નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજ્યમાં હાલ ઉનાળનો સમય ચાલી રહ્યો છે. તેવામાં અનેક જગ્યાઓ પર લોકોને પીવાના પાણી અને ખેતીના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતી સર્જાયી છે. તેવામાં હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસુ ગત વર્ષની સરખામણીમાં નબળુ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવી પરિસ્થિતીમાં પાણીની સમસ્યા ન સર્જાયા તે માટે રાજ્ય સરકારે ભારદ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાદર ડેમમાંથી 45 ગામના 4200 ખેડુતોને પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાપ્ત વિગતો મૂજબ, રાજ્યમાં ગત વર્ષે ખૂબ સારા વરસાદને પગલે ભાદર ડેમ ચોમાસામાં અનેકવાર ઓવરફલો થયો હતો. જેને કારણે ડેમમાં ઉનાળો પૂરો થવા આવ્યો છતાં ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી સિંચાઈ વિભાગ દ્વારા ઓવરણ પાક માટે પણ પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે ઓવરણ પાક માટે ભાદર કેનાલમાં પાણી છોડાયું હતું. ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાજકોટ અને જૂનાગઢ એમ બે જિલ્લાઓના 45 ગામોની 4500 સો.હેકટર જેટલી ખેતીની જમીનને પ્રી ખરીફ પાકના પિયત માટે આજે ભાદર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું.
45 ગામોના 4200 જેટલાં ખેડૂતોએ પ્રી ખરીફ માટે ફોર્મ ભરતા તેઓ કેનાલમાંથી પાણીનો લાભ મેળવી શકશે અને હજુ પણ જે ખેડૂતો કેનાલનું પાણી મેળવવા ઈચ્છતા હોય તે ફોર્મ ભરી શકે છે. ડેમમાં હાલ 18.90 ફૂટ જેટલી પાણીની સપાટી ધરાવવા સાથે કુલ 16.90 MCFT ફૂટ પાણીનો જથ્થો રહ્યો છે. જેમાંથી ભાદર સિંચાઈ વિભાગ દ્વારા 1000 MCFT પાણીનો જથ્થો પ્રી ખરીફ પાકના સિંચાઈ માટે આપવામાં આવશે. જેનાથી પાકને બે વાર પાણી મળી રહેશે અને સિંચાઈ માટે પાણી આપ્યા બાદ પણ જેતપુર, રાજકોટ, વીરપુર, અમરનગર જૂથ યોજના અને ખોડલધામને 31 ઓગષ્ટ સુધી પીવાનું પાણી મળી રહે તેટલો પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે.








