નવજીવન ન્યૂઝ, અમદાવાદ : 5મી એપ્રિલથી ગુજરાતમાં શરૂ થનારી ઑનલાઈન વસતિ ગણતરી (Online Census) પાછી ઠેલવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હોવાથી વસતિ ગણતરીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. વસતિ ગણતરીના કાર્યક્રમની નવી તારીખ હજુ જાહેર કરાઈ નથી. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10 હજારથી વધુ બેઠકો માટે મતદાન થશે.
ગુજરાતમાં પહેલાં ઑનલાઈન વસતિ ગણતરી 5 એપ્રિલથી શરૂ થવાની હતી અને 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગ થવાનું હતું. દરમિયાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવતા સરકારે વસતિ ગણતરીનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે વસતિ ગણતરીની કામગીરીને અસર પહોંચે તેમ હોવાથી જનગણના વિભાગે આ કામગીરીને લંબાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. જે દરખાસ્તને સરકારે મંજૂરીની મ્હોર મારી છે.
દેશમાં વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે. જે આગામી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં ‘હાઉસ લિસ્ટિંગ’ એટલે કે મકાનોની ગણતરી થશે. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં આવશે. જેમાં લોકોને તેમની જાતિ પૂછવામાં આવશે. આઝાદી પછી પ્રથમવાર જાતિનો ડેટા એકત્રિત કરવામાં આવશે. આ પહેલાં વર્ષ 1931માં આવું થયું હતું. વસતિ ગણતરી દરમિયાન નાગરિકોને કુલ 33 પ્રશ્નો પૂછાશે. આ વસતિ ગણતરીમાં કયા પ્રકારના સવાલો પૂછવામાં આવશે તે અંગે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા. ગુજરાત સરકારે આ કાર્યક્રમને મોકૂફ રાખવાનું નોટિફિકેશન બહાર પાડતાં જ સમગ્ર ચર્ચા પર હાલ પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.
દેશમાં પહેલીવાર વસતિ ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી (Completely Digitally Census) થશે. કર્મચારીઓ મોબાઇલ એપથી ડેટા સીધા તેમના સ્માર્ટફોન પર એકત્રિત કરશે. પહેલાં વસતિ ગણતરીના આંકડા કાગળ પર નોંધવામાં આવતા હતા. મકાનોની ગણતરીમાં જિયો-રેફરન્સિંગ ટેકનિકનો ઉપયોગ થશે. દરેક ઘરનું લોકેશન ડિજિટલ મેપ પર નોંધવામાં આવશે. જેથી કોઇ મકાન છૂટી ન જાય અને કોઇની ફરીથી ગણતરી ન થાય.








