નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં અલગ અલગ સંગઠનોના આંદોલન ચાલી રહ્યા છે. તેવામાં આજે ગાંધીનગરમાં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. બાઈક પર આવેલા બે વ્યક્તિએ સાયકલ પર જઈ રહેલા સચિવાલયના ગૃહ વિભાગના પટાવાળા પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના કારણે સાયકલ પર સવાર વ્યક્તિનું મોત નિપજ્યું છે. સવારના સમયમાં ફાયરિંગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો એકત્રીત થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગરમાં સેક્ટર-10 પાસે આવેલી બિજ નિગમની કચેરી બહાર ફાયરિંગની ઘટના બની હતી. બાઈક પર આવેલા બે વ્યક્તિએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં સાયકલ પર જઈ રહેલા કિરણ મકવાણા નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. 35 વર્ષીય કિરણ મકવાણા ગાંધીનગરના ઈંદ્રોડાના ગામમાં રહે છે. જેમના પરિવારમાં એક પત્ની અને બે સંતાનો છે. મૃતક સચિવાલયના ગૃહ વિભાગમાં પટાવાળાની નોકરી છેલ્લા 13 વર્ષથી કરે છે.
આજે સવારે 10 વાગ્યાની આસપાસ કિરણ ઘરેથી નોકરી જવા માટે સાયકલ પર નીકળ્યા હતા. તે દરમિયાન બિજ નિગમની કચેરી પાસે તેમની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ બાયક સવાર ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ફાયરિંગ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. કિરણની હત્યા અંગત અદાવતના કારણે કરવામાં આવી છે કે અન્ય કોઈ કારણોથી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. કિરણના મોતના સમાચારથી પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. જ્યારે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.








