Monday, May 11, 2026
HomeGujaratવલસાડમાં ગરીબી અને લાચારીથી કંટાળેલા પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માગ કરી, કલેક્ટરને...

વલસાડમાં ગરીબી અને લાચારીથી કંટાળેલા પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વલસાડઃ વલસાડ જિલ્લાના અબ્રામા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક સંકટ, દિવ્યાંગ પુત્રીની સારવાર અને સતત વધી રહેલા માનસિક તણાવથી કંટાળેલા એક પરિવારે સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ની માંગ કરી છે. પરિવારે વલસાડ કલેક્ટરને પત્ર લખીને જીવનથી મુક્તિ માંગતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.

માહિતી મુજબ અબ્રામા વિસ્તારમાં જલારામ મંદિર પાસે રહેતા સુરેશભાઈ ગજાનન નાઈક અને તેમનો પરિવાર લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. પરિવારના વડા સુરેશભાઈએ જણાવ્યું છે કે તેમની દિવ્યાંગ પુત્રી અશ્વિનીની સારવાર, દવાઓ અને ઘરખર્ચનો ભાર હવે સહન કરવો મુશ્કેલ બની ગયો છે. સતત વધતી જતી આર્થિક ભીંસ અને માનસિક તણાવને કારણે પરિવાર સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો છે.

- Advertisement -

સુરેશભાઈએ પોતાની પત્ની ચિત્રાબહેન, પુત્ર મકરંદ અને પુત્રી સાથે સામૂહિક રીતે જીવન ટૂંકાવવાનો નિર્ણય લેવાની વાત પત્રમાં ઉલ્લેખી છે. તેમણે વલસાડ કલેક્ટરને સંબોધીને લખેલા પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ આ જીવનમાંથી મુક્તિ મેળવવા માંગે છે અને તેના માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા કરવા પણ તૈયાર છે.

આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરેશભાઈ હાલમાં ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે વધુ વાતચીત કરવાનો ઈનકાર કર્યો છે, જોકે તેમણે સોમવારે કલેક્ટરને રૂબરૂ મળી પોતાની પરિસ્થિતિ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે.

આ ઘટનાએ રાજ્યમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સરકારી યોજનાઓ અને સહાયની જાહેરાતો છતાં શું છેવાડાના લોકો સુધી વાસ્તવિક મદદ પહોંચી રહી નથી? શું આ પ્રકારના પગલાં તંત્રનું ધ્યાન ખેંચવા માટે લોકોનો અંતિમ પ્રયાસ બની રહ્યા છે? આવી ચર્ચાઓ હવે જિલ્લામાં જોર પકડવા લાગી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે ભારતીય કાયદા હેઠળ સક્રિય ‘ઈચ્છા મૃત્યુ’ને મંજૂરી આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે અમુક શરતો હેઠળ માત્ર ‘પેસિવ યુથનેશિયા’ને જ માન્યતા આપી છે. એટલે કે કોઈ વ્યક્તિને સક્રિય રીતે જીવન ટૂંકાવવાની કાયદાકીય પરવાનગી દેશમાં ઉપલબ્ધ નથી.

હવે સોમવારે પરિવાર અને કલેક્ટર વચ્ચે થનારી મુલાકાત પર સૌની નજર ટકેલી છે. વહીવટી તંત્ર આ પરિવારને સહાય અને રાહત આપે છે કે પછી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular