નવજીવન ન્યૂઝ, ડેસ્ક : ઉત્તરપ્રદેશના જાલૌન જનપદના કાલપી કોતવાલી વિસ્તારમાં આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત (Fatal accident in UP) સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત (6 killed in road accident) નિપજ્યા છે. જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લલિતપુર જનપદના મહરૌનીના રહેવાસી શશિકાંત તિવારી પરિવાર સાથે અયોધ્યા દર્શન (Ayodhya Darshan) કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ તિવારી પરિવાર કારથી પરત ફરી રહ્યો હતો. ત્યારે સવારે છએક વાગે કાલપી વિસ્તારના જોલ્હુપુર વળાંક પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર સામેથી આવતા વાહન સાથે ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના સ્થળ પર અને બેના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે કારમાં સવાર અન્ય 4 લોકોને હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.








