જાગતિક ઘઉ ઉત્પાદન ગતવર્ષના ૭૮૦૦ લાખ ટનથી ઘટીને ૭૭૬૦ લાખ ટન રહેવાનું અનુમાન
મે મહિનામાં ઘઉના ભાવ ૫.૬ ટકા અને છેલ્લા એક વર્ષમાં ૫૬.૭૧ ટકા વધ્યા: ફાઓ
૨૦૨૨-૨૩ની નવી રશિયન ઘઉ મોસમમાં નિકાસ લક્ષ્યાંક ૧૩ લાખ ટન વધારીને ૪૨૩ લાખ ટન
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): વિશ્વના ત્રીજા અને ચોથા નંબરના બે સૌથી મોટા નિકાસકાર દેશ અનુક્રમે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૧૦ દિવસથી ચાલતા યુધ્ધને પગલે આખા જગતની અનાજ સપ્લાય મુશ્કેલીમાં મુકાવા સાથે ખોરાકી ફુગાવો આસમાને ગયો છે. આ સપ્તાહે જીનેવામાં મળનાર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સમાં, જાગતિક અનાજ કરોડરજ્જુ તરીકે ભારત મુખ્ય ભુમિકામાં ઊભરી આવશે. ગયા મહિને ભારતે ઘઉ નિકાસ પર એકાએક નિયંત્રણ મૂક્યા પછી પોર્ટ પર ફસાયેલા પડેલા ૧૨ લાખ ટન ઘઉની રવાનગી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. ગત સાપ્તાહે યુનોની સંસ્થા ફાઓએ કહ્યું હતું કે મે મહિનામાં ઘઉના ભાવ ૫.૬ ટકા વધ્યા હતા, અને છેલ્લા એક વર્ષમાં ૫૬.૭૧ ટકા વધ્યા છે.
ઇન્ટરનેશનલ મેનિટરી ફંડ (આઈએમએફ)એ ભારત દ્વારા ઘઉ નિકાસના નિયંત્રણો હળવા કર્યા તેને આવકાર આપ્યો છે. અનાજ સલામતી માટે અત્યાવશ્યક એવા દેશો માટે ભારતે રદ્દ કરેલા નિકાસ શિપમેન્ટ સહિત, કેટલાંક દેશો પર મૂકેલા પ્રતિબંધો પણ ઉઠાવી લીધા, તેના માટે હર્ષ જાહેર કર્યો હતો. આઈએમએફ એ કહ્યું હતું કે અમે ભારત જ નહીં તમામ દેશોને અનાજ નિકાસ પ્રતિબંધ હટાવી લેવાનું આહ્વાન કરી છીએ.
ભારતના અનાજ પુરવઠા પ્રધાન પિયુષ ગોએલે કહ્યું હતું કે જો કોઇ વેપારી પાછલી મુદતની એલસી (લેટર ઓફ ક્રેડિટ)નો દુરુપયોગ કરીને પાછલે બારણે નિકાસ કરવાના પ્રયાસ કરશે તો તેમની સામે સખત પગલાં લેવામાં આવશે. ભારતથી ઘઉના લોટની નિકાસમાં એકાએક જબ્બર વધારો થયો છે. જૂનમાં પૂરી થતી ૨૦૨૧-૨૨ની ભારતીય ઘઉ મોસમમાં ઉત્પાદન ૧૧૧૩.૨ લાખ ટનના પૂર્વાનુમાંથી ૪.૪૧ ટકા ઘટાડીને નવો અંદાજ ૧૦૬૪.૧ લાખ ટન મૂકવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ની પરવાનગી નહીં હોવાથી, બાંગ્લાદેશ સરહદે ૫૦૦ વેગન ઘઉ એક મહિનાથી નિકાસ થયા વગર પડયા છે.
આ વર્ષે ભારતમાં માર્ચમાં વધુ પડતાં ગરમ તડકા પડતાં ઘઉ યીલ્ડ (ઊપજ)માં ૧૦થી ૪૫ ટકા જેવુ ગાબડું પડ્યું હતું. આ વર્ષે હેક્ટર દીઠ માત્ર ૪૩ ક્વિન્ટલ ઉતારો આવ્યો છે, આ અગાઉ ૨૦૧૫માં ૪૫.૮૩ ક્વિન્ટલ સૌથી ઓછો ઉતારો આવ્યો હતો. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ પર ઘઉ જૂન વાયદો શુક્રવારે (આજે) સતત ત્રીજા સત્રમાં વધીને ૧૦.૮૧ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૧૬ કિલો) મુકાયો હતો. જુલાઇ સોફ્ટ રેડ શિયાળુ ઘઉ ૧૦.૯૩ ડોલર બોલાયા હતા.
આજે (શુક્રવારે) મોડી સાંજે રજૂ થનાર અમેરિકન કૃષિ મંત્રાલયના વાસડે અહેવાલમાં શક્યતા એવી દાખવાય છે કે અમેરિકાનું ઘઉ વાવેતર માટેનું હવામાન અનુકૂળ રહેશે, અને રાશિયાનો પાક મોટો આવશે. પશ્ચિમ યુરોપના પાકને વરસાદની આવશ્યકતા છે, પૂર્વ યૂરોપમાં પાક સારી સ્થિતિમાં છે. અમેરિકન પાકનો અંદાજ, ગત મહિનાના ૧.૭૨૯ અબજ બુશેલથી ઘટીને હવે ૧.૨૭૨૬ અબજ બુશેલ આવવાની શક્યતા દાખવાશે.
ડાઉ જોન્સનો સર્વે કહે છે કે યુએસડીએ વૈશ્વિક વર્ષાન્ત ઘઉ સ્ટોક ૨૬૭૦.૨ લાખ ટનથી વધારીને ૨૬૭૬ લાખ ટન મૂકશે, આમ છતાં તે છેલ્લા છ વર્ષનો સૌથી ઓછો હશે, જ્યારે ઉત્પાદન, ગતવર્ષના ૭૮૦૦ લાખ ટનથી ઘટીને ૭૭૬૦ લાખ ટન રહેવાનું અનુમાન છે. મોસ્કો સ્થિત એકગ્રીકલ્ચર કન્સલટન્સી સોવેકોન કહે છે કે અમારો જુલાઇ-જૂન ૨૦૨૨-૨૩ની નવી મોસમમાં ઘઉ નિકાસ લક્ષ્યાંક ૧૩ લાખ ટન વધારીને ૪૨૩ લાખ ટન કરવામાં આવ્યો છે.
આર્જેન્ટિનામાં ઘઉ વાવેતરનું ચિત્ર છેલ્લા ૧૨ વર્ષમાં સૌથી ખરાબ ઉપસી રહ્યું છે. આર્જેન્ટિનામાં ૨૦૨૨-૨૩નો ઘઉ ઉત્પાદન અંદાજ, અગાઉના અનુમાન ૧૯૦ લાખ ટનથી પણ ઘટાડીને ૧૮૫ લાખ ટન કરવામાં આવ્યો છે, ગતવર્ષે ૨૩૦ લાખ ટન ઉત્પાદન આવ્યું હતું. જ્યારે ઑસ્ટ્રેલિયાનું ઉત્પાદન છેલ્લા ૧૦ વર્ષની સરેરાશ કરતાં ૨૨ ટકા વધુ ૩૦૩ લાખ ટન અંદાજાયું છે. અલબત્ત, આ ચોથા નંબરનું સૌથી વધુ ઉત્પાદન હશે. ૨૦૨૧-૨૨માં ઓલટાઈમ હાઇ ૩૬૩ લાખ ટન ઘઉ ઉત્પાદન આવ્યું હતું.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)