર અસારી

તેઓ પણ મુળ અમદાવાદના વતની અમદાવાદની એચ કે કોલેજમાંથી અભ્યાસ પુરો કર્યો, સાહિત્યની જેટલી સારી સમજ એટલી જ સારી સમજ ક્રીમીનોલોજી વિષય પણ ખરી, આ કેસમાં દેશભરમાં તપાસ કરવા જવાનું હતું, બહારના રાજયમાંથી આરોપી લાવવાના હતા, ત્યાં વિપરીત પરિસ્થિતિઓ પણ નિર્માણ થવાની હતી, આવી ક્ષણે તત્કાલ નિર્ણય કરી આરોપીને પકડી શકે તેવા અધિકારી તરીકે રાજેન્દ્ર અસારી પરફેકટ નામ હતું ચુડાસમાં તેમની આ વિશેષ લાયકાત જાણતા હતા.

મયુર ચાવડા

મુળ વડોદરાના વતની બોલચાલમાં સાલસા પણ પોતાના કામમાં ચોક્કસાઈ, કાયદાની સમજ, વિષયને તરત સમજી લેવાની આવડત, પિતા પણ પોલીસ અધિકારી હોવાને કારણે બાળપણથી પોલીસ અને ખાખી સાથે પનારો પડયો હતો, યંગ અને જુનિયર ઓફિસર હોવા છતાં તત્કાલ નિર્ણય લેવાની કાબેલીયતને કારણે તેમની આ ટીમમાં પસંદગી થઈ, ગુજરાત પોલીસ સેવામાં સીધી ભરતીથી સામેલ થયેલા આ અધિકારીના ભાગે બહુ મોટા ઓપરેશન આવવાના હતા.



ઉષા રાડા

વાત આતંકી પકડવાની હતી, આખી ટીમમાં એક મહિલા અધિકારી હતા ઉષા રાડા, ઓપરેશન યુનિટ સિવાય પણ સાયબરની લગતી ઘણી બધી માહિતીઓ એકત્રીત કરવાની હતી, અભય ચુડાસમા જાણતા હતા આ કામગીરી માટે ઈન્ફરમેશન ગેધરીંગનું કામ ઉષા રાડા બેખુભી નિભાવશે, ક્રાઈમ બ્રાન્ચને જે લીડ મળી રહી હતી તે ક્રોસ વેરીફાઈ કરવાની કામગીરી તેમના ભાગે આવી હતી ઉષા રાડા પણ ગુજરાત પોલીસ સેવામાં સીધા ભરતી થઈ ડીવાયએસપી થયા હતા,

તરૂણ બારોટ

ગુજરાતના કોઈ પણ ખુણામાં જાવ, પોલીસથી લઈ ગુનેગાર તરૂણ બારોટના નામથી અજાણ હોય તેવુ બને જ નહીં, પોલીસ સબઈન્સપેકટર તરીકે જોડાયા અને પોતાની નોકરીનો મોટો કાળ તેમને ક્રાઈમ બ્રાન્ચમાં જ પસાર કર્યો, સિનિયરની ખુરશીમાં જે બેસે તેના આદેશ સિવાય કઈ સુઝે જ નહીં, લડાયક સ્વભાવ અને વિપરીત સ્થિતિમાં પણ કુદી પડવાની તૈયારી, તેમની બહાદુરીને કારણે ગુજરાત સરકાર દ્વારા તેમને આઉટ ર્ટન પ્રમોશન આપવામાં આવ્યુ હતું, તેમના ભાગે ઓપરેશ યુનિટ હતું.



વી આર ટોળીયા

મુળ ગીરના માલધારી પરંતુ ગુજરાતી અને અંગ્રેજી ઉપર સારી પક્કડ, મુળ ઈન્વેસ્ટીગેશનના માણસ, સ્વભાવે ઠંડા પણ તેમની ઠંડક ગુનેગારોને ડરાવે, પોલીસ સબઈન્સપેકટર તરીકે ભરતી થયા હોવાને કારણે અનેક ચોમાસા જોયા હતા, શુ થાય તેની સાથે શુ કરવુ જોઈએ નહીં તેની પાક્કી સમજ હતી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા આરોપીની થાકયા વગર આરોપીને થકવી નાખવી નાખી પુછપરછ કરવાની તેમની વિશેષ આવડતને કારણે તેઓ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

દિલીપ ઠાકોર

મુળ ભરતી મહેસાણા પોલીસમાં કોન્સટેબલ તરીકેની, ડીઝલ મિકેનીકનો અભ્યાસ કર્યો પણ તે અભ્યાસ કયાંય કામમાં આવ્યો નહીં, સાયબર પ્રત્યેની રૂચીને કારણે સાયબર એકસપર્ટ તરીકે કામ શરૂ કર્યુ અને તે જ કામ તેમને અમદાવાદ બ્લાસ્ટ કેસ સુધી લઈ આવ્યુ, અમદાવાદ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમની માટે સાવ અજાણી હતી., પણ તેમની મદદે બે યંગ સબ ઈન્સપેકટર હતા જીતુ યાદવ અને જગલ પુરોહીત બંન્ને અધિકારીઓ ટેકનીકલ સેલ સંભાળતા હતા. ગુનેગારો સુધી પહોંચવામાં તેમના મોબાઈલ ટ્રેક કરવાની મહત્વની કામગીરી દિલીપ ઠાકોરે કરી જેના કારણે સબઊન્સપેકટર તરીકે સરકારે તેમને બઢતી પણ આપી હતી.



આવી રીતે શરૂ થયુ ઈન્વેસ્ટીગેશન-

(1) અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ પહેલા વિવિધ ટેલીવીઝન ચેનલ એક મેઈલ મળ્યો હતો જેના કારણે ક્રાઈમ બ્રાન્ચની પહેલી શરૂઆત મેઈલ ટ્રેક કરવાનો હતો, ક્રાઈમ બ્રાન્ચની ટેકનીકલ ટીમ દ્વારા મેઈલ ટ્રેક કરવામાં આવ્યો અને જાણકારી મળી ત્રણ અલગ અલગ સ્થળેથી મેઈલ થયા છે અને તે ત્રણે સ્થળો મુંબઈના હતા, આ જાણકારીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં રહેલા એસએપી વી આર ટોળીયા અને ઉષા રાડાને મુંબઈ જવાની સુચના મળી, તેઓ મુંબઈ પહોંચ્યા પહેલો મેઈલ નવી મુંબઈ સાનપાડા, બીજો મેઈલ ખાલસા કોલેજ માંટુગા અને ત્રીજો ચેમ્બુરની એક ખાનગી કંપનીમાંથી થયા હતા, જો કે ક્રાઈમ બ્રાન્ચની ટીમને ત્યાં જઈ નિષ્ફળતા મળી કારણ મુંબઈ પહોંચ્યા પછી જાણકારી મળી કે ઈન્ડીયન મુઝાહીદન દ્વારા ત્રણે સ્થળે એકાઉન્ટ હેક કરી મેઈલ કર્યા હતા.

(2) આશીષ ભાટીયાના આદેશથી મહેસાના કોન્સટેબલ દિલીપ ઠાકોર અમદાવાદ આવી ગયા હતા., દિલીપ ઠાકોરને મોબાઈલ ટ્રેકીંગ માટે જે કઈ જરૂર હતી તેને તમામ વ્યવસ્થા જોઈ લેવાની અભય ચુડાસમાને સુચના હતી, દિલીપના રોજબરોજના કામમાં મદદ કરવા પીએસઆઈ જીતુ યાદવ અને જુગલ પુરોહીતને સુચના મળી હતી, દિલીપ ઠાકોરને જે પણ લીડ મળતી તેની ઉપર નજર રાખવા અને તે સંદર્ભમાં કોઈ પ્રશ્ન ઉભો થાય તો દિલીપને માર્ગદર્શન આપવા આઈપીએસ હિમાંશુ શુકલને કામગીરી સોંપવામાં આવી હતી, લાખો ફોન કોલ્સમાંથી કેટલાંક શંકાસ્પદ ફોન નંબરને શોધવામાં દિલીપ ઠાકોરને ખાસ્સી સફળતા મળી હતી જે મહત્વના આરોપી સુધી લઈ ગઈ હતી.



(3) ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન એક અજાણી મદદ મળી હતી જેમાં ભરૂચના કોન્સટેબલ યાકુબઅલી દ્વારા કાર બોમ્બ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલી બે કારની જાણકારી અભય ચુડાસમાને આપી અને મુંબઈથી કાર અમદાવાદ સુધી પહોંચાનારના નંબરો લાવી આપવાનું કામ ચાકુબઅલીએ કર્યુ તે મહત્વનું પુરવાર થયુ.

(4) તપાસ ભલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે હતી પરંતુ રાજયની વિવિધ જિલ્લા અને શહેરોની પોલીસ પણ એકટીવ થઈ હતી. અમદાવાદમાં બ્લાસ્ટ થયો હતો પરંતુ સુરતમાં મુકવામાં આવેલા 15 બોમ્બ ફુટયા ન્હોતા, જેના કારણે સુરતના પોલીસ કમિશનર એમ એસ બ્રાર તેમની ટીમ સાથે કામે લાગ્યા હતા, સુરતના ડીસીપી વી ચંદ્રશેખરને તેમણે એક મહત્તની જાણકારી સાથે બેગ્લુર મોકલી આપ્યા હતા, જયારે વડોદરાના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને પણ શંકા હતી કે આ બ્લાસ્ટમાં વડોદરા કન્કેશન નિકળીશે એટલે તેમણે શંકાસ્પદને ઉપાડવાની શરૂઆત કરી હતી, તેવી જ રીતે ભરૂચના એસપી સુભાષ ત્રિવેદ્દી પણ માની રહ્યા હતા કે ઘટનાના તાર ભરૂચ સાથે જોડાયેલા છે જેના કારણે તેમણે પણ ઓપરેશન શરૂ કર્યુ હતુ આમ એક જ કેસ ઉપર અનેક એજન્સી કામ કરી રહી હતી.

(5) મામલો ક્રાઈમ બ્રાન્ચ પાસે હતો, તેમને ડર હતો કે આટલી એજન્સી એક સાથે કામ કરશે તો આરોપી તેમના હાથમાંથી નિકળી જશે, એટલે આખો વિષય ગૃહ રાજય મંત્રી અમીત શાહ સામે મુકવામાં આવ્યો તેમણે ક્રાઈમ બ્રાન્ચ સહિતની તમામ એજન્સીને રૂક જાવનો આદેશ આપી ગુજરાત બહરા ગયેલી ટીમે ઓપરેશન બંધ રાખી પાછા ફરવાનો આદેશ આપ્યો આવુ થવાનું કારણ એવુ હતું કે ગુજરાત સરકારે કેસ ઉકેલી આપનાર એજન્સીને 50 લાખ ઈનામ આપવાની જાહેરાંત કરી હતી જેના કારણે ક્રેડીટ લેવાની હોડ લાગી હતી, જો કે આ નિર્ણય પછી ક્રાઈમ બ્રાન્ચની જવાબદારી વધી ગઈ હતી.



(6) ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ગુજરાત બહાર ગયા હતા બ્લાસ્ટની ઘટનાને બે અઠવાડીયા થઈ ગયા હતા, યાકુબઅલી અને દિલીપ ઠાકોરની લીડને કારણે જે નામો ક્રાઈમ બ્રાન્ચ પાસે આવ્યા હતા તેમને ક્રાઈમ બ્રાન્ચ લઈ આવી હતી, ત્યારે રાજય બહાર રહેલી ટીમને આશીષ ભાટીયાનો આદેશ મળ્યો કે ગુજરાત પાછા ફરો, ખરેખર આખુ ચિત્ર શુ છે તેની ક્રાઈમ બ્રાન્ચમાં આશીષ ભાટીયા અને અભય ચુડાસમા સિવાય કોઈને જ ખબર ન્હોતી, બધી ટીમો અમદાવાદ પાછી ફરી, જેમની અટકાયત કરી તેમની પુછપરછમાં કેટલી મહત્વની કડીઓ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.

(7) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક મિટીંગ મળી, જેમા તમામ સિનિયર અધિકારીઓ હાજર હતા, આ મિટીંગ પહેલા આશીષ ભાટીયાએ ગૃહ વિભાગ સાથે વાત કરી લીધી હતી, જો કે ક્રાઈમ બ્રાન્ચનો નિયમ હતો જેને જેટલુ જાણવાની જરૂર છે એટલી જ જાણકારી તેમણે જાણવી જોઈએ, એક ટીમને ખબર ન્હોતી કે બીજી ટીમ કઈ બાબત ઉપર કામ કરી રહી છે આમ દરેક ટીમને સુચના હતી કે તેમણે પોતાની કામગીરી બીજા કોઈને કહેવાની નહીં અને બીજી ટીમની કામગીરી જાણવાનો પ્રયત્ન કરવાનો નહીં, આ મિટીંગમાં હાજર હિમાંશુ શુકલ અને મયુર ચાવડાને સુચના મળી કે આવતીકાલે સવારે ઉત્તર પ્રદેશ જવાનું છે એરપોર્ટ ઉપર પહોંચી જશો.

(8) યાકુબઅલી અને દિલીપ ઠાકોરની લીડને કારણે જે નામો ક્રાઈમ બ્રાન્ચ સામે આવ્યા હતા તેમનો સંબંધ બ્લાસ્ટ કેસ સાથે તો હતો, પણ નાની માછલીઓની પકડાઈ ગઈ છે તેવી જાહેરાંત ક્રાઈમ બ્રાન્ચ કરવા માગતી ન્હોતી તેમને મુખ્યસુત્રધાર સુધી જવુ હતુ, સવારે એરપોર્ટ ઉપર પહોંચેલા હિમાંશુ શુકલને જાણકારી મળી ઉત્તર પ્રદેશના લખનઉ જવાનું છે ત્યાંથી અબુ બશરને પકડવાનો છે, ઓપરેશનની ગુપ્તતા જરૂરી હતી, પાંચ સાત પોલીસ અધિકારીઓ સાથે હિમાંશુ શુકલ લખનઉ પહોંચ્યા અને અબુબશરને ઉપાડી લીધા, અબુ માનતો હતો કે તેના સુધી પોલીસ કયારેય પહોંચી શકશે નહીં, બ્લાસ્ટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનો આ મોટો ધડાકો હતો.



(9) છેલ્લા છ વર્ષથી દેશભરની પોલીસને થાપ આપી રહેલા ઈન્ડીયન મુઝાહીદનના અબુબશર સુધી પહોંચવાની ક્રેડીટ ક્રાઈમ બ્રાન્ચની મળી હતી, હવે પોલીસ કસ્ટડીમાં રહેલા અબુની તાકાત ન્હોતી કે મોંઢુ બંધ રાખે તેણે એક પછી એક આતંકના પાના ખોલવાની શરૂઆત કરી ફરી ક્રાઈમ બ્રાન્ચની ટીમ એકશનમાં આવી અને ગુજરાત સહિત મધ્યપ્રદેશ , કેરળ,, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી એક પછી આરોપી પકડાવવા લાગ્યા ક્રાઈમ બ્રાન્ચે 80 કરતા વધુ આરોપીઓને પકડયા હજી વીસ આરોપીઓને પ ગુજરાત પોલીસ શોધી રહી છે.

(10) આખી તપાસ નવ મહિના સુધી ચાલી આ સમય.ગાળા દરમિયાન આખી ટીમને આદેશ હતો કે સવારે દસ વાગે ક્રાઈમ ૂબ્રાન્ચ આવી જવાનું જો કે તમામ અધિકારી રાતના બે વાગ્યા પહેલા ઘરે કયારેય ગયા નથી, આ નવ મહિના દરમિયાન તમામ અધિકારી અને જવાનોની જમવાની વ્યવસ્થા બન્ને વખતની ક્રાઈમ બ્રાન્ચમાં જ હતી.

(11) ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં રહેલા તમામ છ એસીપીઓને આ 21 કેસના તપાસ કરનાર અમલદાર તરીકે નિયુકત કરી દેવામાં આવ્યા હતા,

ગુજરાત સરકારે પહેલી વખત તપાસ માટે ચાર્ટડ પ્લેનનો ઉપયોગ કર્યો

બનાવ ખુબ ગંભીર હતો, જયારે અનેક રાજયોની પોલીસ દેશમાં બ્લાસ્ટ કરનાર સુધી પહોંચી શકી ન્હોતી ત્યારે 2008ની ઘટના ગુજરાત પોલીસ માટે મોટો પડકાર હતી, બ્લાસ્ટના બે સપ્તાહ પછી ક્રાઈમ બ્રાન્ચને જે જાણકારી મળી હતી તે પ્રમાણે માસ્ટર માઈન્ડ ઉત્તર પ્રદેશનો અબુબશર હતો, તેને સીફતપુર્વક પીક કરવો જરૂરી હતો, સમય પણ ઓછો હતો અને ગુપ્તતા પણ જરૂરી હતી, ઉત્તર પ્રદેશ પોલીસ પણ આ ઓપરેશન અંગે જાણે નહીં તે જરૂરી હતી કારણ લીકેઝને ચાન્સ હતા, આશીષ ભાટીયા આખી ગંભીરતા ગુજરાત સરકારને સમજાવવામાં સફળ રહ્યા, આદેશ મળ્યો જરૂર હોય ત્યારે ચાર્ટડ પ્લેનનો ઉપયોગ કરવો અને અબુબશરને પકડવા ગયેલી ટીમ ચાર્ટડ પ્લેન લઈ લખનઉ પહોંચી અને અમદાવાદ પરત ફરી ત્યાં સુધી તેની કોઈને ગંધ આવી નહીં.



આવી જ સ્થિતિ નાના અધિકારીઓની પણ હતી, નિયમ પ્રમાણે સરકારી કામે પ્લેનનો ઉપયોગ કરવાની સત્તા ડીવાયએસપી કક્ષાના અધિકારીની છે તે પણ પુર્વ મંજુરી હોય તો જ તેઓ બાય એર ટ્રાવેલ કરી શકતા હતા પણ સમય નાજુક હતો, જેવી માહિતી મળે તેની સાથે કોન્સટેબલ, પીએસઆઈ અને પીઆઈને બાય એર નિકળી જવુ પડતુ હતું આ અંગે પણ તત્કાલીન પોલીસ કમિશનર ઓ પી માથુરે સરકારની મંજુરી લીધી તપાસના કામે કોઈ પણ કક્ષાના અધિકારીને પ્લેનની ટીકીટ જોઈ તો મળી જતી હતી. આખી તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એર લાઈન્સના પ્લેનનો જે ઉપયોગ કર્યો તેમાં પ્લેન ટીકીટના રૂપિયા 15 લાખ થયા હતા.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular