કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગોરખપુરના ગીતા પ્રેસને (Gita Press) ગાંધી શાંતિ પુરકાર-2021 સન્માન મળ્યું છે. આ સન્માન જાહેર થતાં જ તેના પર વિવાદ છેડાયો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા તો એવું નિવેદન આવ્યું છે કે, આ સાવરકર અને ગોડસેને સન્માનિત કરવા જેવું છે. વિવાદ થયો એટલે ગીતા પ્રેસના અતિતની માહિતી મીડિયામાં મૂકાઈ રહી છે. આ ઉપરાંત ગાંધી અને ગીતા પ્રેસના હોદ્દેદારોના સંબંધોની પણ ચર્ચા થઈ રહી છે. તેમજ નેહરુ અને આંબેડકર જેવાં આગેવાનો પણ ગીતા પ્રેસ વિશે શું માન્યતા ધરાવતા હતા તેના પણ ન્યૂઝ આવી રહ્યા છે. હાલમાં સો વર્ષનું થયેલું ગીતા પ્રેસ હિંદુ ધાર્મિક ગ્રંથોના પ્રકાશન માટે જાણીતું છે અને તેમનું મહિને આવતું સામયિક ‘કલ્યાણ’ પણ વધુ સર્ક્યુલેશન ધરાવતાં સામયિકોમાં સ્થાન પામે છે. અત્યાર સુધી ગીતા પ્રેસમાં 93 કરોડથી વધુ પુસ્તક છપાઈ ચૂક્યા છે. આમ, ગીતા પ્રેસની આસપાસ અનેક ઘટનાઓ અને વિવાદો આકાર લીધો છે અને જ્યારે હવે આ પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થયો છે ત્યારે ગીતા પ્રેસ વિશે કેટલીક અતિ અજાણી વિગતો સામે આવી રહી છે.
ગીતા પ્રેસના સો વર્ષ પૂર્ણ થવાના અનુલક્ષીને સાગરિકા કિસ્સૂનો ‘ધ પ્રિન્ટ’માં ગત્ મહિને એક લેખ પ્રકાશિત થયો છે. તેમાં સાગરિકાએ ગીતા પ્રેસ વિશેની કેટલીક વિગત મૂકી છે. તેમાં એક જગ્યાએ તેઓ ગીતા પ્રેસ વિશે ‘એક સનાતન ધર્મ પ્રકાશન’ એમ સંબોધીને લખે છે કે, “કલ્યાણ સામયિકોના પાનાંઓ પર પ્રતિબદ્ધતા સ્પષ્ટ હતી. જેમાં મહત્વના ઐતિહાસિક ફ્લેશપોઇન્ટ દરમિયાન અલગ-અલગ રાજકીય વલણ લીધું હતું. ઉદાહરણની રીતે જોઈએ તો 1920ના દાયકામાં જ્યારે હિંદુ રાષ્ટ્રવાદની વાત જોર પકડી રહી હતી અને રમખાણો થઈ રહ્યા હતા, ત્યારે સામયિકે હિંદુઓ વચ્ચે ‘શક્તિની એકતા’નું આહ્વાન કર્યું હતું.”
સામયિકના આરંભના અંકમાં સંપાદક હનુમાનપ્રસાદ પોદ્દારે રમખાણો વિશે સ્પષ્ટ રીતે મુસલમાનોને દોષી ઠેરવ્યા હતા. આવો જ ઉલ્લેખ અક્ષય મુકુલે(‘ગીતા પ્રેસ ઔર હિંદુ રાષ્ટ્ર કા નિર્માણ’) પોતાના પુસ્તકમાં કર્યો છે. ફેબ્રુઆરી 1947 વિભાજન અગાઉ કલ્યાણાના બે અંક ‘હિંદુ ક્યા કરે?’ અને ‘માલવીય અંક’ મથાળાથી આવ્યા હતા તે અંકો 153એ અંતર્ગત ‘કોમી અસંતોષ’ ફેલાવવાના કારણે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. વિભાજન પછી સામયિકમાં કોંગ્રેસ અને ગાંધીની ટીકાનો ઉલ્લેખ કરતાં લખાયું છે કે, “પાકિસ્તાનની રચના બાદ એક વધુ મુસ્લિમ દેશ બન્યો છે, પણ અહીંયા એક પણ હિંદુ દેશ નથી.” હિંદુ કોડ બિલ દરમિયાન તત્કાલિન કાયદામંત્રી બાબાસાહેબ આંબેડકર અને બિલ વિરુદ્ધ એક અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં વાચકોને એવો આગ્રહ કરવામાં આવ્યો કે, તેઓ બિલનો વિરોધ કરે. તે દરમિયાન આંબેડકરનું રાજીનામું માંગતો એક લેખ પ્રકાશિત થયો હતો અને વાચકોને વડા પ્રધાન જવાહરલાલ નહેરુને ‘પત્ર મોકલવાનું’ આહ્વાન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓના અધિકારની ગેરંટી આપનારા બિલને પાછું લેવા માટેની માંગ હતી.
અક્ષય મુકુલના પુસ્તક ‘ગીતા પ્રેસ ઔર હિંદુ રાષ્ટ્ર કા નિર્માણ’ મુજબ ‘કલ્યાણ’ના સ્થાપક ગોયેંકા સામયિકમાં આ પ્રકારે મહિલાઓ સંબંધિત લખ્યું હતું કે, ‘એક મહિલાને લગ્ન સુધી પોતાના પિતા સાથે રહેવાનું હોય છે, એક વિવાહીત મહિલાના રૂપમાં પતિ સાથે રહેવાનું આવે છે અને પતિના અવસાન પછી તે પોતાના દીકરા કે અન્ય સંબંધીઓ સાથે રહે છે. તે કોઈ પણ કિંમતે સ્વતંત્ર્ય ન થઈ શકે.’ ગીતા પ્રેસ સાથે જોડાયેલા પ્રોફેસર તિવારીનું પણ એવું જ માનવું હતું કે, ‘મહિલાઓને પારંપરિક ભૂમિકા સુધી જ સિમિત રાખવી જોઈએ, મહિલાઓને સ્વતંત્રતાનો મતલબ સમાજનો વિનાશ’ અને તેઓ આજે પણ પોતાના પુસ્તકોમાં મહિલાઓની પારંપરિક ભૂમિકાને પ્રોત્સાહન આપે છે. ગીતા પ્રેસમાંથી પ્રકાશિત પુસ્તકોમાં મહિલાઓને લઈને આ રીતે વિચારો સંકુચિત જોવા મળતા, તેના દાખલા ઘણાં છે.
આ ઉપરાંત ગીતા પ્રેસ સાથે સંબંધિત એક ઘટના એવી છે, જેના કારણે પણ તેમને મળેલા ગાંધી શાંતિ પુરસ્કાર પર પ્રશ્ન ઉઠે છે. આ વિગત ‘જનસત્તા’ના ન્યૂઝ પોર્ટલ પર અંકિત રાજ નામના લેખકે પોતાના લેખમાં મૂકી છે. જોકે તેઓનો સંદર્ભ તો અક્ષય મુકુલનું પુસ્તક જ છે. તેઓ લખે છે કે, “વર્ષ 1923માં બે મારવાડી વેપારી ગોયેંકા અને હનુમાન પ્રસાદ પોદ્દાર દ્વારા ગીતા પ્રેસ અને ‘કલ્યાણ’ સામયિકની સ્થાપના કરી હતી. 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીના બિરલા હાઉસમાં નથુરામ ગોડસેએ ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી હતી. અક્ષય મુકુલના પુસ્તક મુજબ ગાંધીજીની હત્યા પછી દેશમાં 25,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોદ્દાર અને ગોયેંકા પણ સામેલ હતા. ધરપકડ બાદ ગાંધીજીના મિત્ર અને પ્રશંસક ઘનશ્યામદાસ બિરલાએ સુધ્ધા પોદ્દાર અને ગોયેંકાની મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. અક્ષય મુકુલે લખ્યું છે કે, “જ્યારે સર બદ્રીદાસ ગોયેંકા ગીતા પ્રેસના સંસ્થાપક પોદ્દાર અને ગોયેંકાનો કેસ લડવા આવ્યા ત્યારે બિરલાએ તેનો પણ વિરોધ કર્યો. બિરલાની નજરમાં પોદ્દાર-ગોયેંકા બંને સનાતન ધર્મનો પ્રચાર નહોતા કરતા બલકે શૈતાન ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા.”
અક્ષય મુકુલના પુસ્તકમાં એ પણ વિગત છે કે ‘કલ્યાણ’ સામયિકે ગાંધી હત્યા પર ચુપકીદી સાધી લીધી હતી. ‘કલ્યાણ’ના ફેબ્રુઆરી અને માર્ચ 1948ના અંકમાં ગાંધીજીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જ્યારે ગાંધીજીના લેખન પર ‘કલ્યાણ’ હંમેશા નજર રાખતું હતું. સામયિકમાં તે વિશે ચર્ચા થતી. હનુમાન પ્રસાદ પોદ્દાર પહેલાં ગાંધીજીના નજીક હતા. જાહેર બાબતને ગીતા પ્રેસના કર્તાહર્તા પોદ્દાર અને ગાંધીજીના સંબંધોને ઝીણવટથી ન તપાસીએ પણ ગીતા પ્રેસ ગાંધી વિચારોથી સહમત હતું કે નહીં? તે વિશે વિચારીએ ત્યારે ગીતા પ્રેસ અનેક મુદ્દા પર ગાંધીજીના સામે છેડે દેખાતું હતું. જેમ કે, ગાંધીજીએ જીવનમાં અનેક વખત દલિતો માટે મંદિર પ્રવેશને લઈને સત્યાગ્રહ આદર્યો, પરંતુ ગીતા પ્રેસ આ બાબતે હંમેશા વિરોધ કરતું રહ્યું છે. કલ્યાણ સામયિકમાં એવા લેખ રજૂ થતાં જેમાં દલિતોને મંદિર પ્રવેશનો વિરોધ કરવામાં આવતો. ‘કલ્યાણ’ ગાંધીજીના પૂના પેક્ટના નિર્ણય પર પણ નારાજ હતું. અક્ષય મુકુલ એવું માને છે કે ગીતા પ્રેસ વર્ણ વ્યવસ્થાનું સમર્થક રહ્યું છે. કલ્યાણ દ્વારા પ્રથમ લોકસભાની ચૂંટણીમાં નેહરુ સામે ચૂંટણી લડનારા પ્રભુદત્ત બ્રહ્મચારીને મત આપવાની અપીલ કરી હતી. સાથે જ એક અંકમાં નેહરુને અધર્મી કહ્યા હતા.
આજે ગીતા પ્રેસને અગાઉ ન મળ્યું હોય તેવું આવરણ મળ્યું છે અને એટલે તેનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. અત્યાર સુધી ગીતા પ્રેસ અંગ્રેજી, ઉર્દૂ અને નેપાલી સહિત પંદર ભાષાઓમાં પુસ્તક પ્રકાશિત કરે છે. આ ઉપરાંત ગીતા પ્રેસના પુસ્તકો તેમના દેશ અને વિદેશના 20 પોતાના આઉટલેટ્સ અને અન્ય 2500 બુક સેલર્સ દ્વારા વેચાણ થાય છે. કોરોના દરમિયાન જ્યારે અન્ય પ્રકાશકોને અસ્તિત્વ ટકાવવા માટે ફાંફા પડી રહ્યા હતા, ત્યારે ગીતા પ્રેસ નફો રળી રહ્યું હતું. ગીતા પ્રેસના લાલમણી ત્રિપાઠીએ આપેલા આંકડા મુજબ વર્ષ 2022-23માં તેઓએ અઢી કરોડ પુસ્તકોનું વેચાણ કર્યું, જેની વેચાણ કુલ વેચાણ કિંમત 111 કરોડ જેટલી થાય છે. ગીતા પ્રેસ આટલું વેચાણ કરી શકે છે તેનું એક કારણ કે તેના પુસ્તકો ધાર્મિક છે અને સસ્તા પણ છે. બીજું કે તેઓ પોતાનું મટિરિયલ્સ સીધું જ ઉદ્યોગગૃહો પાસેથી ખરીદે છે. આ માટે તેઓ અનુદાન તો લેતા નથી, સાથે ક્યારેય ‘કલ્યાણ’ સામયિકમાં જાહેરાત પણ નથી આવતી. ગીતા પ્રેસના અનેક જમા પાસાં છે તેમ 2015માં આ પ્રેસ પોતાના કામદારોને ઓછા વેતન માટે સમાચારમાં ચમક્યું હતું. આ વિવાદ તે પછી શમી ગયો પરંતુ ગીતા પ્રેસનું ઘણા સમય સુધી કામ બંધ રહ્યું હતું.
ગીતા પ્રેસના અતિત વિશેની અનેક વાતો અક્ષય મુકુલના પુસ્તકમાં વાંચવા મળે છે. ગીતા પ્રેસ વિશે જેટલી વિગતો પ્રકાશમાં આવી છે તે વિગતોમાં ગાંધીનો સૂર તો દેખાતો નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








