નવજીવન ન્યૂઝ. પાલઘર: ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અકસ્માત કેસમાં મહારાષ્ટ્રની પાલઘર પોલીસે અનાહિતા પંડોલે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જ્યારે 4 સપ્ટેમ્બરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો હતો, તે સમયે અનાહિતા પંડોલે કાર ચલાવી રહી હતી. આ દરમિયાન કારમાં સાયરસ મિસ્ત્રી, અનાહિતા પંડોલના પતિ ડેરિયસ પંડોલે અને ડેરિયસનો ભાઈ જહાંગીર પંડોલે પણ મર્સિડીઝ કારમાં બેઠા હતા. અકસ્માતમાં જહાંગીર પંડોલે અને સાયરસ મિસ્ત્રીનું મોત થયું હતું, જ્યારે અનાહિતા અને તેના પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના બુકડો બોલી ગયો હતા. પોલીસનું કહેવું છે કે આ કેસમાં અનાહિતા પંડોલેના પતિનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે અચાનક લેન બદલાવાને કારણે આ અકસ્માત થયો હતો, જેમાં અનાહિતા કાર પર કાબૂ રાખી શકી નહોતી. જોકે અનાહિતાનું નિવેદન નોંધવાનું બાકી છે.
અનાહિતાના પતિ ડેરિયસને તાજેતરમાં સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે બાદ પોલીસે તેમનું નિવેદન નોંધ્યું હતું. તેમણે જણાવ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે તેની પત્ની અનાહિતા કાર ચલાવી રહી હતી. ડેરિયસના નિવેદન બાદ પાલઘર પોલીસે અનાહિતા પંડોલે વિરૂદ્ધ ડ્રાઇવિંગ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. અનાહિતા હજુ પણ હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસે હજુ તેમનું નિવેદન નોંધ્યું નથી. અનાહિતા પંડોલેના પતિ ડેરિયસ પંડોલેની મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અનાહિતાના પતિ ડેરિયસે પોલીસને જણાવ્યું કે, ‘ઘટનાના દિવસે અનાહિતાએ હાઈવે પરની લેન બદલવાનો પ્રયાસ કર્યો, જ્યારે લેન સૂર્યા નદી પાસે એકબીજા સાથે ભળી રહી હતી. અનાહિતાએ લેન બદલતા જ તેની આગળ એક ટ્રક આવી રહી હતી. જેના કારણે તેણે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. મર્સિડીઝ કાર હાઈવે પર એક ડિવાયડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીરનું મોત થયું હતું.








