દિલીપ ક્ષત્રિય (નવજીવન. અમદાવાદ): ખાખી અને ખાદીનો અનોખો સમન્વય જોવો હોય તો તમારે એક વખત શિક્ષક, કવિ, આઈ.પી.એસ. એવા હસમુખ પટેલને મળવું પડે, જે કોઈ પણ જાતની પ્રસિદ્ધિ વિના 2014 થી વિશ્વશાંતિ માટે પ્રયત્નો કરી રહ્યા છે. હસમુખ પટેલ ન માત્ર આવનાર ભારતની પેઢીને ઘડવાનો પ્રયત્ન કરી રહ્યા છે બલ્કે આવનાર ભારતના ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે અને હસમુખ પટેલની છેલ્લા 8 વર્ષોની અથાગ મહેનત હવે રંગ લાવી છે, બાળકોને કઈ રીતે ઉછેરવા, એમના પ્રશ્નો, માતા પિતા તરીકે કઈ રીતે વર્તવું, લગ્ન પહેલા, લગ્ન પછીની સમસ્યાઓ, આવા અનેક પ્રશ્નોના જવાબ હવે ગુજરાત વિદ્યાપીઠમાં પેરેન્ટિંગ ફોર પીસ કોર્ષનો અભ્યાસ કરીને મળશે. હસમુખ પટેલની એક પોલીસ અધિકારી તરીકેની કોઈ આવી જવાબદારી ન હોવા છતાં તે સમાજને કંઈક શ્રેષ્ઠ આપવાના ભાગ રૂપે કરી રહ્યા છે.
હસમુખ પટેલ પેરેન્ટિંગ ફોર પીસ નામનો એક કાર્યક્રમ ચાલવી રહ્યા છે. જે અંતર્ગત જીવનના વિવિધ પાસાઓ જેવા કે લગ્ન, જીવનસાથીની પસંદગી, બાળક જન્મ, બાળ ઉછેર, જેવા અનેક ન ચર્ચાતા મુદ્દાઓ યુવાનો સાથે ચર્ચા કરે છે, એમને સમજ આપે છે અને ભવિષ્યના ભારતના નાગરિકો તૈયાર કરે છે. આ કઈ રીતે શરુ થયું એ પૂછતાં જ હસમુખ ભાઈ એક લાંબો શ્વાસ લઇને કહે છે કે ‘જુઓ બાળક ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે તે જે જુએ, અનુભવે તે શીખે છે. બાળક પ્રેમ પામે તો મોટો થઇ પ્રેમાળ વ્યક્તિ તરીકે સમાજને સવાયો પ્રેમ પાછો આપે છે. બાળક બચપણમાં હિંસાનો અનુભવ કરે તો હિંસા શીખે છે.
આવું દરેક બાળકના જીવનમાં બને છે. જાણે-અજાણે થતા આવા અનુભવમાંથી દરેક બાળક શીખતું હોય છે. પરંતુ મા-બાપ તથા શિક્ષક તરીકે આપણે આ બાબતથી અજાણ હોઇએ છીએ કારણ કે આપણે ત્યાં પ્લમ્બરથી પાયલોટ થવાની તાલીમ આપવામાં આવે છે પણ મા-બાપ થવાની તાલીમ જરૂરી ગણાતી નથી.
બાળકને થપ્પડ મારીને ટીવી બંધ કરાવીએ કે થપ્પડ મારીને ભણવા બેસાડીએ કે વર્ગમાં ડસ્ટર પછાડી શાંતિ રાખવાનો પ્રયત્ન કરીએ ત્યારે બાળક હિંસા શીખે છે. બાળકો શીખે છે કે હિંસાના માધ્યમથી ધાર્યું કરાવી શકાય છે. બચપણમાં અજાણતાં જ વવાયેલાં હિંસાના બીજ વટ વૃક્ષ થઈ સમાજને પીડે છે. ત્રાસવાદ અને યુદ્ધ હિંસાનાં વરવાં સ્વરૂપ છે પરંતુ તેના મૂળમાં વ્યક્તિના મનમાં વેરાયેલા હિંસાના બીજ હોય છે.
મા બાપ અને શિક્ષકો બાળકનું ભલું જ ઇચ્છે છે. બાળક વિકસે તેવું જ તેઓ ઇચ્છતાં હોય છે પરંતુ તેવું કેવી રીતે કરવું તેનાથી મોટે ભાગે અજાણ હોય છે. પરિણામે બાળકો સૂક્ષ્મ સ્થૂળ હિંસાનો ભોગ બનતા હોય છે. મા બાપની સમજ કેળવાય તે જરૂરી છે. તે માટે તેઓનું પ્રશિક્ષણ આવશ્યક છે. તે માટે પ્રયાસ નહીં કરવામાં આવે તો હિંસાનું આ વિષચક્ર ચાલતું જ રહેશે.
એટલે જ ’પેરેન્ટીંગ ફોર પીસ’ અર્થાત ’બાળ ઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં’ અભિયાન બાળઉછેરની આ વૈજ્ઞાનિક હકીકતથી મા બાપ, શિક્ષક અને સમાજને અવગત કરાવવાનું કામ કરે છે. અભિયાનનું મુખ્ય કામ માબાપ અને શિક્ષકોને તાલીમ આપવાનું છે અને તેનું મુખ્ય ધ્યેય છે બાળકોને પ્રેમ અને આનંદ ભર્યું બાળપણ આપવું જેથી જેઓ શાંતિપૂર્ણ સમાજના સ્થંભ નિર્માતા બને. અભિયાનની તમામ પ્રવૃત્તિઓ વિનામૂલ્યે કરવામાં આવે છે.
આ રીતે કામ કરવા છ એક વર્ષ પહેલાં મેં મિત્રોને પત્ર લખ્યાં ત્યારે ભાવનગર જિલ્લાના સણોસરા ખાતેની લોકભારતી સંસ્થામાંથી ભાવનાબહેન પાઠકે સ્વ.મનુભાઈ પંચોળી ’દર્શક’ ની નાનકડી પુસ્તિકા ’’વિશ્વ શાંતિની ગુરુકિલ્લી’ મોકલી. તે પહેલાં મને એમ હતું કે બાળ હિંસા અને ત્રાસવાદને જોડવાનો મારો વિચાર મૌલિક હતો પણ ‘દર્શકે’ આ વાત પચાસેક વર્ષ પૂર્વે અદભૂત રીતે ચાર વ્યાખ્યાનોમાં કરી હતી. આ પુસ્તિકા અમારા સૌ માટે માર્ગદર્શક બની. તે ઘરે ઘરે પહોંચાડવાની નેમ છે. તેનો હિન્દી, મરાઠી તથા અંગ્રેજીમાં અનુવાદ પ્રકાશિત કર્યો છે. મલયાલમ તથા બંગાળીમાં અનુવાદ ટૂંક સમયમાં થશે.
આ બહુ મહત્વનું કામ છે અને સમગ્ર વિશ્વમાં કરવા જેવું કામ છે. તેમાં આગળ વધાય તે હેતુથી માર્ચ ર૦૧૩માં મેં સુરતમાં મિત્રોને બોલાવી વાત કરી. તેઓએ બીજા કેટલાક નામો સુચવ્યા. કેટલાક સામેથી આવ્યા. અમે દર મહીને મળવાનુ શરૂ કર્યું. દર બેઠકે નવાં નવાં કામો સૂચવાય. દરેક જણ સ્વૈચ્છિક રીતે જવાબદારી લે. તે પછીની બેઠકમાં તેનો હિસાબ આપે.
ઘણું કામ થયું પણ તેને સમાજ સુધી પહોંચાડવું કેમ? મા બાપ અને શિક્ષકો તેનો લાભ લે તે માટે શું કરવું તે પ્રશ્ન પજવતો રહ્યો. છેવટે જુલાઇ ર૦૧૪માં સુરતમાં બે દિવસનું સંમેલન મળ્યું. આ ક્ષેત્રમાં કામ કરતા અથવા કામ કરવા માગતા ગુજરાતભરના ૧૯૦ લોકોએ ભાગ લીધો. બે દિવસમાં બાળઉછેરને લગતાં ૧૭ પ્રેઝન્ટેશનોની તાલીમ આપી તેની સીડી તેઓને આપી જેથી તેઓ પોતે મા બાપ અને શિક્ષકોને તાલીમ આપી શકે. તેમાંથી ગુજરાતમાં પાંચ-સાત જગ્યાએ ટીમે કામ શરૂ કર્યું.
નવી નવી જગ્યાએ કામ શરૂ થાય તે માટે પરિચય કાર્યક્રમો ગોઠવાતા ગયા. કામ વિસ્તરતુ ગયુ. એક સમયે ગુજરાતમાં ૧૬ અને મધ્યપ્રદેશમાં ર એમ કુલ ૧૮ ટીમો કામ કરતી થઇ. શરૂઆતના દિવસોમાં અભિયાનના સ્વરૂપ વિશે ઘણી ચર્ચા ચાલી. એક મત એવો હતો કે સ્વૈચ્છિક સંસ્થાના ટ્રસ્ટની નોંધણી કરાવી કામ કરવું જોઇએ જ્યારે બીજો મત ટ્રસ્ટના પક્ષમાં ન હતો. ટ્રસ્ટના પક્ષમાં તર્ક એવો હતો કે તેનાથી કામને માળખું મળશે જેથી કામ ટકશે. કેટલાક લોકોનો આ રીતે કામ કરતા ટ્રસ્ટ વિશે સારો અભિપ્રાય ન હતો પણ ખરા વજૂદવાળી મુખ્ય બાબત જુદી હતી.. અભિયાનનો હેતુ બાળકોને પ્રેમ અને આનંદ ભર્યું બાળપણ આપવાનો છે અને કોઇ પણ રીતે આ કામ કરનાર વ્યક્તિ કે સંસ્થા તેમાં જોડાઇને કે જોડાયા સિવાય આ કામ કરી શકે તે અભિયાનનો મુખ્ય હેતુ છે. ટ્રસ્ટ નોંધાવાથી કદાચ આ શક્ય ન બને. સંસ્થાના બંધનમાં બંધાયા વિના વ્યક્તિગત રીતે કામ કરનાર કે આવું કામ કરનાર અન્ય સંસ્થાઓ જોડાઈ શકે તે સારું પણ ખુલ્લાપણું ઘણું જરૂરી હતું.
બધા ઉચ્ચ કક્ષાની સમજ સાથે જોડાયા હતા તેથી મતભેદનો પ્રશ્ન ન હતો. આ પ્રશ્ન બાજુ પર રહ્યો અને કામ ચાલતું રહ્યું. જેમ જેમ કામ કરતા ગયા તેમ અભિયાનનું સ્વરૂપ સ્પષ્ટ થતું ગયું. દર મિટિંગમાં નવા નવા લોકો આવતા ગયા અને નવા નવા કામો થતા ગયા. કોઇ પ્રો. વિજય સેવકને લઇ આપ્યું. જેમણે બધા સ્વયંસેવકોને પ્રક્રિયા નાટક શીખવ્યું. સ્ક્રીટ કાર્યક્રમોનું અવિભાજ્ય અંગ બન્યું. ફિલ્મ સોસાયટી ઓફ સુરતના સુનિલભાઇ જૈન બાળ ફિલ્મોનો વિચાર લઇ આવ્યા અને સુરત મહાનગર પાલિકાની શાળાઓમાં બાળ ફિલ્મો બનાવવાનું શરૂ થયુ ઈત્યાદી.
કામ વિસ્તરતું ગયું તેમ અભિયાનનું સ્વરૂપ ઉઘડતું ગયું અને કોઇકે કહ્યું કે આ વિચાર અભિયાન છે. આ વિચારમાં માનનાર અને તે માટે કામ કરવા ઇચ્છતી કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા પોતપોતાને ઠેકાણે પોતાની રીતે આ કામ કરી શકે. અભિયાનનું કામ તેઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. જેથી તેઓનું કામ અનેક ઘણું વિસ્તરે.
કોઇ પણ અભિયાન ત્યારે જ સફળ થયું ગણાય જ્યારે તેનું નેતૃત્વ જેણે તે શરૂ કર્યું હોય તેના હાથમાં ન રહે; વધુને વધુ લોકો નેતૃત્વ સંભાળી કામ આગળ વધારે. ર૦૧૪ના સુરત સંમેલન પછી અભિયાનનું નેતૃત્વ ડો. કમલેશભાઇ પારેખના હાથમાં છે પરંતુ તેમની પાસે કોઇ હોદ્દો નથી. બધા સાથે મળી કામ કરે છે. અભિયાનમાં કયાંય કોઇની પાસે કોઈ હોદ્દો નથી. દરેક જણ તે વખતની જરૂરિયાત મુજબ જવાબદારી સંભાળે છે અને ભૂમિકા નિભાવે છે.
શરૂઆતમાં જ અભિયાનનું મિશન સ્ટેટમેન્ટ બનાવવામાં આવ્યું. જેમાં વિઝન, મિશન, મૂલ્યો, કામ કરવાની પધ્ધતિ વિગેરે સામેલ છે પણ જેમ જેમ કામ આગળ વધતું ગયું તેમ એ સ્પષ્ટ થયું કે શુધ્ધતા અને પવિત્રતા એ બે મુખ્ય મૂલ્યો છે. બાળકોને પ્રેમ અને આનંદ ભર્યું બાળપણ આપવાના શુદ્ધ હેતુવાળી વ્યક્તિ જ આમાં ટકી શકશે. ઘણા લોકો આવ્યાં અને ગયાં. કેટલાક તો પોતાને શું મળશે તેવા સ્થૂળ હેતુ સાથે જ આવ્યાં હોય. તેઓ તો બહુ જ ઝડપથી ગયાં. પરંતુ કેટલાકને આવો સ્થૂળ સ્વાર્થ ન હતો છતાં પણ મનમાં કયાંક પોતે સામાજિક કાર્ય કરી રહ્યા છે તેવો અહમ હશે. કેટલાકને આવું કામ કરવાથી તેમના કામની નોંધ લેવાશે, મંચ શોભાવવા મળશે તેવી અચેતન ઇચ્છા હશે. આવા લોકો પણ ધીરે ધીરે ખરતા ગયા.
ભાતભાતનું કામ કરનારા પણ એમાં ટકી નથી શકતા કારણ કે જીવનમાં કશુંક નોંધપાત્ર કરવા માટે ફોકસ ઘણું જરૂરી છે. કેટલાક એવા લોકો પણ છે જે આ કામ કરવા માંગે છે પણ સાતત્ય જાળવી શકતા નથી. આપણે રોજ કસરત કરવા ઈચ્છીએ પણ થોડો સમય કરીએ અને છૂટી જાય તેના જેવું.
કામ અનેક ગણું વધ્યું છે. કામની ગતિ અને દિશાથી બધાને સંતોષ છે. આ વિચાર અભિયાન સમગ્ર વિશ્વમાં પ્રસરશે તેવી શ્રદ્ધા વધતી જાય છે. એ પણ સ્પષ્ટ થયું છે કે નિસ્વાર્થ ભાવે કામ કરવા ઇચ્છતા લોકો જ આ કામ કરી શકશે. એવા લોકો ઉમેરાતા જાય છે. આવી જ રીતે અમારા એક કાર્યક્રમમાં વિદ્યાપીઠના સમાજ વિભાગના બિનલબેન આવેલા, તેમણે મને કહ્યું કે કેમ આખી વાત વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે, બિનલ બેને મારી વાત વિદ્યાપીઠના સમાજ વિભાગના આનંદી બેન જોડે કરાવી આપી અને પેરેન્ટિંગ ફોર પીસ કોર્ષ સ્વરૂપે પરિણમ્યું.
કોર્સ વિશે વાત કરતા વિદ્યાપીઠના સમાજ વિભાગના વડા આનંદીબેન કહે છે કે ‘અમે શરૂઆત કરી ત્યારથી જ આ કોર્ષ વિશે વિદ્યાર્થીઓને ખૂબ જ લગાવ દેખાયો આજે એમ.એ. માં અભ્યાસ કરતા વિદ્યાપીઠના લગભગ ઘણા વિદ્યાર્થીઓ આ કોર્ષનો લાભ લઇ રહ્યા છે’ આવા કોર્સની ખરેખર આખા ભારતમાં ખૂબ જરૂર છે.’ સાયકોલોજીસ્ટ ઇતિશુક્લ કહે છે કે ‘આજે કોરોના અને લોકડાઉન પછી વાલીઓની અનેક સમસ્યાઓ વધી છે, બાળકો અને માતાપિતા માં સહન શક્તિ ઘટી છે અને હિંસકતા વધી છે ત્યારે આવા કોર્ષ અને આવું મિશન ખરેખર વિશ્વને માર્ગ ચીંધનારું બની શકે છે.
હસમુખ પટેલ છેલ્લે કહે છે કે ‘આવો, આપણે સૌ ભેગા મળી બાળકોને પ્રેમ અને આનંદ ભર્યું બાળપણ આપવાની દિશામાં કાર્ય કરી વિશ્વશાંતિની દિશામાં યોગદાન આપીએ’ આપણી આસપાસ પણ આવા ઘણા સરકારી અધિકારીઓ હશે, અને છે, જે સતત આવું કંઈ કામ કરી રહ્યા છે, એમની ફરજ ન હોવા છતાં, આવા અધિકારીઓને આપણે બિરદાવીએ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












