નવજીવન.વડોદરાઃ 31 ડિસેમ્બરની રાત્રે દારૂ પીને ફરવા નીકળેલા વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ નં.14ના ભાજપાના મહિલા કાઉન્સિલર જેલમબહેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસીને સીટી પોલીસે ઝડપી પાડ્યો હતો. મોડી રાત્રે પોલીસ બ્રેથએનેલાઇઝરથી ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન કાઉન્સિલર પુત્ર દારૂ પીધેલી હાલતમાં જણાઇ આવતા તેને પોલીસ મથકમાં લઇ જઇ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ અંગેની જાણ કાઉન્સિલરને થતાં પોલીસ મથકે ધસી ગયા હતા. અને પુત્ર ઉપર કેસ ન થાય તે માટે પોલીસ મથક માથે લીધું હતું. કાઉન્સિલર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. જેમાં એક પોલીસ જવાનનું જેકેટ ફાટી ગયું હતું.
કોરોનાના વધી રહેલા કેસો અને 31 ફસ્ટ ડિસેમ્બરની રાત્રે લોકો નવા વર્ષને આવકારવા માટે ભેગા થતા હોવાથી સરકાર દ્વારા રાત્રે 11 વાગ્યાથી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે શહેર પોલીસ તંત્ર દ્વારા પણ 31 ડિસેમ્બરની રાત્રે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે. લોકો નશો કરીને ફરવા ન નીકળે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રેથએનેલાઇઝર સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ફતેગંજ મુખ્ય માર્ગને બેરીકેટ લગાવી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આમ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસે મોડી સાંજથી જ ચાર દરવાજા વિસ્તારમાં ચેકિંગ શરૂ કરી દીધુ હતું. દરમિયાન ભાજપના મહિલા કાઉન્સીલર જેલમબહેન ચોકસીનો પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને તેને સીટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગેની જાણ કોર્પોરેટર જેલમબહેન ચોકસીને થતા તેઓ, તેમના ટેકેદારો અને પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસ કર્મચારીઓને પુત્ર ઉપર કેસ ન થાય તે માટે ધમપછાડા કર્યા હતા. જોકે, પોલીસ તંત્ર દ્વારા મહિલા કાઉન્સિલરને કોઇ દાદ આપવામાં આવી ન હતી અને પોલીસે કૃણાલ ચોક્સી સામે પીધેલાનો કેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
31 ડિસેમ્બરે દારુ પી છાકટા થયેલા મહિલા કોર્પોરેટરના પુત્રને પોલીસે ઝડપ્યો, પોલીસ સ્ટેશન લીધું માથે #Vadodara #vadodarapolice pic.twitter.com/jLFaiLc7Ml
— Navajivan (@Navajivan1) January 1, 2022
મોડી રાત્રે સીટી પોલીસ મથકમાં દારૂ પીધેલા પુત્રને કૃણાલ ચોક્સીને છોડાવવા માટે પહોંચેલા ભાજપાના કાઉન્સિલર પુત્ર જેલમબહેન ચોક્સી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં એક પોલીસ જવાનનું જેકેટ પણ ફાટી ગયું હતું. પોલીસ મથકમાં મહિલા કાઉન્સિલરે પોલીસને જણાવ્યું કે, “દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી કે તમે બધા તેને ફરી વળ્યા છો દૂર હટી જાઓ તેમ કહી હોબાળો મચાવ્યો હતો” જે અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
મોડી રાત્રે પોલીસ મથકમાં પુત્રને છોડાવવા માટે પહોંચેલા મહિલા કાઉન્સિલર જેલમબહેન ચોક્સી અને પોલીસ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીના વાયરલ થયેલા વીડિયો પ્રમાણે કોર્પોરેટર જેલમબહેન ચોકસીએ દિકરાને મારવાનો પોલીસ ઉપર આક્ષેપ મુક્યો હતો. પુત્ર કુણાલને કસ્ટડીમાં લઇ જતા તેનો હાથ પકડતા કાઉન્સિલર પુનઃ પોલીસ ઉપર ગુસ્સે થઈ ગયા હતા અને પોલીસને હાથ પકડતા નહીં તેમ કહી હોબાળો મચાવ્યો હતો. તેની સામે પોલીસ કર્મચારીઓએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે, “તમે દાદાગીરી કરો છો યોગ્ય નથી તમે કોર્પોરેટર છો એટલે શું થઈ ગયું”
વીડિયો પ્રમાણે કાઉન્સિલરે પોલીસ પુત્ર ઉપર કયા પ્રકારનો ગુનો દાખલ કરે છે તે જોવાનો પ્રયાસ કરતા પુનઃ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. પોલીસ મથકમાં પુત્રએ પોલીસ પાણી પીવા આપતા નથી તેવી કાઉન્સિલર માતાને ફરિયાદ કરતા કાઉન્સિલર પુનઃ પોલીસ ઉપર તાડુક્યા હતા અને પુત્રને પાણી પીવાની વ્યવસ્થા કરી આપી હતી. નોંધનીય છે કે, વોર્ડ નંબર-14ના ભાજપાના મહિલા કાઉન્સિલર જેલમબહેન ચોક્સી પોતાના દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા પુત્ર કૃણાલને છોડાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા, પરંતુ, પોલીસે કોઇ દાદ આપી ન હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












