Friday, May 1, 2026
HomeGeneral1993માં સુરતમાં પહેલો જાન્યુઆરીમાં'ને બીજો એપ્રિલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, 15 વર્ષે...

1993માં સુરતમાં પહેલો જાન્યુઆરીમાં’ને બીજો એપ્રિલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, 15 વર્ષે ચૂકાદોઃ 7ને આજીવન કેદ, 8ને દસ વર્ષની સજા

- Advertisement -

હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ.સુરત): 1993માં સુરતમાં બોમ્બ બ્લાસ્ટ (1993 Surat Bomb Blast) થયાની ઘટનાની વિગતો તરફ દૃષ્ટિપાત કરીએ તો ચાર મહિનાના અંતરે બે બ્લાસ્ટ કર્યા હતા. પહેલો બોમ્બ બ્લાસ્ટ 28મી જાન્યુઆરી 1993ના રોજ વરાછાના મિનિ બજાર વિસ્તારમાં ને બીજો બોમ્બ બ્લાસ્ટ 22 એપ્રિલ 1993ના રોજ રેલ-વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 4 પર થયો હતો. આ કેસનો ચૂકાદો 15 વર્ષે એટલે કે 2008ના વર્ષમાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા મોહંમદ સુરતી સહિત સાતને આજીવન કેદ અને આઠ આરોપીને દસ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી હતી.



આ રીતે ઘડાયો પ્લાન

બાબરી ધ્વંસ પછીના સમયગાળામાં મુસ્લિમો માટે રાહત છાવણી શરૂ કરાઈ તેમાં મુસ્લિમ આગેવાનો અવારનવાર ભેગા થતા હતા. જેમાં મુસ્લિમોને થયેલા નુકસાનનો બદલો લેવાનો કારસો ઘડાયો. એ સાથે જ દાઉદના સંપર્ક તાજા કરાયા. દુબઈ ફોન થયા. ત્યાંથી અમદાવાદના ડોન લતિફનો સંપર્ક કરવાની સૂચના મળી. એ સાથે જ એક ટુકડી અમદાવાદ થઈ બોમ્બ, આધુનિક હથિયારો લેવા પહોંચી ગઈ.

- Advertisement -

પ્રધાનની ગાડીના પાઇલોટિંગ સાથે બોમ્બ પહોંચ્યા સુરત

તે વખતે કોંગ્રેસની સરકારમાં પ્રધાનપદું ભોગવતા મોહંમદ સુરતની સરકારી ગાડીનું પાઇલોટિંગ પૂરું પાડવામાં આવ્યું ને એ કારની પાછળ બોમ્બ, આધુનિક હથિયારો સાથેની કાર એ રીતે બોમ્બ અમદાવાદથી સુરત પહોંચ્યા હતા. જે લેવા માટે ઇકબાલ વાડીવાલા અને હુશેન ઘડિયાલી મારુતિવાનમાં અમદાવાદ ગયા હતા. જેમાં 10 બોમ્બ અને સંખ્યાબંધ આધુનિક હથિયારો છૂપાવવા માટે ચોર ખાનું પણ બનાવવામાં આવ્યું હતું.

- Advertisement -

પૂર્વ પ્રધાન સહિત સાતને આજીવન કેદ

1993થી લઈ 2008 સુધી કોર્ટની કાર્યવાહી ચાલી. જેમાં 225 જેટલા સાક્ષીઓને તપાસાયા હતા. ઢગલા મોઢે પુરાવા રજૂ કર્યા. જેનું પરિણામ એ આવ્યું કે તા. 4 ઓક્ટોબર 2008ના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ એન્ડ શેસન્સ જડ્જ આર.પી. ઢોલરિયાએ ચૂકાદો જાહેર કર્યો હતો. જેમાં કોંગ્રેસની સરકારની પ્રધાન મોહંમદ સુરતી સહિત હુશેન ઘડિયાળી, સલીમ ચાવલ, મુસ્તાક પટેલ, અહેસાન પટેલ, યુસુફ દાદુ અને ઇકબાલ વાડીવાલાનો સમાવેશ થાય છે. જ્યારે અઝીઝ ઇબ્રાહીમ પટેલ, બાબા અબ્દુલ લતિફ, અલીમોહંમદ શેખ, ફઝલ દાઉદ નાગોરી, મહેબુબ ઉર્ફે બાબા, ઇબ્રાહીમ માસ્ટર, અબ્દુલ સઇદ નાવડીવાલા અને એઝાઝ આલમ પટેલને દસ દસ વર્ષની કેદનો સમાવેશ થાય છે.



આ પોલીસ અધિકારીઓની મહેનત રંગ લાવી

સુરત પોલીસમાં રેન્જ-ટુ તરીકે ફરજ બજાવતા સુધીર સિન્હા અને ડીસીપી પ્રવીણ સિન્હાના માર્ગદર્શન તળે પોલીસ સબ ઈન્સ્પેક્ટર જી.વી. દેસાઈ, આર.એચ. હડિયા, કે.સી. પરમાર અને દસ ચુનંદા કર્મચારીના એક્શન ગ્રુપે આરોપીને પકડવાથી માંડી પુરાવા એકત્ર કરવામાં કરેલી મહેનત રંગ લાવી હતી.

- Advertisement -

હજુ પણ પાંચ ગુનેગારો વોન્ટેડ જ છે

આ કેસમાં 1993થી પાંચ ગુનેગારોને વોન્ટેડ દર્શાવાય હતા. તે પાંચેય આજે પણ વોન્ટેડ જ છે. જેમાં ફારુક મોહંમદ સુરતી, સલીમલાલા ઉર્ફે સલીમ અબ્દુલ હમીદ લાલા, ગજનો ઉર્ફે ગજનવી મોહંમદ ગજનુરઅલી ગુલાબ બેતવાલા, ટાઇગર ઉર્ફે મોહંમદ હનીફ ઉમરજી પટેલ અને રશુલ પાર્ટી ઉર્ફે રશુલખાન યાકૂબખાન પઠાણનો સમાવેશ થાય છે. જે તમામ વિદેશ ભાગી છૂટ્યા હોવાથી આજે પણ વોન્ટેડ છે.

પ્રકાશ સોનવણેએ 38 વર્ષની નોકરીમાંથી 24 વર્ષ બોમ્બ બ્લાસ્ટની તપાસમાં વીતાવ્યા

1993ના વર્ષમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીના માર્ગદર્શન તળે જે ટીમે કામગીરી કરી હતી તેમાં એક કર્મચારી હતા પ્રકાશ ભાગવત સોનવણે. જેમણે આ ગુનાની તપાસમાં 15 વર્ષ સુધી સતત એકધારી ફરજ બજાવી. ત્યાર બાદ બેંક ઊઠી જવાની તપાસ કરી ને ત્યાર બાદ 2008માં સુરતમાંથી 29 જીવતા બોમ્બ મળ્યા તે કેસમાં ફરજ બજાવી. 2017ના વર્ષમાં પ્રકાશ સોનવણે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા. ત્યા સુધી એટલે કે 9 વર્ષ સુધી 2008ના બોમ્બકાંડની તપાસ કરી. આમ, 38 વર્ષની નોકરીમાંથી 24 વર્ષ તેમણે બોમ્બકાંડની તપાસમાં વીતાવ્યાં છે. નિવૃત્ત થયા પછી પણ એટલે કે 2017થી 2022 સુધી માનદ્ સેવા આપી હતી. બોમ્બ બ્લાસ્ટના ચૂકાદા બાદ તેમણે બન્ને ઘટનાને યાદ કરી પોતાની જિંદગીનો આનંદ વ્યક્ત કર્યો હતો. ઉપરોક્ત તમામ આરોપીઓએ બાદમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો જેમાં કોર્ટે પછીથી તેમને મુક્ત કર્યા હતા.




લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular