ભારતમાં બંધ બજારે સોનું જીએસટી સાથે નવી ઐતિહાસિક ઉંચાઈએ રૂ. ૯૧,૫૦૦
તમારા પોર્ટફોલિયોમાં જો સોનાનું રોકાણ નાં હોય તો સમજીલો કે તમે તમારી જાત સાથે ચીટીંગ કરી છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): જગતભરમાં વધતી આર્થિક અનિશ્ચિતતા, ટ્રેડ વોર, અમેરિકન ફુગાવા વૃદ્ધી થકી વ્યાજદર ઘટાડવાનું દબાણ, આ બધા અહેવાલને ટેકે સોનાના (Gold) હાજર ભાવ અગાઉના તમામ વિક્રમો આંબીને શુક્રવારે એશિયન ટ્રેડીંગ સત્રમાં ૨૯૯૩.૯૦ ડોલર પ્રતિ ટ્રોય (ઔંસ ૩૧.૧૦૩૪૭ ગ્રામ) બોલાઈ, ૩૦૦૦ ડોલરને ચુંબન કરવા સુધી આગળ વધ્યો છે. સોનામાં સલામત રોકાણની માગમાં મોટો વધારો થયો છે. મજબુત અમેરિકન ડોલર (US Dollar) ઇન્ડેક્સ અને વધી રહેલા યુએસ બોન્ડ યીલ્ડ પણ ભાવને નવા વિક્રમ ભણી દોરી જતા અટકાવવામાં નિષ્ફળ ગયા હતા. ખાસ કરીને એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ, તેના પ્રથમ કરેકશનમાં તેની વિક્રમ ઊંચાઈએથી ૧૦ ટકા તુટ્યો તેની હુંફ સોનાને મળી હતી.
શુક્રવારે હોળી તહેવાર નિમિત્તે ભારતમાં બંધ બજારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ જીએસટી સાથે નવી ઐતિહાસિક ઉંચાઈએ રૂ. ૯૧,૫૦૦ બોલાયો હતો. માર્ચના આરંભથી શરુ થયેલી બીજા તબક્કાની તેજીમાં સતત બીજા અને વર્તમાન સપ્તાહે ભાવ ૨.૫ ટકા વધ્યા હતા. ૨૦ જાન્યુઆરીએ ટ્રમ્પએ સપથ લીધા બાદ સોનું ૧૦ ટકા ઉછળ્યું છે. ૨૦૨૫ની શરૂઆત, ૨૬૨૦ ડોલરથી થઇ ત્યાર પછી અત્યાર સુધીમાં ભાવ ૩૫૩ ડોલર વધ્યા છે. આ વર્ષે સોનાએ તબક્કાવાર ૧૨ વખત નવી ઊંચાઈ સર્જી છે. જો ગયા વરસથી અત્યાર સુધીનું વલણ જોઈએ તો ભાવ ૨૭ ટકા વધ્યા છે. વર્તમાન વર્ષે અત્યાર સુધીમાં ૧૪ ટકાનો ઉછાળો જોવાયો છે.
મેકયુરી સ્ટ્રેટેજીસ્ટનાં ત્રિમાસિક અનુમાન મુજબ, ભાવ ૩૫૦૦ ડોલરને આંબી જવાની શક્યતા સાથે, ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિકના સરેરાશ ભાવની આગાહી વધારીને ૩૧૫૦ ડોલર નિર્ધારિત કરી છે. જાન્યુઆરી ૧૯૮૦ના ક્રુડ ઓઇલના ભાવમાં આવેલા જબ્બર ઉછાળા સાથેનાં ફુગાવાને, જો વર્તમાન વિક્રમ ફુગાવા સાથે એડજસ્ટ કરીએ તો સોનાના વર્તમાન ભાવનું સ્તર ૩૫૦૫ ડોલર હોવું જોઈતું હતું. સોનામાં વર્તમાન તેજી લાંબી ચાલશે એવા અનુમાન પર, મેક્યુરીએ તેમની લાંબાગાળાની ભાવ સરેરાશ ૨૦૦૦ ડોલરથી વધારીને હવે ૨૫૦૦ ડોલર કરી છે. તેમની ૨૦૨૫ની, અગાઉની વાર્ષિક સરેરાશમાં ૧ ટકાના સુધારા સાથે હવે ૨૮૪૪ ડોલર મુક્યા છે. ૨૦૨૬ માટેની ભાવ સરેરાશ ૮ ટકા વધારીને ટ્રોય ઔંસ દીઠ ૩૧૧૧ ડોલર અંદાજી છે.
બજારના વ્યૂહરચનાકાર તો ત્યાં સુધી કહે છે કે સોનાની આવી જ તેજી જળવાઈ રહેશે, તેને આધારે ભાવ નવી નવી ઊંચાઈ સાથે વિક્રમો સર્જાશે. જો અને જ્યારે આપણે આવું વિચાતા હોઈએ ત્યારે સોનાની તેજીને કોઈ રોકી શકતું નથી. અને જો શુદ્ધ ભાષામાં કહીએ તો, જો તમારા પોર્ટફોલિયોમાં સોનાની ટકાવારી રોકાણ બિલકુલ નહિ હોય તો, સમજીલો કે એક રોકાણકાર તરીકે તમે તમારી જાત સાથે ચીટીંગ કરી છે. તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે, યુક્રેન વોર વિષે બજારમાં હજુ ખુબ બધી ચિંતાઓ છે. તેની સાથે જ સંઘર્ષ કરતા ડોલરને પણ જોતા રહેવાનું છે. આખા વિશ્વમાં ડેટ (દેવા)નાં મુદ્દે પણ ઘણી બધી સમસ્યાઓ સામે ઉભી છે.
સોના ભાવ માટે ગણતરી હવે સાવ સરળ થઇ ગઈ છે, ઉંચી જકાત, વ્યાપક અનિશ્ચિતતા, આ બધાનો સરવાળો ઊંચા ભાવે પણ સોનું ખરીદવામાં જોખમ નહિ જણાય. ફન્ડામેન્ટલ્સમાં કોઈ પણ પરિવર્તન આવે તેનો તુરંત પડઘો સોનાના ભાવમાં જોવા મળશે. ફુગાવાની ચિંતા, અને તેની પાછળ નબળા અર્થતંત્ર પડઘાશે જે સોનામાં આખરી હેજિંગ (સલામતી) મેળવવા રોકાણકાર, તુરંત અલ્ગોરીધામિક ગણતરીની ભૂમિકામાં આવી જશે. જેવા જોખમો ઓછા થશે કે તરતજ સરકારો અને નીતિ ઘડવૈયાઓ બાવડા તાણીને રિંગમાં ઉતરશે, આ બધું જોતા કહી શકાય કે સોનાની તેજી હજુ તેના ટાંગા પહોળા કરવાની સ્થિતિમાં છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








