Saturday, March 15, 2025
HomeGeneralગુજરાતમાં દારૂના બે નંબરના ધંધાની વર્ષની કમાણી 25 હજાર કરોડઃ કઈ રીતે...

ગુજરાતમાં દારૂના બે નંબરના ધંધાની વર્ષની કમાણી 25 હજાર કરોડઃ કઈ રીતે કોણ દારુના ધંધાને મંજુરી આપે છે

- Advertisement -

પ્રશાંત દયાળ (દારુબંધી- ભાગ-1): ગુજરાતની દારુબંધીની ચર્ચા આપણે અહિયા કરતા નથી કારણ 1960 પછી ગુજરાતે સ્વીકારેલી દારૂબંધીની સ્થિતિ કેવી છે તેની ગુજરાતના સામાન્ય લારી ચલાવતા માણસને પણ ખબર છે. આપણે અહિયા ગુજરાતમાં ચાલતા બે નંબરી દારૂના ધંધાની ચર્ચા કરવાના છીએ. ધંધો બે નંબરનો હોય છતાં તેની મંજુરી લેવી અનિવાર્ય છે. જો કે તેની મંજુરી માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી કારણ આ ધંધાની મંજુરી માટે પોલીસમાં એક વહિવટદારની મહત્વની ભૂમિકા છે જે તમારી મંજુરી વ્યવસ્થા અને કેટલા મંજુરી આપવી તેનો નિર્ણય કરે છે. ગુજરાતના પુર્વ આઈએએસ અધિકારી કે જી વણઝારાએ એક ટેલીવીઝન ડીબેટમાં આપેલા આંકડા પ્રમાણે ગુજરાત સરકારને નશાબંધીને કારણે વર્ષે 150 કરોડની આવક થાય છે પણ તેની સામે ગુજરાતમાં ચાલતા બે નંબરના દારૂના ધંધાની કમાણી 25,000 કરોડ છે. આ કમાણીનો હિસ્સો ક્યાં અને કેવી રીતે કોના સુધી પહોંચે છે તે એક અલગ મુદ્દો છે.

ગુજરાતમાં વિવિધ પ્રકારના ધંધા ચાલે છે તેવી જ રીતે ગુજરાતમાં દારૂનો પણ બે નંબરનો ધંધો ચાલે છે આ દારૂનો ધંધો શરૂ કરવા માટે કોણ કેવી રીતે મંજુરી આપે છે તેની વ્યવસ્થા સમજવા જેવી છે.

- Advertisement -

(1) ગુજરાતમાં જેમને દારૂનો ધંધો કરવો છે તેમને સૌથી પહેલા ગાંધીનગર પોલીસ ભવન જવુ પડે છે, જ્યાં સ્ટેટ મોનીટરીંગ સેલ આવેલો છે, જેને SMCના ટુંકા નામે ઓળખવમાં આવે છે. આ એજન્સીની દરોડો પાડવાની સત્તા રાજ્ય વ્યાપી છે આ એજન્સી રાજ્યના કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક પોલીસની મંજુરી વગર સીધો દરોડો પાડી શકે છે. જેના કારણે એસએમસીની મંજુરી ખુબ મહત્વની છે. જોકે હાલમાં એસએમસીમાં નિરજા ગોટરૂ, નિર્લીપ્ત રાય અને કે ટી કામરીયા જેવા અધિકારીના પોસ્ટીંગ હોવાને કારણે ત્યાં મંજુરી લેવા જવાની કોઈ હિંમત કરતુ નથી તેવી જાણકારી પણ છે. છતાં આ અધિકારીઓ કાયમ અહિયા રહેવાની નથી જેના કારણે જુની વ્યવસ્થા ફરી યથાવત રહેવાની છે.



(2) એસએમસીની મંજુરી મળે પછી જિલ્લામાં દારૂમાં દારૂનો ધંધો કરનારે લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવાનો રહે છે. કારણ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સેપક્ટર સીધા ડીએસપીના તાબામાં અને સંપર્કમાં હોવાને કારણે એલસીબીના ઈન્સપેક્ટરની મંજુરીને એસપીની મંજુરી માનવામાં આવે છે અને એલસીબીની મંજુરી મેળવવી અનિવાર્ય છે કારણ સમગ્ર જિલ્લામાં દરોડા પાડવાની સત્તા એલસીબી પાસે હોય છે. જ્યારે શહેરમાં ધંધો કરવો છે તો એસએમસીની મંજુરી પછી પોલીસ કમિશનરના સીધા તાબામાં આવતી પ્રીવેન્સ ક્રાઈમ બ્રાન્ચ જેને પીસીબી તરીકે ઓળખાય છે તેમની અને ડીટેકશન ક્રાઈમ બ્રાન્ચ જેને ડીસીબી તરીકે ઓળખાય છે તેમની મંજુરી લેવી અનિવાર્ય છે.

(3) એસએમસી અને ક્રાઈમ બ્રાન્ચની મંજુરી મળ્યા પછી સ્થાનિક પોલીસ ઈન્સપેક્ટરની મંજુરી લેવી પડે છે. મોટા ભાગે ઉપરની એજન્સીની મંજુરી હોય તો સ્થાનિક ઈન્સપેક્ટર રાજી થઈ મંજુરી આપે છે કારણ દરોડો પડવાનો ભય રહેતો નથી. સ્થાનિક ઈન્સપેક્ટર દારૂના ધંધાને મંજુરી આપતા પહેલા ગ્રામ્યમાં ડીવાયએસપી અને શહેરમાં એસીપી અને ડીસીપીના ધ્યાન ઉપર મંજુરીની મૌખીક જાણ કરે છે કારણ પ્રાઈમ એજન્સી મંજુરી આપે તો ઉપરી અધિકારીને મંજુરી આપવામાં વાંધો હોતો નથી.

(4) જિલ્લામાં આઈજીપી પાસે વિશેષ સત્તા છે જેમને રેંજ આઈજીપી તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં તેમની મંજુરી પણ જરૂરી હોય છે.

- Advertisement -

(5) જે દારૂના ધંધાની મંજુરી લેવા માગે છે, તેણે સંબંધીત અધિકારી સામે જાહેર કરવુ પડે છે કે કેટલી પેટીનો અથવા કેટલા લીટર દેશી દારૂનો ધંધો કરવાનો છે. જેના આધારે હપ્તો નક્કી થાય છે જેને પોલીસ ભરણ કહે છે. જો નક્કી કરેલી માત્રા કરતા વધુ દારૂનું વેચાણ થાય તો મંજુરી છતાં પોલીસ દરોડો પાડે છે અથવા હપ્તાની રકમ વધારવાની ફરજ પાડે છે.

(6) મંજુરી મળ્યા પછી જે દારૂનો અડ્ડો શરૂ થાય છે તેને પોલીસ જાહેર સ્ટેન્ડના નામે ઓળખે છે. આ જાહેર સ્ટેન્ડ ઉપર સ્થાનિક પોલીસ દરોડો પાડતી નથી. આમ છતાં પોલીસે પોતાની કામગીરી પણ બતાડવાની હોય છે, એટલે કેસ કરવા પણ અનિવાર્ય છે. પોલીસે જે બુટલેગરને દારૂનો ધંધો કરવાની મંજુરી આપી છે તેમને આગોતરી જાણ કરે છે કે અમારે કેસ કરવો છે. જેને માંગેલો કેસ કહેવામાં આવે છે. એટલે બુટલેગર બે પાંચ પેટી દારૂ સાથે પોતાના બે પંટરોને પોલીસને સોંપે છે અને પોલીસ તેમની ઉપર કેસ નોંધે છે.



(7) પોલીસ પાસે તો દરોડો પાડવાની સત્તા હોવાને કારણે પોલીસ હપ્તા લે છે, પરંતુ બુટલેગર માટે સ્થાનિક રાજનેતા અને સ્થાનિક પત્રકારોને પણ રાજી રાખવા પડે છે કારણ રાજનેતા અને પત્રકાર રાજી ના રહે તો પોલીસ અને બુટલેગરના નાકે દમ લાવી દે છે. મોટા ભાગે વહિવટદાર બધાને રાજી રાખવાની વ્યવસ્થા કરી આપે છે.

(8) પોલીસ વિભાગમાં વહિવટદાર જેવી કોઈ સરકારી વ્યવસ્થા નથી, પરંતુ ઈન્સપેક્ટરથી લઈ આઈપીએસ અધિકારીઓ પોતાના ખાસ માનીતા પોલીસવાળાને ખાસ પ્રકારની સત્તા આપી વહિવટ કરવાની મંજુરી આપે છે. કેટલાંક કિસ્સામાં ખાનગી વ્યકિતઓ પણ વહિવટ કરે છે. દારૂનો ધંધો કરનારે કોઈ અધિકારીને મળવાની જરૂર હોતી નથી. તેમણે સંબંધીત અધિકારીના વહિવટદારને મળવાનું હોય છે. જો કે ઘણા કિસ્સા એવા છે કે કેટલાક ચાલાક વહિવટદાર સાહેબ કરતા વધુ કમાણી કરતા હોય છે.

- Advertisement -

(ખાસ નોંધ: ગુજરાતમાં ચાલતી દારૂની પ્રવૃત્તીની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે તે દર્શાવવાનો પ્રયાસ છે ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ પ્રમાણિકપણે પોતાનું કામ કરે છે અને ધંધાની કમાણીથી પોતાને દુર રાખી શક્યા છે એટલે કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં એક સંજોગ છે કે અહિયા ઉલ્લેખ હોદ્દા અથવા કચેરીમાં તેઓ કાર્યરત છે પણ તેઓ ધંધામાં સામેલ જ છે તેવુ કોઈ વાચકે માની લેવુ નહીં)


Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular