Wednesday, October 21, 2026
HomeGeneral૨૦૨૨માં રૂના ભાવ ૪૦ ટકા વધવાની આગાહી: અળવીતરા હવામાનની ખાનાખરાબી

૨૦૨૨માં રૂના ભાવ ૪૦ ટકા વધવાની આગાહી: અળવીતરા હવામાનની ખાનાખરાબી

- Advertisement -



ભારતમાં રૂ પાકનો નવો અંદાજ ૮ લાખ ગાંસડી ઘટાડીને ૪૨૫.૧૩ લાખ ગાંસડી કરાયો
આઇસીઇ રૂ વાયદો ઓગસ્ટ ૨૦૧૧ની ૧૫૧.૦૯ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) વટાવી ગયો
લંબાતારની કેટલીક રૂ જાતોના ભાવ રૂ. ૧ લાખ વટાવી ગયા

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વર્લ્ડ બેન્કનો રો મટિરિયલ પ્રાઇસ ઇંડેક્સ ૨૦૨૧માં પ્રમાણમાં સ્થિર રહ્યા પછી ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં, અગાઉના ત્રિમાસિક કરતાં ૨.૮ ટકા ઉછળ્યો હતો. વર્લ્ડ બેન્કની કોમોડિટી માર્કેટ આઉટલૂક કમિટી કહે છે કે અળવીતરા હવામાનની ખાનાખરાબી હળવી ન થાય ત્યાં સુધી રૂના ભાવ, ૨૦૨૩માં ૬ ટકા ઘટવાના શરૂ થાય તે અગાઉ ૨૦૨૨માં લગભગ ૪૦ ટકા વધવાની સંભાવના છે. મે ૨૦૨૦ના આરંભે શરૂ થયેલી આ તેજી એપ્રિલમાં ૧૧ વર્ષની નવી ઊંચાઈએ પહોંચી ગઈ છે. પાછલા ૨૪માંથી ૨૦ મહિના આ તેજી સતત જોવા મળી છે. યુક્રેન યુધ્ધે પણ ભાવ વધારામાં ભૂમિકા કરી છે.

ભાવ વધવાનું મુખ્ય કારણ છે જાગતિક રૂ માંગમાં સર્વાંગી વૃધ્ધિ છે. જે ૨૦૨૦-૨૧ની મોસમ કરતાં વર્તમાન મોસમમાં બે ટકા વધી છે. હવામાન સંબંધી સમસ્યાઓને લીધે ભારત અને ચીન જે વિશ્વના બે સૌથી મોટા ઉત્પાદક દેશ છે, ત્યાં હવામાનની વિસમતાએ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ ૩૦ ઓકટોબર ૨૦૨૨ના પૂરી થતી ૨૦૨૧-૨૨ની વર્તમાન મોસમમાં અગાઉના ઉત્પાદન અંદાજ ૪૩૩.૧૩ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો)થી ૮ લાખ ગાંસડી ઘટાડીને નવો અંદાજ ૪૨૫.૧૩ લાખ ગાંસડી મૂક્યો છે.

- Advertisement -


મજબૂત માંગ, હકારાત્મક ચાર્ટ સંકેત, શેર બજારમાં ઉછાળા, પુરવઠા અછતનું જોખમ અને નકારાત્મક હવામાન જેવા અનેક કારણોસર ગત સપ્તાહાંતે આઇસીઇ અમેરિકન રૂ વાયદો દૈનિક ભાવમર્યાદા વટાવીને ઉછળ્યો હતો. શુક્રવારે ઇન્ટ્રાડેમાં એક તબક્કે ભાવ ઓગસ્ટ ૨૦૧૧ની ૧૫૧.૦૯ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) વટાવી સોમવારે ૧૪૮.૫૨ સેંટ રહ્યો હતો. આ તરફ શુક્રવારે કોટલૂક એ ઇંડેક્સ ૪.૮૦ સેંટ વધી ૧૫૯.૦૫ સેંટ રહ્યો હતો. અમેરિકન કૃષિ મંત્રાલયનો રૂ માટેનો એડજસ્ટેડ વર્લ્ડ પ્રાઇસ (એસબલ્યુપી) ૧૩૬.૨૦ સેંટ મુકાયો હતો.

ભારતમાં છેલ્લા એક જ વર્ષમાં રૂના ભાવ બમણા થઈ, ખાંડી (૩૫૬ કિલો) દીઠ રૂ. ૯૦,૦૦૦ મુકાયા હતા. લંબાતારની કેટલીક જાતોના ભાવ તો રૂ. ૧ લાખ બોલાય છે. ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગએ કહ્યું કે જો નિકાસ ઉપર પ્રતિબંધ મુકાય તો બજારમાં મજબૂત હાથોમાં પકડાયેલો માલ છૂટો થાય અને ભાવમાં નરમાઈ આવી શકે છે. ઓકટોબરમાં નવો પાક બજારમાં નહીં આવે ત્યાં સુધી ભાવ ઘટવાની સંભાવના ઓછી છે.

- Advertisement -



એક તરફ કોટન યાર્નની માંગ વેગથી વધી રહી છે, બીજી તરફ નવા રૂની આવક તબક્કાવાર ઘટી રહી છે. ગુજરાતમાં સ્પીનીંગ મિલો તરફથી કાચામાલની માંગ વધતાં ખાંડી દીઠ ભાવ રૂ. ૪૦૦થી ૫૦૦ વધી ગયા છે. પંજાબમાં હાજર ભાવ રૂ. ૯૩,૦૦૦થી 94,0૦૦, હરિયાણામાં ૯૧,૫૦૦થી ૯૩,૭૦૦, ઉત્તરપ્રદેશ રાજસ્થાનમાં ૯૩,૫૦૦થી ૯૪,૦૦૦ બોલાય છે. દક્ષિણ રાજસ્થાનમાં રૂ. ૮૯,૦૦૦થી ૯૨,૦૦૦ની રેન્જમાં રહ્યા છે.

પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં મણ (૪૦ કિલો) દીઠ ભાવ પાકિસ્તાની રૂપિયા ૧૮,૦૦૦થી ૨૧,૦૦૦ બોલાય છે. રૂમાં નફાકારકતા ઓછી થવાથી આ બંને રાજ્યની જમીન અન્ય રોકડીયા પાક તરફ સ્થળાંતરિત થઈ જતાં પાકનો અંદાજ એક સમયે ૧૪૦ લાખ ગાંસડી મુકાતો હતો, તે ઘટાડીને હવે ૬૦ લાખ ગાંસડી મુકાય છે. પાકિસ્તાનને આઈએમએફ તરફથી એક અબજ ડોલરની જ લોન મળતા, પાંચ લાખ ડોલરનું રૂ આયાત બિલ બચાવવા ૫૦ લાખ ગાંસડી રૂ આયાત ઘોંચમાં પાડવાની સંભાવના છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular