નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટમાં એક 20 વર્ષની યુવતીને ભગાડીને લઈ જવી એક આરોપીને ભારે પડી ગઈ છે. કારણ આરોપી અગાઉથી પરણીત હતો અને તે આ પ્રકારે બે વાર યુવતીને ભગાડી ગયો હતો. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દા પર એક દાખલો બેસે તેવો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં પોલીસને ગુમ થયેલી યુવતીને શોધવામાં થયેલો ખર્ચ અને યુવતીના માતા પિતાને પણ અમુક રકમ ચુકવવાનો આદેશ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટે રાજકોટના એક પિતાને પોતાની દીકરી ગત 2021ના જુન મહિનામાં ગુમ થયા પછી હેબિયસ કોપર્સ દાખલ કરવા મામલે સુનાવણી કરી હતી. કોર્ટે આ મામલે પોલીસને દીકરીને શોધી કોર્ટ સામે રજુ કરવાનું કહ્યું હતું. પોલીસની તપાસમાં આવ્યું કે આરોપી યુવક આ રીતે બે વાર યુવતીઓને ભગાડી ગયો હતો. કોર્ટ સામે પોલીસ જ્યારે આ બાબત લાવી ત્યારો કોર્ટ યુવકની આવી હરકતો સામે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે આ મામલે ઉદાહરણ બેસે તે રીતે આરોપી રૂ. 117500ની રકમ દંડ પેટે ચુકવવો પડશે તેવો આદેશ કર્યો છે જેમાંથી 50 ટકા રકમ રાજકોટ પોલીસ વેલ્ફેર ફંડમાં જમા કરવામાં આવશે અને બાકી રહેતી રકમ યુવતીના માતા-પિતાને ચુકવવાની છે.
કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું કે યુવતીને શોધવા માટે પોલીસે કરેલા પ્રયાસોની કોર્ટ નોંધ લે છે, યુવતીને શોધવામાં 7 મહિના 19 દિવસનો સમય લાગ્યો જેમાં પોલીસને 17,710 કલાક ખર્ચવાના થયા. જેથી પોલીસે કરેલા ખર્ચને કોર્ટ ગંભીરતાથી લઈ રહી છે. કોર્ટ સામે ગુમ થયેલી વ્યક્તિ હાજર થઈ અને તેણે માતા પિતા સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે પછી તેની કસ્ટડી માતાપિતાને સોંપી હતી. કોર્ટ સામે દીકરીના પિતાએ પોતાની દીકરીને શોધવા માટે રૂપિયા 8 લાખનો ખર્ચ કર્યો હોવાની રજૂઆત કરી હતી. જોકે કોર્ટે તેમને યોગ્ય ફોરમમમાં વળતર માટે દાવો કરવાની છૂટ આપી છે.








