પ્રશાંત દયાળ (નવજીવન અમદાવાદ): વર્ષ 2005માં આઈપીએસ હિમાંશુ શુક્લ યુપીએસસી પરીક્ષા પાસ કરી અને ભારતીય પોલીસ સેવાના અધિકારી બન્યા, વર્ષ 2006માં પ્રોબેશનર ઓફિસર તરીકે વડોદરા ગ્રામ્યમાં તેમની નિમણૂંક થઈ, ઉંમર હતી માત્ર 26 વર્ષ, જુવાનીની તાકાત અને ખાખીનો તાપ બંનેનું મિશ્રણ હતું. આઈપીએસ ટ્રેનિંગ સેન્ટરમાં લીધેલી તાલીમ અને બહાદુરીની કથાઓ હજુ મન ઉપર તાજી જ હતી. ત્યારે જાણકારી મળી કે, વડોદરામાં લૂંટ કરનાર એક આરોપી ઉત્તર પ્રદેશના ઈંટાવામાં સંતાયો છે.
હિમાંશુ શુક્લ, એક સબ ઈન્સપેક્ટર અને બે કોન્સ્ટેબલ સાથે કારમાં ઉત્તર પ્રદેશ જવા રવાના થયા. તારીખ હતી 15 ઓગસ્ટ 2006, જે વિસ્તારમાં આરોપી સંતાયો હોવાની શંકા હતી તે કાસગંજ વિસ્તાર હતો. ત્યાં સંખ્યાબંધ ઈંટોનું ઉત્પાદન થતું હતું. સબ ઈન્પેક્ટરે જઈ ઈંટ ઉત્પાદકો સાથે વાત કરી અને ત્યાંથી તેમને એક નંબર મળ્યો. આગળના ઓપરેશન માટે સ્થાનીક પોલીસની મદદની જરૂર હતી, પરંતુ જવાબ મળ્યો કે પોલીસ 15 ઓગસ્ટના કામમાં રોકાયેલી છે. જેથી હિમાંશુ શુક્લએ તેમના સહિત ચાર પોલીસ સાથે ઓપરેશન પાર પાડવાનો નિર્ણય કર્યો. તેમને જે મોબાઈલ નંબર મળ્યો હતો તેની મુવમેન્ટ ચેક કરાઈ તો કાસગંજની એક મસ્જીદની આસપાસ તેની મુવમેન્ટ હતી.
હિમાંશુ શુક્લએ પીએસઆઈ અને બંને કોન્સ્ટેબલને મસ્જીદની આસપાસ સર્વેલન્સમાં મુકી દીધા જ્યારે આરોપી જે યુવતીના સંપર્કમાં હતો તે યુવતીના ઘરની બહાર હિમાંશુ શુક્લ વોચમાં રહ્યા. જભ્ભો અને જીન્સ પહેરેલા હિમાંશુ શુક્લ પોલીસ અધિકારી છે તેવી શંકા જવાનું કોઈ કારણ ન્હોતું. થોડીવારમાં ત્યાંથી એક વ્યક્તિ પસાર થઈ, હિમાંશુ શુક્લને લાગ્યું કે તેઓ જેને શોધી રહ્યા છે તે જ આ આરોપી છે. તે માણસ ઝડપભેર ચાલી રહ્યો હતો, હિમાંશુ શુક્લ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જેને કારણે તે માણસને અણસાર આવી ગયો કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે.
હિમાંશુ શુક્લનો અંદાજ ચુક્યો, તેઓ તે શખ્સથી પાંચ સાત ફૂટના અંતરે જ હતા. પેલો માણસ એકદમ રોકાયો અને ઉંધો ફર્યો, હિમાંશુ શુક્લએ જોયું કે તેના હાથમાં એક દેશી તમંચો હતો. હિમાંશુ શુક્લએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના પેન્ટમાં છૂપાવેલી પીસ્તોલ કાઢી અને ટ્રીગર દબાવી, પણ કમનસીબે ટક એવો અવાજ થયો પણ ગોળી છૂટી નહીં. કારણ કે પીસ્તોલ જામ થઈ ગઈ હતી. આ તકનો પેલા આરોપીએ ફાયદો લીધો અને તેણે પોતાની પાસે રહેલા તમંચામાંથી ગોળી ચલાવી, જે ગોળી સીધી હિમાંશુ શુક્લાના પેટમાંથી આરપાર નીકળી ગઈ. હિમાંશુ શુક્લ ત્યાં જ ઢળી પડ્યા પરંતુ પોતે નિયંત્રણ ગુમાવે તે પહેલા ફોન કરી પોતાના સાથી પીએસઆઈને મદદ માટે બોલાવ્યા. પીએસઆઈ તાત્કાલીક દોડી આવ્યા અને કાસગંજના આરોગ્ય કેન્દ્રમાં હિમાંશુ શુક્લને લઈ ગયા.
ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપતા કહ્યું, વધુ સારવાર અહીં શક્ય નથી, તેમને વધુ સારવાર માટે ઈંટાવા લઈ જાઓ. ત્યાંથી ઈંટાવા દોઢસો કિલોમીટર દુર હતું. સબ ઈન્સપેક્ટર અને બે કોન્સ્ટેબલ તેમને કારમાં ઈંટાવા લઈ આવ્યા, આ બનાવની જાણકારી ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારને થતા મંત્રી અશોક ભટ્ટ અને અમિત શાહે હિમાંશુ શુક્લાને ગુજરાત લાવવાની વ્યવસ્થા કરી. ટ્રેન મારફતે તેમેને વડોદરા લાવવામાં આવ્યા જ્યાં ભાઈલાલ અમિન હોસ્પિટલમાં તેમના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી અને ડોક્ટર્સ તેમનો જીવ બચાવવામાં સફળ રહ્યા.
પાંચ વર્ષ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાત વર્ષ ગુજરાત એટીએસમાં ફરજ બજાવનાર હિમાંશુ શુક્લની પસંદગી ગુપ્તચર એજન્સી રૉ માટે થઈ છે. 31 મી ડિસેમ્બરે તેઓ ગુજરાત એટીએસનો હવાલો છોડી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પોતાની ફરજના નવા સ્થળે હાજર થશે. આ પ્રસંગે એટલું જ કહેવાનું મન થાય, બસ ઓલ ધી બેસ્ટ, હંમેશા ખુશ રહો…
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












