નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઓચિંતા અને આકસ્મિક મોતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ક્યારેક વાતો કરતાં કરતાં કોઈ યુવાન અચાનક ઢળી પડે છે, તો ક્યારેક ક્રિકેટ રમતા ખેલાડીનું મેદાન પર જ મૃત્યુ થઈ જાય છે. ગરબે રમતી યુવતી અચાનક બેહોશ થઈ જવાની ઘટનાઓ પણ હવે સામાન્ય બનતી જઈ રહી છે. આ વચ્ચે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના રિપોર્ટમાં ગુજરાતને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
રિપોર્ટ મુજબ ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન કુલ 23,934 લોકોના આકસ્મિક મૃત્યુ નોંધાયા છે. વર્ષ 2023માં આ આંકડો 23,015 હતો, એટલે કે એક વર્ષમાં આશરે 4 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં આકસ્મિક મૃત્યુ દર 5.1 ટકા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. કુદરતી આફતો, અકસ્માતો, હાર્ટ એટેક અને અન્ય અનેક કારણોસર હજારો પરિવારો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે.
ગુજરાતમાં સૌથી વધુ મોત રોડ અકસ્માતોમાં થયા છે. વર્ષ 2024 દરમિયાન કુલ 7,717 લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવી બેઠા હતા. તેમાં 6,632 પુરુષો અને 1,085 મહિલાઓનો સમાવેશ થાય છે. આ બાદ હાર્ટ એટેક મોતનું બીજું સૌથી મોટું કારણ બન્યું છે. રાજ્યમાં કુલ 3,253 લોકોના હાર્ટ એટેકથી મોત થયા હતા, જેમાં 2,810 પુરુષો અને 443 મહિલાઓનો સમાવેશ થાય છે.
ડૂબી જવાના બનાવોમાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. તળાવ, નદી, સરોવર અને ઘોધમાં ડૂબી જવાથી કુલ 1,999 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 3,336 લોકોના ઓચિંતાં મોત નોંધાયા હતા. આ ઉપરાંત 982 લોકોના વિજકરંટ લાગવાથી મોત થયા હતા. સાપ કરડવાથી 240 લોકોના મૃત્યુ નોંધાયા હતા.
રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે રાજ્યમાં 574 લોકોના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેમાં 502 પુરુષો અને 72 મહિલાઓનો સમાવેશ થાય છે. એટલે કે અનેક લોકોના મોત હજુ પણ રહસ્યમય બની રહ્યા છે.
રેલ્વે ટ્રેક અને ક્રોસિંગ દરમિયાન અકસ્માતોમાં કુલ 870 લોકોના જીવ ગયા હતા. આગ લાગવાની ઘટનાઓમાં 245 લોકોના મોત થયા હતા, જ્યારે ગેસ-સ્ટવ અકસ્માતમાં 148 લોકોના જીવ ગયા હતા. ફેક્ટરી અકસ્માતોમાં 52 લોકોના મોત નોંધાયા હતા.
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. વર્ષ 2024 દરમિયાન પૂર જેવી કુદરતી આફતોને કારણે 39 લોકોના મોત થયા હતા. વીજળી પડવાથી 62 લોકોના મૃત્યુ થયા હતા. મકાન અને બ્રિજ ધરાશાયી થતાં 118 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
રાજ્યમાં હવામાન સંબંધિત કારણોથી પણ મોતના બનાવો નોંધાયા છે. વધુ ઠંડીના કારણે 18 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે હીટસ્ટ્રોકના કારણે 15 લોકોના જીવ ગયા હતા.
આ ઉપરાંત પ્રાણીઓના હુમલામાં 77 લોકોના મોત નોંધાયા હતા. ગૂંગળામણથી 38 લોકોના મૃત્યુ થયા હતા. બોઈલર ફાટવાના બનાવોમાં 14 લોકોના જીવ ગયા હતા. ડ્રગ્સના ઓવરડોઝથી 15 લોકોના મોત થયા હતા, જ્યારે બોટ ડૂબી જવાના બનાવોમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્રસૂતિ દરમિયાન 63 મહિલાઓના મૃત્યુ નોંધાયા હતા.
NCRBના આ આંકડાઓ રાજ્ય માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રોડ અકસ્માત, હાર્ટ એટેક અને ઓચિંતા મોતના વધતા બનાવોએ આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.








