મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 5G ઇન્ટરનેટના જમાનામાં બુલેટ ટ્રેનની સ્પીડથી ચાલતી જિંદગી અચાનક અટકી જાય તો શું થાય! શ્વાસ ચાલુ હોય પણ જીવન થંભી ગયું હોય! વિચાર માત્ર કંપાવી દે તેવો છે. પણ સાબરમતી જેલમાં રહેલા ગણેશની જિંદગી તો 2002થી ત્યાં જ અટકી ગઈ છે.

વર્ષ 2002માં ગણેશ જેલમાં આવ્યો. વર્ષ 2012માં ગુજરાતની જેલોના વડા પી. સી. ઠાકુર (IPS)ની નજરે ગણેશમાં રહેલા હુનરને પારખી લીધું. ગણેશ માટીકામનો આર્ટિસ્ટ હતો. નાનપણથી તે માટીના રમકડાં રમવાને બદલે માટીને મૂર્તિનો આકાર આપતો. વ્યાવસાયિક રીતે પણ તે મૂર્તિ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો. જેલ પ્રશાસને ગણેશને મૂર્તિ બનાવવા જરૂરી માલ-સામાનની વ્યવસ્થા કરી આપી. અને પહેલા વર્ષે ગણેશે ગણપતિ દાદાની 85 મૂર્તિનું સર્જન કર્યું. એ મૂર્તિ એટલી બધી લોકપ્રિય બની કે, બીજા વર્ષથી ગણેશે અન્ય બંદીવાનોને ટ્રેનિંગ આપીને વધુ મૂર્તિઓનું સર્જન કર્યું. એમ કરતાં અત્યાર સુધીમાં લગભગ 50 જેટલા બંદીવાનો ગણેશ પાસેથી મૂર્તિ બનાવતા શીખ્યા અને ગણેશ તેઓનો ગુરુ બન્યો.

અત્યારે ગણેશ દશામા, ગણપતિ દાદા અને અન્ય ભગવાનની તથા આર્ટિસ્ટિક મૂર્તિઓ બનાવે છે. હાલ ગણેશ સાબરમતી જેલમાં છે. પણ દર સિઝનમાં પેરોલ રજા આવીને મૂર્તિઓનું સર્જન કરે છે. અને એ મૂર્તિ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અનેક પત્રકાર, IPS ઓફિસર્સ, પોલીસ અધિકારીઓ, જેલ સ્ટાફ ગણેશ પાસેથી મૂર્તિ ખરીદે છે. આજે ગણેશે ગુજરાતની જેલોના વડા ડૉ. કે.એલ.એન. રાવ (IPS)ને જાતે બનાવેલી ગણપતિની મૂર્તિ ભેટ આપીને ગણેશ ચતુર્થીની શુભેચ્છા આપી હતી. ડૉ. કે.એલ.એન. રાવે પણ ગણેશનો આભાર માનીને શુભેચ્છા આપતા કહ્યું હતું કે, “ઈશ્વર આપની બધી જ મનોકામના પૂર્ણ કરે. તમે જેલમાં રહીને પણ ઈશ્વરનું સર્જન કરો છો, એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે! આપણે સૌ કોઈ ને કોઈ કર્મના બંધનથી બંધાયેલા છીએ. ઈશ્વર તમને જલ્દી આઝાદ કરે એવી શુભેચ્છા. બસ આવું જ સારું કામ કરતા રહો.” આજીવન કેદની સજા ભોગવતા એક બંદીવાન અને ગુજરાત રાજ્યની તમામ જેલોના સર્વોચ્ચ અધિકારી વચ્ચે આનાથી વધારે સારો નાતો શું હોઈ શકે!








