નવજીવન ન્યૂઝ. અરવલ્લી: ગુજરાતમાં સામાન્ય રીતે ભાદરવા મહિનાની પુનમના દિવસે લોકો અંબાજી મંદિરે દર્શન કરવા પદયાત્રા કરીને જતાં હોય છે, પરંતુ આ પ્રકારે યાત્રીઓ જ્યારે પદયાત્રા કરીને કોઈ પણ જગ્યાએ જતાં હોય ત્યારે રસ્તા ઉપર અકસ્માત થવાની શંભાવના વધી જાય છે. ગત રાત્રિએ દાહોદ જિલ્લાના કેટકલ પદયાત્રીઓ દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને એક ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 6 લોકનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વલુડી ગામના લોકો ભાદરવી પૂનમે અંબાજી દર્શન કરવા રથ લઇને જઈ રહ્યા હતા. તે દરમિયાન આ યાત્રાળુઓને અરવલ્લી જિલ્લાના માલપુર નજીક એક અકસ્માત નડ્યો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલા યાત્રાળુઓને એક ઇનોવા કાર દ્વારા ટક્કર વાગી હતી. મળતી માહિતી મુજબ કાર ચાલક ગોથુ ખાઈ જતાં પદયાત્રીઓને અડફેટે લીધા હતા, જેમાં 6 લોકોનું મૃત્યુ થયું હતું અને અન્ય ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે માલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યારે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને આગળની તપસ શરૂ કરી છે.








