Tuesday, May 26, 2026
HomeGujaratછેડતી મામલે ભાજપના ધારાસભ્યની મુશ્કેલી વધી, હાઈકોર્ટે કહ્યું આગોતરા જામીન ન આપી...

છેડતી મામલે ભાજપના ધારાસભ્યની મુશ્કેલી વધી, હાઈકોર્ટે કહ્યું આગોતરા જામીન ન આપી શકાય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પ્રાંતિજ: Prantij MLA Case: અવારનવાર વિવાદોમાં સપડાયેલા રહેતા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજ (Prantij) વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ઉદયસિંહ પરમારની (Gajendrasinh Parmar) મુશ્કેલીમાં વધારો થયો છે. વર્ષ 2020માં નોંધાયેલા ગુના અંતર્ગત તેમણે હાઈકોર્ટમાં (Gujarat High Court) આગોતરા જામીનની અરજી કરી હતી. જે ગુનાની ગંભીરતા જોતા ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી છે. ઉલ્લેખનીય છે કે, તેમના પર સગીરાની છેડતી કરવાનો (Molestation) અને શારીરિક શોષણનો ગંભીર આરોપ છે. ત્યારે હાઈકોર્ટે અરજી ફગાવતા હવે રાજસ્થાન પોલીસ (Rajasthan Police) ટુંક સમયમાં તેમની ધરપકડ કરી શકે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

શું બની હતી ઘટના?

નવેમ્બર 2020માં અમદાવાદની એક મહિલા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ઉદયસિંહ પરમાર સાથેના પરિચયમાં આવી હતી. 8મી ઓગસ્ટ 2020ના રોજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સાથે મહેશભાઈ તેમજ અન્ય 3 પુરુષો સહિત તે મહિલા તેની સગીર વયની પુત્રી સાથે માઉન્ટ આબુ અને અન્ય સ્થળોએ ફરવા માટે ગઈ હતી. ત્યારે જેસલમેર જતા સમયે મહિલાને ઉલટી થતા ગાડી અધવચ્ચે ઉભી રખાવી હતી. દરમિયાન આ તકનો લાભ ઉઠાવી ધારાસભ્ય અને તેમના સાથી કાર્યકરોએ ગાડીની અંદર બેઠેલી તે મહિલાની પુત્રીને એકલી ભાળી આઈસ્ક્રીમ ખાવાના બહાને શારીરિક અડપલા કર્યા હતા.

- Advertisement -

સગીરા ગભરાઈ જતા તે રડતી તેની માતા પાસે ગાડીની બહાર દોડી આવી હતી અને જેસલમેર નથી જવું તેમ કહેતા ગાડી પાછી વળાવી હતી. જે બાદ બધા અમદાવાદ પરત આવી ગયા હતા. સગીરાએ તે વખતે મૌન સેવ્યું હતું. ઘરે પરત ફર્યા બાદ પીડિતાએ તેની માતાને પોતાની સાથે ધારાસભ્યએ કરેલા શારીરિક અડપલાની આપવીતી જણાવી હતી. આ બાબતે તકે મહિલા અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થતા ધારાસભ્ય વિરૂદ્ધ પીડિતાની માતાએ શારીરિક શોષણનો આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી ભાજપ સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. મહત્વની વાત છે કે ગુજરાતમાં ફરિયાદ નહીં નોંધાતા પીડિતાએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદને લઈ સાબરકાંઠાના ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન મહેશ પટેલે મહિલાના ઘરે જઈ માતા-પુત્રી બન્નેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેના કારણે ગત 5 માર્ચ 2022ના રોજ તેણીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કરતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા પીડિતાની માતાએ રાજસ્થાનના સિરોહી ડિસ્ટ્રીક્ટ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને ન્યાયની ગુહાર લગાવી હતી. જે બાબતોને ધ્યાનમાં લઈ સિરોહી કોર્ટે ધારાસભ્ય અને તેના ત્રણેય મિત્રો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો.

પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા ધરપકડના ડરથી ધારાસભ્યએ બચાવ અર્થે હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. ત્યારે આ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કેસમાં ગુનાની ગંભીરતા જોતા ધારાસભ્યની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. ત્યારે રાજસ્થાન પોલીસ હવે ગમે ત્યારે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ઉદયસિંહ પરમારની ધરપકડ કરી શકે છે તેવું અનુમાન લગાવાઈ રહ્યુ છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular