હિરલ ઠક્કર (નવજીવન ન્યૂઝ. અમદાવાદ:) અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે તાજેતરમાં જ 27 ઑગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અટલ ફુટ ઓવર બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેનો પહેલા નિ: શુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો, પરંતુ મુલાકાતીઓની ભીડને નિયંત્રિત કરવા પ્રવેશ ટીકિટ દર ઉંમરની કેટેગરી પ્રમાણે રુપિયા 15 થી 40 સુધીનો રાખવામાં આવ્યો હતો. જે નિર્ણયનો સોશિયલ મીડીયામાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આવો જ વધુ એક વિરોધ 36મી નેશનલ ગેમ્સના ભવ્ય ઉદ્વઘાટન સમારોહમાં ઉઠે તે પહેલાં જ વિરોધના સુરને ડામી દેવામાં આવ્યો છે.
અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29 સપ્ટેમ્બરે 36મી નેશનલ ગેમ્સનો ઉદ્વઘાટન સમારોહ યોજાવાનો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. આ સમારોહની પ્રવેશ ફી પહેલા 100 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પરંતુ પ્રવેશ ફીના દરનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયુવેગે ફરતો થાય છે અને આ મેસેજને લઈને કોઈ વિરોધ ન થાય તે માટે 100 રૂપિયા ફી લેવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે અને તેને બદલે હવે રજિસ્ટ્રેશન દ્વારા મફત પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય બદલવા પાછળનું કારણ આપતા નેશનલ ગેમ્સના આયોજકોએ કહ્યું કે, પ્રવેશ ફી એટલા માટે રાખવામાં આવી હતી કે, “અમદાવાદીઓને નેશનલ ગેમ્સમાં રસ છે કે નહીં? તે જાણી શકાય. જેના માટે ખાનગી કંપની સાથે કરાર કરીને ગણતરીની ટિકિટ જ રાખવામાં આવી હતી, પરંતુ વાયરલ મેસેજને પગલે કોર્પોરેશનની બસમાં જવા ઈચ્છતા લોકોમાં ગૂંચવાડો સર્જાયો હતો.”
ઉલ્લેખનીય છે કે, 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘઘાટન સમારોહમાં એક લાખ લોકોના આવવાનો અંદાજ છે. એક લાખ લોકોમાં ટીકીટ દરને લઈને વિવાદ ન સર્જાય તે બીકે મફત પ્રવેશનું ફુલેકું જાહેર કરી દેવામાં આવ્યું. હવે જ્યારે આ નિર્ણય રદ કરાયો છે ત્યારે મફત પ્રવેશના રજિસ્ટ્રેશન માટે લોકોએ નામ, મોબાઈલ નંબર, રહેણાક સરનામું લખવાનું રહેશે. જેના આધારે કોર્પોરેશને ફાળવેલી 800 બસમાં લોકોને લાવવા લઈ જવામાં સરળતા રહે.








