Saturday, April 20, 2024
HomeGujaratAhmedabad‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ દ્વારા ચૂંટણીમાં બાજી કેવી રીતે પલટાઈ શકે છે?…

‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ દ્વારા ચૂંટણીમાં બાજી કેવી રીતે પલટાઈ શકે છે?…

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): લોકસભાની ચૂંટણીનું (Lok Sabha Election 2024) બ્યૂગલ વાગી ચૂક્યું છે. પક્ષોએ ચૂંટણીની ઑન-ગ્રાઉન્ડ તૈયારીઓ આરંભી છે, પરંતુ દર વખતની જેમ ચૂંટણીનો મોટો હિસ્સાનો મુકાબલો વર્ચ્યુઅલી પણ થશે. સોશિયલ મીડિયા તો ચૂંટણીને અસર કરે છે, તેમાં કોઈ બેમત નથી. પરંતુ આ વખતે સૌથી વધુ જોખમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું (Artificial intelligence) છે. એટલે ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી, ત્યાં તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકસભાની ચૂંટણીમાં કેવી અસર પાડશે તેની ચર્ચા થઈ રહી છે. ‘મિનિસ્ટ્રી ફોર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી’ દ્વારા કંપનીઓને એવી સૂચના સુધ્ધા આપી દેવામાં આવી છે કે તેમના આર્ટિફિશિય ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનાં ઉપયોગથી ચૂંટણી પ્રક્રિયાને નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવાની રહેશે. ભારત સરકાર વતી આ સૂચના ‘ગૂગલ’, ‘ઓપનઆઈ’ અને અન્ય આ પ્રકારના પ્લેટફોર્મ ધરાવનારી કંપનીઓને મળી છે. આ બાબતે ગૂગલ સરકારના હિટલિસ્ટમાં કારણ કે થોડા વખત પહેલાં તેના ‘જેમિનિ’ પ્લેટફોર્મ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગેના પ્રશ્નોના ઉત્તરો જનરેટ થઈ રહ્યા હતા; અને તેથી ‘ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી’ના મંત્રી રાજીવ ચંદ્રશેખરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કાયદા દ્વારા કેટલાંક નિયંત્રણની પણ વાત કરી હતી.

AI Loksabha election
AI Loksabha election

ચૂંટણીમાં થતી ઘાલમેલ આપણા દેશમાં કંઈ નવીન નથી. બેલેટ પેટીઓ અને ઇવીએમ લઈ જવાની ઘટના પણ આપણે ત્યાં બને છે. હાલમાં ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં તો પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસિહે જે ગરબડ કરીને ભાજપને જીતાડવાનો કારસો ઘડ્યો તે તો પૂરેપૂરો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો દેશભરમાં જોવાયો. પછી આ મામલો સુપ્રિમ કોર્ટમાં ગયો અને આખરે ‘આમ આદમી પાર્ટી’નો પ્રતિનિધિને જીત મળી. ચૂંટણીજંગમાં બધી છૂટ રાજકીય પક્ષો લે છે અને તેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગામી ચૂંટણીમાં તેમનું શસ્ત્ર બની શકે છે. તેનું એક ઉદાહરણ ગત્ વર્ષે નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં જોવા મળ્યું હતું. ખૂબ વાયરલ થયેલાં આ વિડિયોમાં એક વ્યક્તિ ચૂંટણીના દિવસે સવારની પહોરમાં વોટ આપવા લાઇનમાં ઊભો છે. આ વિડિયો કોંગ્રેસ દ્વારા તેમના ‘એક્સ’ અકાઉન્ટ પર મૂકવામાં આવ્યો. વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે ‘ભારત રાષ્ટ્ર સમિતિ’ના આગેવાન કે. ટી. રામરાવ રાજ્યમાં જીત મેળવી રહ્યા છે, અને તેથી વધુ ને વધુ લોકો કોંગ્રેસને વોટ આપશો. આ વિડિયો કોંગ્રેસ દ્વારા વોટ્સઅપ ગ્રૂપમાં ખૂબ શેર કર્યો. કોંગ્રેસનું આ વોટ્સગ્રૂપ ઓફિશિયલ નહોતું. કોઈ સિનિયર આગેવાનના કહેવાથી આ વિડિયોને ‘એક્સ’ અકાઉન્ટ પર મૂકવામાં આવ્યો અને તેની રીચ થોડા જ વખતમાં પાંચ લાખ સુધી પહોંચી. છેલ્લે ખ્યાલ આવ્યો કે આ વિડિયો ફેક હતો. જોકે પછી કોંગ્રેસના આગેવાને સ્વીકાર્યું કે આ વિડિયો ‘એઆઈ’ દ્વારા જનરેટેડ હતો, પરંતુ તે વાસ્તવિક લાગતો હતો. અને તેનો ઉપયોગ એ માટે જ કરવામાં આવ્યો કે સામાન્ય મતદાતા ‘એઆઈ’ જનરેટેડ અને ખરાં વિડિયોમાં ભેદ પારખી શકતો નથી. આવા કિસ્સામાં એક વાર વોટિંગ શરૂ થયા બાદ વિરોધી પક્ષો તેનું ડેમેજ્ડ કન્ટ્રોલ એટલાં ઝડપથી કરી શકતા નથી. હવે જ્યારે એપ્રિલ-મેના અરસામાં દેશમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે તે અંગે દેશના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ દ્વારા પણ ‘એઆઈ’ને ‘લોકશાહી પરના જોખમ’ ગણાવ્યું છે. વર્તમાન સરકાર ‘એઆઈ’નું જોખમ જુએ છે અને તે અંગે સતર્કતા દાખવી રહી છે, પરંતુ વર્તમાન સરકારને ભીતિ એ પણ છે કે ‘એઆઈ’નાં ટુલ્સ તેમના કરતા કોઈ અન્ય રાજકીય પક્ષ વધુ સ્માર્ટલી યુઝ ન કરી જાય. કારણ કે ‘એઆઈ’નું જોખમ જોતાં હોવા છતાં ભાજપ દ્વારા તેનો ઉપયોગ થઈ રહ્યો છે. વર્ષ 2020માં ભાજપના સાંસદ મનોજ તિવારીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી વેળાએ દિલ્હીના વોટર્સને રિઝવવા હિંદી, હરિયાણવી અને અંગ્રેજીમાં પોતાનો એક વિડિયો તૈયાર કર્યો હતો. આ વિડિયોમાં માત્ર તેઓ હિંદીમાં બોલે છે તે ઓરિજનલ છે. અંગ્રેજી અને હરિયાણવીમાં મનોજ તિવારી બોલે તે માટે ‘એઆઈ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- Advertisement -
AI Lok sabha Election 2024
AI Lok sabha Election 2024

આ પ્રકારે તમિલનાડુની ‘દ્રવિડ મુનેત્ર કાઝગમ’[ડિએમકે] દ્વારા પણ થોડા મહિના પહેલાં તેમના સ્વર્ગવાસી આગેવાન એમ. કરૂણાનિધિને જાણે જીવિત કરીને લોકો સમક્ષ લાવ્યા હતા. જાન્યુઆરી 2023માં યોજાયેલા એક કાર્યક્રમમાં એમ. કરૂણાનિધિ એક સ્ક્રીન પર આવે છે અને તેમના રાજકીયમિત્ર ટી. આર. બાલુની આત્મકથાના બુક લોન્ચિંગ વેળાએ તેમને અભિનંદન પાઠવે છે. એમ. કરૂણાનિધિ આ અભિનંદન આપતી વેળાએ તેમના ટ્રેડમાર્ક બ્લેક સનગ્લાસ ચઢાવ્યા છે, સફેદ પહેરવેશ ધારણ કર્યો છે અને ખભે શાલ છે. આ વિડિયોમાં એમ. કરૂણાનિધિ આઠ મિનિટની એક સ્પીચ આપે છે અને અંતે ‘ડિએમકે’ વર્તમાન આગેવાન અને તેમના દીકરા એમ. કે. સ્ટાલિનની આગેવાનની પ્રશંસા કરે છે. એમ. કરૂણાનિધિ 2023માં સ્પીચ આપી રહ્યાં છે, ખરેખર તો તેમનું અવસાન 2018માં થઈ ચૂક્યું છે. અને ‘ડિએમકે’ પક્ષ દ્વારા છેલ્લાં છ મહિનામાં આવા ત્રણ કાર્યક્રમ થઈ ગયા, જેમાં સ્વર્ગવાસી એમ. કરૂણાનિધિને ‘એઆઈ’થી આભાસી રીતે જીવિત કરવામાં આવ્યા.

અભિનંદન આપવા અને બુક લોન્ચ કરવા સુધીની વાત જોખમી લાગતી નથી, પરંતુ જ્યારે આ રીતે સ્વર્ગવાસી થયેલાં પાસે પોતાના હિત ખાતર કોઈ નિવેદનબાજી થશે ત્યારે તેને કોણ રોકી શકે? ‘મોઝીલા ફાઉન્ડેશન’ ‘એઆઈ’ના ટુલ્સને યોગ્ય રીતે ઉપયોગ માટે કાર્યરત છે. મોઝીલાના સિનિયર કર્મચારી અંબર સિન્હા મુજબ ‘કોઈ જીવિત વ્યક્તિના વિડિયો અને ઓડિયો સાથે કન્ટેન્ટ બનાવવામાં આવે તો તે વિડિયોના ખરાઈ માટે તે કન્ટેન્ટ પર જે-તે વ્યક્તિની સહી લઈ શકાય, પરંતુ કોઈ મૃત વ્યક્તિના વિડિયો-ઓડિયો બનાવી અભિપ્રાય આપતાં બતાવાય તો બિલકુલ અલગ બાબત છે.’ પરંતુ હવે આ ક્ષેત્રમાં કામ કરતાં લોકોનું કહેવું છે કે બોટલમાંથી જીન બહાર આવી ચૂક્યો છે અને તે કોઈના હાથમાં નથી. હાલમાં થનારી ચૂંટણીમાં ‘એઆઈ’ દ્વારા બધું જ થશે. વોઇસ કોલ્સ, એસએમએસ, આબેહૂબ રાજકીય નેતાઓનું ક્રિએશન પણ ‘એઆઈ’ દ્વારા થશે. ‘એઆઈ’ એ અતિજોખમી છે અને તેનું કારણ આપતાં કોંગ્રેસ માટે સોશિયલ મીડિયા સંભાળતા અરુણ રેડ્ડીનું કહેવું છે કે, ‘રાજકારણ ધારણા ઊભી કરવાનો ખેલ છે અને ‘એઆઈ’ના અલગ અલગ ટુલ્સ દ્વારા ક્ષણોમાં આવી ધારણા ક્રિએટ કરી શકાય છે.’

‘એઆઈ’ માટે મોટી કંપનીઓ દાવો કરે છે પણ તેમાં કેટલીક બાબતો થોડીક ટ્રેનિંગથી મોબાઈલ પર પણ થઈ શકે છે. એટલે જ દેશમાં ખૂણેખૂણે ‘એઆઈ’ના મદદ કામ કરતી નવી કંપનીઓ ખૂલી રહી છે. ‘અલ-જઝીરા’ ન્યૂઝ પોર્ટલ પર આવેલાં એક અહેવાલમાં વિગત એવી છે કે રાજસ્થાનના પુષ્કરમાં ત્રીસ વર્ષીય દિવ્યેન્દ્ર સિંઘ ‘એઆઈ’ સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે. ઑક્ટોબર 2020માં તેની કંપની શરૂ થઈ અને 2023ના નવેમ્બરમાં રાજસ્થાનમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેની કંપનીએ કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અવાજને અલગ-અલગ સંદેશ આપવા માટે ઉપયોગમાં લીધો હતો. તે પછી આ સંદેશાઓ વોટ્સઅપ ગ્રૂપ દ્વારા સર્વત્ર વાયરલ કરવામાં આવ્યા હતા. મૂળે વાત એક નાનકડી કંપની પણ હવે ‘એઆઈ’નો ઉપયોગ કરીને આ બધું કરી શકે છે. આવું માત્ર રાજસ્થાનમાં અશોક ગેહલોતના અવાજમાં ન થયું. બલકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અવાજ અને છબિનો ઉપયોગ કરીને ‘એઆઈ’ દ્વારા કન્ટેન્ટ ક્રિએટ થઈ રહ્યું છે.

- Advertisement -

મૂળે સૌ કોઈ ‘એઆઈ’ના જોખમ વિશે જાણે છે અને તેને અટકાવવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ આ ચેતવણી તેઓ દુશ્મન ખેમાને ધ્યાનમાં રાખીને જ આપે છે. જ્યારે પોતાના જીતને સુનિશ્ચિત કરવાની વાત આવે છે ત્યારે તેઓ ‘એઆઈ’નો ગમે તેટલો દુરોપયોગ થાય તો તેને ચલાવી લેવામાં માને છે. અને એટલે જ બધી જ પોલિટિકલ પાર્ટી અત્યારે ‘એઆઈ’ને લોકશાહી પરના જોખમ તરીકે વર્ણવે છે, પરંતુ તેનાથી પરહેજ રાખતી નથી. બલકે બધા રાજકીય પક્ષો પોતપોતાની રીતે એવી તૈયારીમાં લાગ્યા છે કે તેમનાં કરતાં વિરોધી પક્ષો આ શસ્ત્રનો ઉપયોગ વધુ સારી રીતે કરીને બાજી પલટી ન નાંખે. આવનારાં ચાર મહિનામાં આ બધો જ તમાશો પ્રજા તરીકે આપણે જોવાનો થશે. હજુ સુધી ચૂંટણીમાં દારૂ, રોકડ નાણાં કે અન્ય ગેરરીતિઓ નહીં રોકી શકનારાં ચૂંટણી કમિશન પર પણ ‘એઆઈ’થી થતી ગેરરીતિ રોકવાનો મસમોટો પડકાર છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular