સોનુ સોલંકી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાને સુવિધા આપવાના નામે અણઘડ રીતે આયોજનો કરીને પ્રજાને હેરાનગતિ થાય તેવા આયોજનો કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી વેજલપુરમાં જલતરંગ પોલીસ ચોકીથી લઈને બળિયાદેવના મંદિર સુધી AMC દ્વારા નવો રોડ બનવાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. આ રસ્તા ઉપર અનેક સોસાયટી આવેલી છે જેમાં રહેતા લોકોને રસ્તો ખોદાયેલો હોવાને કારણે આવવા-જવામાં મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જલતરંગ પોલીસ ચોકીથી બળિયાદેવ મંદિર જતો રસ્તો વેજલપુરથી જીવરાજ મહેતા ચાર રસ્તાને જોડતો મુખ્ય માર્ગ છે, જેના કારણે દરરોજ હજારોની સંખ્યામાં લોકો ઓફિસ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. રસ્તો બનતો હોવાના કારણે રોજ સવારે અને સાંજના સમયે મોટી સંખ્યામાં ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળે છે. આ ઉપરાત આ રસ્તાની આસપાસ રહેતા સ્થાનિકોને પણ બહાર આવવા જવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત આસપાસ રહેલી દુકાનદારોને હલકી ભોગવવી પડી રહી છે, રસ્તા ખોદેલા હોવાને કારણે ગ્રાહકો દુકાનમા કઈ વસ્તુ લેવા માટે આવતા નથી, છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે ધંધા રોજગાર ઠપ હતા ત્યારે હવે વેપારીઓને રસ્તાના કારણે હેરાન થવું પડી રહ્યું છે.
જાન્યુઆરી મહિનાના મધ્યમાં આ AMC દ્વારા વેજલપુરમાં PQCC મોડલનો આ રોડ બનાવવાનો શરૂ કરવામાં આવ્યું હતું, જે ત્રણ મહિના પછી પણ હજુ માત્ર ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે કોર્પોરેશન દ્વારા રોડ બનાવવામાં આવે છે ત્યારે રોડ બની ગયા બાદ થોડા સમયમાં પાઇપલાઇન નાખવા માટે ફરી રોડને ખોદીને મૂકી દેવામાં આવે છે જેના કારણે શહેરની પ્રજાને હેરાનગતિનો સામનો કરવો પડે છે, હવે આ વેજલપુરનો રોડ બનાવવામાં જ જો તંત્રને આટલો સમય લાગતો હોય તો બની ગયા પછી ફરી રોડ ખોદવામાં આવશે તો પ્રજાને કેટલું હેરાન થવું પડશે?
શહેરમાં અનેક જગ્યાએ કોર્પોરેશન દ્વારા આવી રીતે રોડની કામગીરી અલગ અલગ કોન્ટ્રાકટરોને આપવામાં આવે છે પણ પછી તેની દેખરેખ કોર્પોરેશન રાખતું નથી જેના કારણે સામન્ય પ્રજાને હેરાન થવું પડે છે. આ અંગે તંત્રએ ધ્યાન રાખવું જોઈએ અને પ્રજાની તકલીફનો કોઈ ઉપાય શોધવો જોઈએ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.