નવજીવન ન્યૂઝ. મોરબીઃ મોરબીમાં બનેલી દુર્ઘટનાને આજે ત્રણ દિવસ થયા છે. અત્યાર સુધી સરકારી આંકડા અનુસાર 134 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે હાલ સમગ્ર બાબતે આખરે જવાબદાર કોણ તે અંગે લોકોમાં ચર્ચા જાગી છે. જોકે પુલ તૂટવા અંગેનો FSLના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. FSL રિપોર્ટ અનુસાર મેઈન ફ્રેમ અને કેબલને રિનોવેશન દરમિયાન બદલવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુલ તૂટવાની ઘટના બાદ FSLની ટીમ દ્વારા સ્થળ પરથી દોરડા સહિતની વસ્તુઓ કાપીને તપાસ માટે લઈ ગયા હતા. ત્યારે FSLના રિપોર્ટમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ બ્રિજના પતરા જ બદલવામાં આવ્યા હતા. બ્રિજના દોરડા અને બીજુ મટિરિયલ બદલાયું નથી. રિનોવેશન દરમિયાન ૧૫૦ વર્ષ જૂના પુલના ફ્લોર ઉપરથી તે સમયે ઉપયોગમાં લેવામાં આવેલા લાકડા કાઢી તેના સ્થાને બે લેયરમાં એલ્યુમિનિયમના ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
છેલ્લા સાત મહિનાના રિનોવેશનમાં માત્ર ફેબ્રિકેશનનું જ કામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મેટલ બોક્સ, મેઈન સસ્પેનસન રોપ, મેટલ ફ્રેમ કાટ ખાધેલી હાલતમાં હતું. બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લુ મુકતા પહેલા ગુજરાત એન્જીનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયુટ(ગેરી) પાસેથી ટેકનિકલ ફીટનેસનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું ન હતું. સાથે જ ઓરેવા કંપનીએ મોરબી નગરપાલિકા, જિલ્લા કલેક્ટર અને ગેરીની કોઈ પરવાનગી લીધી નહોતી. ઓરેવા કંપની દ્વારા જે પેટા કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના માલિકોને બ્રિજ રિનોવેશન કરવાનો કોઈ અનુભવ ન હતો અને લાયકાતવાળા ઇજનેરો પણ ન હતા. આ ઈજનેરો માત્ર ધ્રાંગધ્રા ખાતે ફેબ્રિકેશનની દુકાન ધરાવતા હતા








