નવજીવન ન્યૂઝ. ભરૂચ: ગુજરાતનાં બોટાદમાં બે દિવસ અગાઉ કથિત રીતે લઠ્ઠાકાંડ થયો હોવાની માહિતી મળી રહી છે. આ કથિત લઠ્ઠાકાંડના કારણે અત્યાર સુધી 55 લોકોનું મૃત્યુ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે, ત્યારે આ સંભવિત લઠ્ઠાકાંડના સંદર્ભમાં સમગ્ર રાજ્યના પોલીસ અધિકારીઓ સતર્ક થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં IPSની બદલીમાં ભરૂચ SPનું પણ સાંભળનારા ડૉ. લીના પાટિલે ગઇકાલે તેમના તાબના જંબુસર વિસ્તારમાં એક જનસંપર્કનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં લોકોને દારૂ નિવારણ અંગે જાણકારી આપી હતી.
ગુજરાતમાં દારૂબંધીની હકીકતથી હવે કોઈ અજાણ નથી, પરંતુ એક અધિકારી કેટલા અંશે આ દારૂના વેચાણ પર પ્રતિબંધ રાખી શકે છે તે પણ સૌ જાણે છે. ભરૂચના SP ડૉ. લીના પાટિલે જંબુસરમાં એક જનસંપર્કમાં લોકોને કહ્યું કે, “તમારા વિસ્તારમાં દારુ અને જુગારની બદીની માહિતી હવે તમે સીધા ASP અથવા SPને આપો. તમારે કોઈના પણ ડરથી ચૂપ ન બેસી રહી દારૂ જુગારની માહિતી અમને આપો, અને અમે તેના પર ત્વરિત પગલાં ભરીશું.”
ઉલ્લેખનીય છે કે ડૉ લીના પાટિલે જ્યારથી ભરૂચ SPનો ચાર્જ સાંભળ્યો છે ત્યારથી જ તેમણે ભરૂચ જીલ્લામાં દારૂ અને જુગારની બદીને નાથવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. બોટાદમાં જે લોકોએ ઝેરી દારૂના કારણે પોતાના જીવ ગુમાવ્યા અને તેના કારણે તેમના પરિવારને જે યાતના સહન કરવી પડી તે અન્ય કોઈ જિલ્લામાં કે ગામમાં ન થાય તે અંગે દરેક રાજનેતા અને પોલીસ અધિકારીઓએ આવી રીતે દારૂના ગેરકાયદે ચાલતા આવા અડ્ડા બંધ કરાવવા જોઈએ.