નવજીવન ન્યૂઝ. દિલ્હી: ગુજરાતનાં રમખાણો પર બનાવેલી ડોકયુમેન્ટ્રી બાદ બીબીસી(BBC) સરકારના નિશાના પર આવી ચૂક્યું છે. પહેલાં બીબીસી પર આવકવેરાની તપાસ થઈ અને હવે દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) નોટિસ પાઠવી છે. વિશ્વમાં ગણમાન્ય કહેવાતી ‘બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન'(બીબીસી) દ્વારા ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન‘ નામની ડોક્યુમેન્ટરી રીલીઝ થયા બાદ ગુજરાત સ્થિત ‘જસ્ટિસ ઑન ટ્રાયલ’ નામની એનજીઓ દ્વારા બીબીસી પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એનજીઓ દાખલ કરેલી અરજીમાં એમ કહેવામાં આવ્યું હતું કે, ડોક્યુમેન્ટરીથી દેશની છબિ ખરડાઈ છે. આ ઉપરાંત દેશના વડા પ્રધાન અને ન્યાયક્ષેત્રની છબિને પણ નુકસાન થયું છે.
દિલ્હી હાઇકોર્ટમાં એનજીઓ ‘જસ્ટિસ ઑન ટ્રાયલ’ વતી વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ રજૂઆત કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, ડોક્યુમેન્ટરીથી દેશની પૂરી વ્યવસ્થા, બંધારણીય માળખું અને દેશની ન્યાયિક વ્યવસ્થાની છબિને નુકસાન પહોંચ્યું છે. વકીલ હરિશ સાલ્વેની રજૂઆતથી ન્યાયાધિશ સચિન દત્તાએ બીબીસી સામે નોટિસ કાઢી છે અને પૂરા કેસની સુનાવણી સપ્ટેમ્બરમાં થશે તેમ પણ કહ્યું છે.
બીબીસીની ડોક્યુમેન્ટરી રિલીઝ થઈ હતી, ત્યારે તેના પ્રતિબંધ લાવવા માટે આ અગાઉ સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. જોકે સુપ્રિમ કોર્ટે અરજીને ‘સંપૂર્ણ ખોટીધારણા’ ગણાવી કાઢી નાંખી હતી. સુપ્રિમ કોર્ટની બેંચના ન્યાયાધિશ સંજીવ ખન્ના અને એમ. એમ. સુન્દ્રેશે હિંદુ સેના વતી બીરેન્દ્રકુમાર સિંઘની જાહેર હિતની અરજી બિલકુલ અયોગ્ય ગણાવીને કાઢી નાંખી હતી.
આ પછી પણ બીબીસીના દિલ્હી અને મુંબઈની ઓફિસમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા અને તેનો વિવાદ થતાં આવકવેરા વિભાગે તેને ‘સરવે’ની પ્રક્રિયા ગણાવી હતી. ડોક્યુમેન્ટરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2002ના રમખાણોની ભૂમિકાની ચર્ચા છે. આ ઉપરાંત તેમાં બ્રિટનના પૂર્વ વિદેશ મંત્રીનું અપ્રકાશિત નિવેદન પણ છે, જેમાં તેઓ રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીના પગલાં પર પ્રશ્ન ઊભા કરી રહ્યા છે.
બીબીસીની ડોક્યુમેન્ટરી રીલીઝ થયા બાદ કેન્દ્ર સરકાર તેની ટીકા કરતી રહી છે અને ડોક્યુમેન્ટરીને ‘કોલોનિયલ માઇન્ડસેટ’ ગણાવી, ડોક્યુમેન્ટરી યૂટ્યુબ સહિત અન્ય તમામ પ્લેટફોર્મ પરથી ઉતારી લેવાનો આદેશ કર્યો હતો. સરકારનું કહેવું હતું કે ડોક્યુમેન્ટરીમાં ખોટા નિવેદન કરવામાં આવ્યાં છે અને સુપ્રિમ કોર્ટે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી દીધી છે.
‘જસ્ટિસ ઑન ટ્રાયલ’ નામની એનજીઓ અમદાવાદ સ્થિત છે અને ટ્રસ્ટીઓમાં ન્યાયાધિશ એસ. એમ. સોની જે રાજ્યના પૂર્વ લોકાયુક્ત પણ રહી ચૂક્યા છે. ડૉ. વી. એન. શાહ, ઉદ્યોગસાહસિક કલ્પેશ પટેલ, સી.એ. પ્રદિપ પટેલ અને રાઇચંદ લુનિયા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796