નવજીવન ન્યૂઝ. દાહોદ: ગુજરાતના દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે આજે સવારે લગભગ 1 વાગ્યે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. દિલ્હી-મુંબઈના મુખ્ય રેલવે ટ્રેક પર દુર્ઘટના બનતા અનેક ટ્રેનોને અસર પડી છે.
દાહોદ પાસે દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે ટ્રેક પર મંગલ મહુડી સ્ટેશન પાસે માલગાડીને અકસ્માત નડ્યો છે. કોઈ કારણસર માલગાડીના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. માલગાડીના 12થી વધારે ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. માલગાડીના અકસ્માતને પગલે મુંબઈ-દિલ્હી વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો છે. દુર્ઘટનાના કારણે 9 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવેના ડબ્બા પાટા પરથી ઉતરી જતાં વીજળીના કેબલમાં ભારે નુકસાન થયું છે. ઉપરાંત રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું છે. ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા છે.
માલગાડી રતલામ તરફથી આવી રહી હતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ કોઈ કારણસર પાછળથી 17થી 18 ડબ્બા એન્જિનથી છૂટા પડી ગયા હતા. ડબ્બાના વ્હીલ નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ ઢોળાય ગયો હતો. ઉપરાંત રેલવે લાઇનના કેબલ કેબલ તૂટી ગયો હતો. રેલવેના અધિકારીઓ હાલ કામ શરૂ કરી દીધું છે, બપોર સુધી કેબલ જોડવાથી લઈને ટ્રેક સરખો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ નુકશાનને જોતાં આ કામ લાંબુ ચાલે તેમ લાગી રહ્યું છે.








