Sunday, April 19, 2026
HomeBusinessક્રૂડ ઓઇલ ટ્રેડરો ભાવનું જોખમ લેવા સક્રિય બન્યા

ક્રૂડ ઓઇલ ટ્રેડરો ભાવનું જોખમ લેવા સક્રિય બન્યા

- Advertisement -

યુક્રેનએ ડ્રોન હુમલા કરીને રશિયાની ૧૨ ટકા રિફાઇનરીની ઓઇલ સપ્લાય તબાહ કરી નાખી

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરિકન ક્રૂડ ઓઇલ (Crude oil) ઇન્વેન્ટરીઝ (જથ્થો, સ્ટોક) સતત બીજા સપ્તાહે અણધાર્યો ઘટાડો દાખવી રહ્યાના અહેવાલ, એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશને આપ્યા પછી, બજારમાં તેજીવાળા ઉત્સાહમાં જોવાયા હતા. રશિયા અને યુક્રેન મોરચે ખાંડાં ખખડી રહ્યા હોવાથી પુરવઠામાં ખાંચરો પાડવાનું ચાલુ રહેશે, એવી માન્યતા ધરાવતા ટ્રેડરો ભાવનું જોખમ લેવા સક્રિય બન્યા છે. સપ્લાય સ્થિતિ તંગ રહેશે અને ફેડરલ રિઝર્વ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદર ઘટાડશે, એવા સંકેત આપતા ડોલર નબળો પડશે, એવા અનુમાન પર, ગુરુવારે એશિયન બજારમાં ભાવ વધ્યા પછી, નફાબુકિંગે ઘટી ગઇકાલની સપાટીએ સ્થિર થઈ ગયા હતા.

બુધવારે ફેડ ચેરમેન જેરોમ પોવેલના સંબોધન બાદ ડોલર ઇંડેક્સ ઘટ્યો હતો, આ ઘટના પછી અન્ય કોમોડિટીના ભાવ પણ વધ્યા હતા. પોવેલે અમેરિકન ઈકોનોમી મજબૂત હોવાના સંકેત આપ્યા હતા, પરિણામે ક્રૂડ ઓઇલની માંગનો સીનારિયો હકારાત્મક જણાવા લાગ્યો હતો. બુધવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧.૬ ટકા ઘટયા બાદ ગુરુવારે વધઘટે સ્થિર થઈ ગયા હતા, મે વાયદો પ્રતિ બેરલ ૮૫.૫૦ ડોલર અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટરી (ડબલ્યુટીઆઈ) ૮૦.૮૮ ડોલર બોલાતો હતો. મંગળવારે ડબલ્યુટીઆઈ ૩ નવેમ્બર ૨૦૨૩ની ઊંચાઈએ ૮૩.૧૨ ડોલર બોલાયો હતો.

- Advertisement -

૧૧ માર્ચે બોટમ બનાવ્યા બાદ, સતત છ ટ્રેડિંગ દિવસોમાં ૮.૨૪ ટકા વધી, બુધવારે નવી ઊંચાઈ સર્જી હતી. આ જ પ્રકારે બ્રેન્ટ વાયદાએ બુધવારે ૩૧ ઓકટોબર ૨૦૨૩ પછીની ઊંચાઈ ૮૭.૩૮ ડોલર પ્રાપ્ત કરી હતી. નિકાસ વધવાને લીધે રિફાઇનરીઓએ તેમની ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બનાવી તેને પગલે ક્રૂડનો સ્ટોક ઘટ્યો હતો. ગેસોલીનની ઇન્વેન્ટરીઝ સતત સાતમા સપ્તાહે ૩૩ લાખ બેરલ ઘટી ૨૩૦૮ લાખ બેરલે પહોંચી હતી, જે દાખવે છે ઉર્જાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

ઓઇલ રિફાઇનરીઓએ તેમની ઉત્પાદન ક્ષમતા ઉપયોગ વધારી ઉત્પાદન દૈનિક સરેરાશ ૧.૨૭ લાખ બેરલ કર્યું હતું. દરમિયાન સેન્ટ્રલ બેન્કે વ્યાજદર ૫.૨૫ ટકાથી ૫.૫૦ ટકાની રેન્જમાં જાળવી રાખ્યું હતું. આ વર્ષે ત્રણ વખત વ્યાજદર ઘટાડવામાં આવશે, પણ તેનું કોઈ સમયપત્રક નીતિઘડવૈયાઓએ આપ્યું નથી. આનો અર્થ એ થાય કે બોરોઇન્ગ ખર્ચા લાંબો સમય ઊંચા રહેશે.

લાંબો સમય વ્યાજદર ઊંચા રહે તેનો મતલબ એ કે અર્થતંત્રોનો વિકાસ ધીમો છે, જે ઉર્જાની ભાવિ માંગને અસર કરશે. આ તરફ યુક્રેન દ્વારા રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે, તેને લીધે વૈશ્વિક પેટ્રોલિયમ સપ્લાયમાં અંતરાયો સર્જાશે અને ભાવને ઉપર જવામાં ટેકો આપશે. યુક્રેનએ ડ્રોન હુમલા કરીને રશિયાની ૧૨ ટકા રિફાઇનરી ઓઇલ પ્રોસેસિંગ અને સપ્લાય તબાહ કરી નાખી છે, બીજી તરફ ઓપેક દેશોએ સપ્લાય નિયંત્રિત કરી રાખી હોવાથી ભાવને ઉપર રહેવાનો ટેકો સાંપડ્યો છે.

- Advertisement -

સંકડાતી અમેરકન ઓઇલ ઇન્વેન્ટરીઝ રશિયા અને મધ્યપૂર્વમાં ઝઘડાઓ પુરવઠાને નવા ઝટકાફટકા આપશે. એ જોતાં ૨૦૨૪માં વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ બહુ ઘટી જવાની સંભાવના નથી. ઓપેકના સાથી રાષ્ટ્રોએ માર્ચમાં ક્રૂડ ઓઇલ સપ્લાય ઘટાડી હતી.

એનાલિસ્ટો એ વાતની પણ નોંધ લે છે કે ઈઝરાયેલ, ઈરાન, ઈરાક, લિબિયા, અને વેનેઝુએલાની સપ્લાય પણ જોખમમાં છે. પણ સાઉદી અરેબિયાં, યુએઇ, રશિયા, કૂવેત જેવા દેશો આ સપ્લાય ઘટને સરભર કરી દેશે. તેઓ કહે છે કે અમેરિકા, બેનેઝુએલા, કેનેડા, બ્રાઝિલ, અને ગુયાના જેવા દેશો આ વર્ષે અને આગામી વર્ષે ઉત્પાદન વધારશે. દરમિયાન ઇલેક્ટ્રિક વ્હીકલની માંગમાં સતત વધારો અને આર્થિક નબળાઈ, જાગતિક માંગ વૃધ્ધિને ધીમી પાડશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular