નવજીવન ન્યૂઝ, ડેસ્ક : અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધવિરામ (Middle East Ceasefire) ની જાહેરાત બાદ શેરબજારની સાથે સાથે સોના-ચાંદીના બજાર (Gold and Silver Market) માં તેજીનો પવન ફૂંકાયો હતો. જ્યારે આજે સોના અને ચાંદીની કિંમતમાં કડાકો બોલ્યો છે.
બે અઠવાડિયાના યુદ્ધ વિરામના સમાચારે બુધવારે ભારતીય શેરબજાર (Indian Stock Market) માં તેજી લાવી હતી, પરંતુ આજે માર્કેટ 931 પોઈન્ટ નીચા મથાળે બંધ રહ્યું હતું. ગઈકાલે બુધવારે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 4 હજાર રૂપિયા વધીને 1.52 લાખ પર પહોંચ્યું હતું. જ્યારે ચાંદીમાં 13 હજાર રૂપિયા વધીને 2.44 લાખ પર પહોંચી ગઈ હતી. સોના અને ચાંદીની કિંમતમાં આજે ગુરુવારે મોટો કડાકો (Gold & Silver Price Drop) જોવા મળ્યો છે. જેમાં ચાંદી એકઝાટકે 8 હજાર રૂપિયા સસ્તી થઈ છે. જ્યારે સોનાની કિંમતમાં 1200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવમાં 1,184 રૂપિયાનો ઘટાડો થતાં કિંમત 1,49,937 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. ચાંદીનો ભાવ 7,883 ઘટીને 2,36,158 પ્રતિ કિલોગ્રામ થયો છે. જે અગાઉ 2,44,041 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. વાયદા બજારોમાં સોના અને ચાંદીમાં મિશ્ર વેપાર જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. જેમાં સોનું પ્રતિ ઔંસ 4,770 ડોલર પર અને ચાંદી 74 ડોલર પ્રતિ ઔંસ પર હતી.








