Monday, September 9, 2024
HomeGujaratAhmedabad‘ગાંધી કા હત્યારા ગોડસે’ : ગાંધી હત્યા અંગેના તથ્યોની રજૂઆત

‘ગાંધી કા હત્યારા ગોડસે’ : ગાંધી હત્યા અંગેના તથ્યોની રજૂઆત

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):ગાંધીજીની હત્યા અંગે અનેક પુસ્તકો આવ્યા છે અને અહેવાલો લખાયા છે; તેમ છતાં ગાંધી (Mahatma Gandhi) હત્યા અંગેની અનેક કડીઓ આજે પણ મળતી નથી; અને તેની આસપાસના તથ્યોને હજુ પણ તપાસી શકાય તેવું સંશોધકોને લાગે છે. આ કારણે સંશોધકો તે વિષયને ફરી હાથમાં લે છે અને તેના તથ્યો તપાસી જુએ છે. હાલમાં ગાંધી હત્યા અંગે ધીરેન્દ્ર કે. ઝાનું ‘ગાંધી કે હત્યારે : નાથુરામ કી જિંદગી ઔર ઉસકે સપનોં કા ભારત’ નામનું પુસ્તક હિંદીમાં આવ્યું છે. આ પુસ્તક કેમ વાંચવું જોઈએ તે અંગે લેખક લખે છે કે, “આ પુસ્તકમાં પ્રથમ વાર મજબૂત સાક્ષીઓ અને પુરાવાના આધારે એ સાબિત કર્યું છે કે ગોડસે (Nathuram Godse) ક્યારેય આર.એસ.એસ.સાથે પોતાનો સંબંધ તોડ્યો નથી. ન તો તેને હિંદુ મહાસભા અને આર.એસ.એસ. સાથે કોઈ વિરોધ હતો. આર.એસ.એસ.ના સંસ્થાપક અને અન્ય મહત્વના નેતાઓ, હિંદુ મહાસભા સાથે તેના ઘનિષ્ઠ સંબંધ હતા. આ સંબંધમાં ક્યારેય ઓટ ન આવી નહોતી. ગોડસેને જે દિવસે ફાંસી થઈ તે દિવસે જ તેણે સંઘની પ્રાર્થનાની ચાર પંક્તિઓ વાંચી હતી.” લેખક ધીરેન્દ્ર કે. ઝા પોતાના લખાણ અંગે ઠોસ રીતે દાવા કરી રહ્યા છે અને તેમના દાવાને આધાર મળે તે ઉદ્દેશ્યથી તેમણે શરૂઆતમાં જ આ વાત મૂકી દીધી છે. તેમણે નાગપુરના તત્કાલિન ડિપ્ટી એસપી એન. પી. ઠાકુરનો અહેવાલ ટાંક્યો છે, જેમાં નથુરામ ગોડસેની ધરપકડ બાદ તેમણે આર.એસ.એસ.ના મુખ્યાલય પર તપાસ કરી હતી અને કેટલાંક દસ્તાવેજ મેળવ્યા હતા. આ દસ્તાવેજમાં સ્પષ્ટ થાય છે કે આર.એસ.એસ. અને ગોડસે વચ્ચે ગાઢ સંબંધ હતો.

godse book
godse book

ધીરેન્દ્ર કે. ઝા પુસ્તકમાં ગોડસે સંબંધિત મુદ્દાથી નથી અટકતાં, તેમણે અગાઉ લખાયેલા ઇતિહાસના એવાં સંદર્ભો પણ મૂકી આપ્યા છે, જેનાથી એવી માન્યતા પ્રસરી કે ગોડસે અને આર.એસ.એસ. વચ્ચે કોઈ જ સંબંધ નહોતો. આ બાબતે તેઓ મુખ્ય નામ ડી. વી. કેલકરનું લે છે. ડી. વી. કેલકરે 1950માં ‘ઇકોનોમિક વિકલી’ સામયિકના એક અંકમાં એવું લખ્યું હતું કે હિંદુ મહાસભા અને આર.એસ.એસ. બે અલગ-અલગ સંગઠન છે. એ લેખના માધ્યમથી વિનાયક દામોદર સાવરકરને ગાંધીજીની હત્યાના આરોપથી મુક્ત કરવાનો પ્રયત્ન પણ થયો હતો. એ રીતે ગાંધી હત્યા સંબંધે ભ્રામક વાત પ્રસવનારા બીજા લેખક-સંશોધક તરીકે જે. એ. ક્રાન છે – તેવું ધીરેન્દ્ર કે. ઝા માને છે. ઝા એવો દાવો પણ કરે છે કે જે. એન. ક્રાનનો સંબંધ અમેરિકાની ગુપ્તચર સંસ્થા ‘સીઆઈએ’ સાથે રહ્યો હતો. ધીરેન્દ્ર ઝા આમ ગાંધી હત્યાના અનેક પાસાંઓ વાચકો સમક્ષ મૂકી આપે છે.

- Advertisement -

આ પુસ્તકના અંશ કેટલાંક ન્યૂઝ પોર્ટલ પર મૂકાયા છે, તેમાંથી ગોડસેની પૂર્વભૂમિકા બાંધતા લેખક ધીરેન્દ્ર કે. ઝા 1930ના અરસાની વાત ટાંકતા લખે છે : “1930માં જ્યારે દેશ ઝડપથી બદલાઈ રહ્યો હતો ત્યારે પુના શહેરનો એક ભાગ ચિતપાવન પરંપરાવાદિઓના જ્વાળામુખી પર બેઠું હતું. બોમ્બે પ્રેસિન્ડસીનું એક શાંત શહેર, સદીઓના ગૌરવનું એક પ્રતિક રૂપે હતું અને એક રીતે મહારાષ્ટ્રની પારંપારિક અનઅધિકૃત રાજધાની પણ ખરું. 1818માં પેશવાઓ પાસેથી અંગ્રેજોએ આ વિસ્તાર લઈ તો લીધો, પરંતુ તે પહેલાં સો વર્ષ પૂર્વે પુના મરાઠા સામ્રાજ્યની રાજધાની હતી – જેનું રાજ્ય દિલ્લી સુધી વિસ્તરેલું હતું. આ રાજકીય વારસાના કારણે પૂના શહેર પોતાના ઇતિહાસ, સંસ્કૃતિ અને ઉચ્ચ ધોરણ સાથેનો માહોલ ઠરેલ જોવા મળતો. તે વખતે પૂરા દેશમાં આ પ્રકારનું હતાશ શહેર અને સાથે હિંદુ નવજાગ્રતિનો માહોલ પણ જ્યાં જોવા મળતો તેવું ક્યાંય નહોતું. પૂના શહેરમાંથી હતાશા દૂર કરવાની જિદ ત્યાં સ્થિત લોકોમાં હતી. અને તે કારણે પૂનાના એક વર્ગને હિંદુ ગૌરવ પુન સ્થપાય તે બાબતે એટલો વિશ્વાસ હતો કે હિંદુ સામ્રાજ્ય પાછું આવશે અને તેના કેન્દ્ર સ્થાને પુના શહેર હશે. પુના શહેરનું પાયામાં બ્રાહ્મણવાદી દૃષ્ટાંત હતું.” ધીરેન્દ્ર કે. ઝાના પુસ્તકમાં આ વિગત વિસ્તૃત રીતે આપી છે, જે અહીં ટૂંકાવીને આપી છે. આગળ તેઓ લખે છે : ‘1930ના દાયકામાં પુનામાં ગાંધી ટોપી કોંગ્રેસીઓ સામે કાળી ટોપી પહેરનારા પોતાને શ્રેષ્ઠ હિંદુ માનનારા જૂથો દેખાવા માંડ્યા. પુનામાં ગાંધીજીના વિરોધમાં એક આખો મોરચો ખુલ્યો હતો. આ શહેરમાં જ્યારે ગોડસે હાઇસ્કૂલના વિદ્યાર્થી તરીકે આવે છે અને 1929માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપે છે ત્યારે તેમાં તે નાપાસ થાય છે. અહીંથી તે પોતાના ઘરે પાછો ફરે છે. પરંતુ જ્યારે તે ફરી વાર પૂના આવે છે ત્યારે ગોડસે પોતે અને પૂના શહેર બદલાઈ ચૂક્યું છે. પછી તે એક સમર્પિત સ્વંયસેવક બની ચૂક્યો હતો અને તે પુનાના કટ્ટરવાદી હિંદુત્વના વર્તુળમાં જકડાયો હતો.’

ધીરેન્દ્ર કે. ઝાએ પુસ્તક તે વખતનો માહોલ પણ ઝિલ્યો છે અને ગાંધીજીની હત્યા કરવા સુધીની વાત કેવી રીતે આવી તેની પણ સિલસિલાવાર ઝીણીઝીણી માહિતી મૂકી આપી છે. તેઓ લખે છે કે, “પુના શહેરમાં અગાઉ મળેલી નિષ્ફળતા બાદ જ્યારે નાથુરામ ફરી અહીં આવે છે ત્યારે તે કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર નથી. પોતે દરજીનું કામ કરશે તેવું નક્કી કર્યા છતાં, તે પોતે કોઈ દુકાન ખોલીને બિઝનેસ કરવાનું સાહસ કરતો નથી. બલકે તે એક સ્થાનિક આર.એસ.એસ. કાર્યકર્તા વિષ્ણુપંત અનગલની દુકાનમાં જોડાય છે. આ દુકાનમાં આર.એસ.એસ.ના સ્વયંસેવક પોતાના યુનિફોર્મ સિવડાવવા આવતા હતા, તેથી અહીંયા જ અન્ય લોકો સાથે તેની ઓળખાણ થતી ગઈ. આ રીતે તેણે થોડા વખત સુધી દરજી કામ કર્યું, પરંતુ જ્યારે સાવરકર પરના પ્રતિબંધ હળવા થયા, પછી ગોડસેનો દરજીકામમાંથી રસ ઊડતો ગયો.”

ગાંધીજીની હત્યાના આરોપી નથૂરામ ગોડસે, નારાયણ આપટે અને વિનાયક સાવરકરને પણ વકીલની મદદ લેવા અંગે છૂટ આપવામાં આવી હતી. જૂન 1948થી નવેમ્બર 1948 સુધી વિશેષ ન્યાયાલયમાં કુલ 149 સાક્ષીઓએ નિવેદન આપ્યા હતા. ફરિયાદી પક્ષ દ્વારા 404 દસ્તાવેજ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં 10, ફેબ્રુઆરી 1949ના રોજ વિશેષ ન્યાયાલય દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો હતો. ન્યાયાધિશ આત્માચણએ નાથૂરામ ગોડસે સહિત નારાયણ આપટે અને અન્ય પાંચ વ્યક્તિઓને દોષી ગણ્યા હતા. ગોડસે અને આપટેને ફાંસી સજા આપવામાં આવી હતી. જ્યારે સાવરકર મુક્ત કરવામાં આવ્યા હતા. તે પછી પંજાબ હાઇકોર્ટમાં ગોડસે અને અન્યોની ચૂકાદા વિરુદ્ધની અરજીની સુનાવણી ત્રણ ન્યાયાધીશના બેંચ દ્વારા થઈ હતી. તેમાં એક ન્યાયાધીશ જી. ડી. ખોસલા હતા અને તે વખતે ફરિયાદી પક્ષ દ્વારા સૌથી મજબૂત સાક્ષી બન્યો દિગંબર બડગે. ગાંધી હત્યામાં સામેલ એકેએક વ્યક્તિના મનોવિજ્ઞાન અંગે ધીરેન્દ્ર કે. ઝાએ વિગતે અભ્યાસ કર્યો છે. બડગે શસ્ત્રો પાડનાર વ્યક્તિ હતો, જ્યારે નારાયણ આપટે ઝીણા અને હૈદરાબાદના નિઝામનું નુકસાન કરવાને લઈને અનેક લોકો પાસેથી પૈસા પડાવતો હતો. ધીરેન્દ્ર કે. ઝા અહીં જે વાત મૂકી રહ્યા છે, તે પ્રકાશમાં જ આવી નથી આવી, તેવુંય નથી. અનેક ઇતિહાસકારોએ આ અંગે કાર્ય કર્યું છે, પરંતુ ઇતિહાસમાં સમય જતાં બીજા તથ્યો ઉમેરાય છે; ત્યારે ઘટનાને અલગ રીતે જોવી રહી. ગાંધી હત્યા કેસમાં ધીરેન્દ્ર કે. ઝાએ અલગ-અલગ તથ્યો એક સ્થાને મૂકીને ઘટનાને મૂલવી છે. જોકે તેમ છતાં હજુ પણ કેટલાંક પ્રશ્નો આ પુસ્તકમાં ચર્ચાયા નથી. જેમ કે, 20 જાન્યુઆરી 1948ના રોજ હત્યાનું કાવતરું નિષ્ફળ થયું, અને તેના દસ દિવસ બાદ જ ગોડસે અને તેના સાથીઓ કેવી રીતે સફળ થયા? સરકારી ગુપ્તચર વિભાગની આ નિષ્ફળતાનું કારણ શું? 20 જાન્યુઆરી પછી ગોડસે અને આપટે, સાવરકરને મળ્યા હતા કે નહીં? તત્કાલિન કેન્દ્ર સરકાર સાવરકરના વિરુદ્ધ ફરી અપીલ કરવાનું કેમ ટાળ્યું? આવાં પ્રશ્નો હજુય આ પુસ્તકમાં ઉમેરવા જોઈએ. જોકે તેમ છતાં આ પુસ્તક ગાંધી હત્યા અંગેની ઘણી બાબતો સ્પષ્ટ કરી આપે છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular